જ્યારે કચ્છની પ્રજાએ અત્યાચારી રાજાને બંદીવાન બનાવ્યો

લેખકઃ નરેશ અંતાણી


કચ્છના રાજકીય ઈતિહાસમાં રાવ રાયધણજી(ઈ.સ. ૧૭૭૮-૧૮૧૩)નો સમયગાળો કાળા ઈતિહાસ તરીકે યાદ રહે એવો છે.રાયધણજી યુવાવસ્થામાં હતા એ સમયે તે કુસંગતના કારણે સ્વધર્મ પ્રત્યે તેમની આસ્થા ઉઠી ગઈ અને વિધર્મી તત્વોને વશ થઈ ગયા.અનેક ધર્મસ્થાનોનો તેમણે નાશ કરાવ્યો.એટલે સુધી કે,રાયધણજીની સવારીનું બ્યૂગલ વાગતા જ લોકો પોતાના ઘરમાં ભરાઈ જતાં.

 

રાયધણજીના સમયમાં કચ્છ છિન્નભિન્ન થયું છતાં પણ તેના કૃત્યમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં, ઉલ્ટાનો ત્રાસ વધતો ગયો. માંડવીની પ્રજા પર નવ લાખ કોરીનો દંડ નાખવાનું અને તેને પગલે માંડવીમાં ફાટી નીકળેલા બળવાની ઘટના કચ્છના ઈતિહાસમાં બહુ ઓછી નોંધાઈ છે. પરંતુ દરિયાઈ સાહસ કથાઓના લેખક ગુણવંતરાય આચાર્યે કચ્છના રાવ રાયધણજીના સમયની ઘટનાઓના ઈતિહાસ સંદર્ભે ઈ.સ.૧૯૩૧માં લખેલી નવલકથા ‘કચ્છમાં ક્રાંતિ’માં રાયધણજીના આ કૃત્યને બહુ વિસ્તારથી આલેખ્યું છે. રાયધણજીથી સ્વતંત્ર થયેલા કારભારી હંસરાજ શાહ માંડવીમા પોતાનું થાણું જમાવીને બેસી ગયા હતા. એમણે માંડવીનું વહીવટી તંત્ર પણ વ્યવસ્થિત કરી દીધું હતું. ચોર-લૂંટારાઓના ત્રાસથી પણ માંડવીની પ્રજાને મુક્ત કરી હતી. પરંતુ આ સારા દિવસો બહુ ચાલ્યા નહીં. એક દિવસ કારમા સમાચાર આવ્યા કે, રાયધણજી માંડવી આવ્યા છે અને હંસરાજને કેદ કરી તેને સહયોગ આપવા બદલ માંડવીની પ્રજા પર નવ લાખ કોરીનો દંડ ફટકાર્યો છે. માત્ર આટલી વાતથી વાત પૂરી નહોતી થતી. માંડવીમાં જ રાયધણે એક ઢંઢેરો પીટાવી પોતે ધર્મપરિવર્તન કરનાર હોવાની જાહેરાત કરી,અને મૂર્તિપૂજાની મનાઈ ફરમાવી. આ જાહેરાત પછી રાયના ક્રુર સૈનિકોની ચોકી શહેરના ચોરે ચોરે બેસી ગઈ. ભય અને ડરનું સામ્રાજ્ય ફેલાઈ ગયું.


આવા ભયના માહોલ વચ્ચે રાયધણ પોતાના માણસોની સાથે ઘોડા પર સવાર થઈને ફરવા નીકળ્યા. રાયએ ગામના મહાજનને પોતાની પાસે હાજર કરવાની સૂચના આપી. ધ્રૂજતું અને કાંપતું મહાજન રાવ પાસે હાજર થયું. રાવે નવ લાખ કોરીની માંગણી કરી. ભયથી અને ડરથી કાંપતાં મહાજને આ રકમ આપવાની રાયની માંગણી સ્વીકારી લીધી. નવલાખ કોરી પૂરી મળ્યા પછી જ હંસરાજ શાહને મુક્ત કરવાની પોતાની આકરી શરત જણાવી દીધી. આ દંડની રકમ મેળવવા રાયધણજી અને તેના સૈનિકોએ માંડવીની પ્રજા પર રીતસરનો જુલમ ગુજારવાનો શરૂ કર્યો.લોકોને મારઝુડ કરીને પણ કોરીની રકમ વસૂલ કરવામાં આવતી.એક ગરીબ વિધવા પોતાના ચાર બાળકો સાથે રહેતી હતી, તેની પાસે ફૂટી કોડી પણ નહોતી.એ પંદરકોરી કયાંથી કાઢે? એણે પોતાને માફ કરવા કાકલુદી કરી હાથ જાેડી રાયધણજીના પગે પડી પણ રાયધણ મારઝુડ કરી આખુંય ઘર ફંફોસી નાખ્યું. આમ છતાં કશું ન મળતાં ક્રુરતાપુર્વક નાના બાળકોને હડસેલી નાખ્યાં.અને બાળકોની સામે જ વિધવા માતાનું શીયળ લૂંટી દંડ વસૂલ કરવાનો સંતોષ માની ચાલતી પકડી.આમ કરવા પાછળ રાયધણનો હેતુ એ હતો કે માંડવીની બાકી જનતામાં ડર ફેલાય અને સીધી રીતે દંડની રકમ આપી દે. રાયધણજીએ જાેરજુલમ ગુજાર્યો, મહિલાઓમા શીયળ લુંટ્યા. રાયધણની આ ક્રુરતા સામે માંડવીની જનતામાં વ્યાપક ભય અને રોષ વ્યાપી ગયો. આ એક વખત નવ લાખ કોરી આપી દેવાથી રાયધણનો ડર દુર થાય એમ ન હતો, આ ઘટના પછી જમ ઘર ભાળી જાય એવો પણ ડર હતો. તેનો કાયમી ઉપાય શું ? એ વિચારવા મહાજન અને નગરના આગેવાનોની ગુપ્ત બેઠક મળી હોવાની નોંધ પણ ‘કચ્છમાં ક્રાંતિ’ પુસ્તકમાં કરવામાં આવી છે.તેમાં નોંધાયા મુજબ સૌએ મળીને એક જ વિચારમાં સહમતી સાધી કે જે રાજાને પોતાની રૈયતની જાનમાલની પરવા નથી, રૈયતની રક્ષા કરનાર જ તેના પર જુલમ કરે,સ્વધર્મનું છડેચોક અપમાન કરે,મનસ્વી રીતે જનતાની મિલકત લંૂટે એ રાજા નહીં પણ રાક્ષસ સમાન છે.તેની સામે બંડ પોકારવો એ આપણો ધર્મ છે.નગરજનો અને મહાજનોએ બળવો કરવાનું નકકી તો કર્યુ પણ તેનો આરંભ પણ અચાનક એક ઉભાં થયેલા કારણે થઈ ગયો. બન્યું એવું કે,જે વિધવાનું શીયળ લૂંટાયું હતું એ વિધવાને જીવવું દુષ્કર લાગતાં પોતાના પેટમાં કટારી ચલાવી આત્મહત્યા કરી લીધી. આથી નગરમાં હાહાકાર ફેલાઈ ગયો. અને તેની સ્મશાનયાત્રામાં જ સ્વયંભૂ રીતે ચારસોથી વધારે લોકો લાઠી, બંદુક,ભાલા અને તલવાર સાથે એકત્ર થઈ ગયા.એક ભાલાની અણી પર એ વિધવાના સાડલાનો લોહી નીંતરતો કટકો લગાવવામાં આવ્યો અને નગરના ચોકમાં એ વિધવાને અગ્નિદાહ આપવામાં આવ્યો. એ પછી નગરજનોનો રોષ ભભૂકી ઉઠયો અને લોકોએ હાથે ચડયું એ હથિયાર લઈ રાયના માણસો સામે લડાઈ શરુ કરી.એ સમયે તો રાયના લશ્કરને નગરજનોનેે નસાડી દેવામાં સફળતા મળી.


પરંતુ નગરજનો નાસીપાસ ન થયા અને ફરી પૂરી તૈયારી સાથે મેદાને પડયા.આ વખતે પૂરી તકેદારી અને તૈયારી સાથે તેઓએ લડી લેવા નકકી કર્યુ હતું. નગરજનોએ દરેક શેરીના નાકે ગામના વેપારીઓ પાસેથી અનાજ ભરેલી ગૂણીઓ મેળવી તેના થપ્પા લગાવી હંગામી કિલ્લો બનાવી લીધો અને ગુણીની આડસમાં છૂપાઈને વેરો ઉઘરાવવા નીકળેલા રાય અને તેના માણસો પર અચાનક ગોળીબાર શરુ કર્યા. સામે રાયના લશ્કરે સામા ગોળીબાર કર્યા પણ બધી ગોળી અનાજની ગુણીમાં ભરાઈ જતી. આથી તેના વાર ખાલી જવા લાગ્યા. રાયના માણસો ચારેબાજુથી થતાં ગોળીબારથી જીવ બચાવવા નાસવા લાગ્યા. રાયધણને પણ આ ગોળીબારથી બચવા પોતાના કેટલાક વિશ્વાસુ સાથીદારોને સાથે લઈને નાસવું પડ્યું.નાસતા રાયના સૈનિક પર શેરીમાં છૂપાયેલા લોકોએ ઈંટ,પથ્થરનો વરસાદ વરસાવવાનો શરૂ કર્યો. પરિણામે રાયના લશ્કરમાં હવે લડવાની હામ રહી નહીં. રાયધણના નાસી ગયા પછી માંડવીની જનતાએ હંસરાજ શાહને બંધનમુકત કર્યા હતા. માંડવીની જનતાએ રાયધણજી સામે કરેલા બળવાને કારણે જ પાછળથી ભુજ અને અંજારની પ્રજામાં પણ જાેમ અને જાેશ આવ્યું. પરિણામે ભુજના મંદિરો તૂટતાં બચાવી શકાયાં હતા. અને રાયધણને બંદીવાન બનાવી કચ્છમાં રાજપલટો કરાવ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution