ખંભાતના ગુડેલમાં પાક નિષ્ફળ જતા મહિલાઓએ થાળી વગાડી સહાય માંગી

આણંદ ખંભાતના ગુડેલ ગામે અતિવૃષ્ટિમાં ખેડૂતોએ મહામહેનતે રોપેલ ડાંગરનો પાક નિષ્ફળ નીવડ્યું છે.૧ હજાર એકર જમીનમાં પાક પાણીમાં ૧૨ દિવસ સુધી ગરકાવ થઇ યથાવત રહ્યો છે.બીજી બાજુ આજ દિન સુધી તંત્ર દ્વારા આ ગામમાં સર્વેની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા મહિલાઓએ થાળીઓ વગાડી ‘ સર્વે કરો ‘ ના સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.બીજી તરફ પાક નુકશાનીને લઇ ખેડૂતો વેદના ઠાલવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.હાલ તો ખેડૂતોની કફોડી હાલત થવા પામી છે. આ અંગે ખેડૂત અરવિંદભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુડેલ ગામના ખાખસર રોડ પર આવેલ બેડીનો પા ,વેણ ,ધુમાડીયાનો પા આ તમામ સીમ વિસ્તારો છેલ્લા ૧૨ દિવસથી પાણીમા ગરકાવ છે.અને અહીં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે.પાણીનો કોઈ નિકાલ નથી. પણ આ વખતે તો હદ થઈ ગઈ. આજદીન સુધી આ પાણી ઓસર્યા નથી અને હજારો એકર ડાંગરનો પાક પાણીમા ખદબદી જવા પામ્યો છે. કોઈ પણ અધિકારી, રાજકીય નેતા ખેડૂતોની દયનીય સ્થિતિ જાેવા પણ આવ્યા નથી.તંત્ર દ્વારા સર્વેની કામગીરી પણ કરાઈ નથી.સત્વરે સર્વેની કામગીરી કરી ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી અમારી પ્રબળ માંગણી છે.

પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત દયનિત બની

ચારે તરફ પાણીમાં ગરકાવ રોપેલ પાકના ખેતરોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.દાગીના ગીરવે મૂકી દેવાદાર બની અન્ન પકવતા ખેડૂતોએ મહા મહેનતે પાક રોપ્યો હતો.જે સદંતર નિષ્ફળ નિવડતા ખેડૂતોની હાલત દયનીય બની જવા પામી છે.પાણી ન ઓસરતાં ખેડૂત રમેશભાઈ પોતાની વેદના ઠાલવતા સમયે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

સર્વે ન થતા તંત્રને જગાડવા મહિલાઓએ થાળીઓ વગાડી

છેલ્લા ૧૨ દિવસથી આજ દિન સુધી ગ્રામસેવકને સંપર્ક કરવા છતાંય સર્વે કરવામાં આવ્યો નથી.જેને કારણે પાક નુકશાની પગલે સહાયથી ખેડૂતો વંચિત રહ્યા છે.જેથી મહિલાઓએ થાળીઓ ખખડાવી ‘સર્વે કરો’ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.જાે કે મહિલાઓએ રડતા રડતા હૈયાવરાળ ઠાલવી હતી.

પાણીનો નિકાલ ન થતો હોવાથી પાક નુકશાનની ભીતિ કાયમી બની ગઈ

નોંધનીય છે કે, ગુડેલ ગામના ખાખસર રોડ પર આવેલ બેડીનો પા ,વેણ ,ધુમાડીયાનો પા આ તમામ સીમ વિસ્તારો છેલ્લા ૧૨ દિવસથી પાણીમા ગરકાવ છે અને અહીં વર્ષોથી પાણીનો નિકાલ ન હોવાથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે.જેને કારણે ખેતરોમાં ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો માટે કાયમી બની છે.ખેડૂતોએ કાયમી પાણીના નિકાલ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution