કોઈ સ્ત્રીને થપ્પડ મારવામાં આવે છે ત્યારે એ થપ્પડ, એ સ્ત્રીને નહીં પુરુષની કેળવણીને પડે છે

લેખકઃ નીતા સોજીત્રા


થોડા સમય પહેલાં એક ફિલ્મ આવી હતી - ‘થપ્પડ’. સ્ત્રી માટે, સ્ત્રીના પ્રશ્નો કે સમસ્યા માટે બનતી કોઈપણ ફિલ્મ કદાચ સ્ત્રીની માનસિકતાને કે વિચારસરણીને કે લાગણીને સંપૂર્ણ ન્યાય કે વાચા નથી આપી શકી. આવું જ આ ફિલ્મ માટે પણ કહી શકાય. બે-ત્રણ વાતો આ ફિલ્મની એવી છે જેના માટે દરેક સ્ત્રીનો મત એવો હોય કે આ ફિલ્મ બની એ ઘટના અતિશયોક્તિ કહેવાય.આ ફિલ્મમાં અલગ અલગ ત્રણ સંસ્કૃતિ, ત્રણ સોસાયટીની સ્ત્રીઓની વાત બતાવી છે.


પુરુષથી સ્ત્રી પર હાથ ઉપાડાતો જ નથી, કોઈપણ સંજાેગોમાં નહિ. હવે વાત એ છે કે આ ફિલ્મમાં જે થપ્પડ બતાવી છે વાસ્તવિક જીવનમાં આવી થપ્પડ કોઈ સ્ત્રીને પડે છે ખરી? જે સોસાયટીની સ્ત્રીને થપ્પડ પડી છે એ જ સોસાયટીની વાત કરું છું. હું એવું નથી કહેતી કે આમાં અતિશયોક્તિ છે, હું એ કહેવા માગું છું કે એ એક જ નહીં, દરેક સોસાયટીમાં જાણ્યે અજાણ્યે મોટાભાગની સ્ત્રીઓના અસ્તિત્વ પર, ચારિત્ર્ય પર અને સંસ્કાર કે કેળવણી પર થપ્પડ પડતી હોય છે એ થપ્પડ થપ્પડ નથી? એ થપ્પડનું શું જે ગાલ પર નહિ,દિલ પર કે અસ્તિત્વ પર કે સંસ્કાર પર પડે છે? લૉયર સાથેનું એના પતિનું વર્તન એ થપ્પડ ન હતી? ફિલ્મમાં જ્યારે અમૃતા અલગ થવાનો ર્નિણય કરે છે ત્યારે લૉયરને સમજાય છે કે એણે આ સહન ન કરાય? અને સૌથી ત્રીજી સોસાયટી- કામવાળી બાઈ. એની સાથે જે થયું એ લગભગ એ સમાજમાં દરેક સ્ત્રી સાથે થાય છે અને દરેક સ્ત્રી સહન કરે છે.


હું હજી પણ કહું છું કે એ ન થવું જાેઈએ અને સ્ત્રીએ સહન પણ ન જ કરવું જાેઈએ. પણ તો શું કરે? એ જ જે એ બાઈએ ફિલ્મમાં કર્યું. જાે કે આ વર્ગની સ્ત્રીઓ ફિલ્મ સુધી ક્યાં પહોંચે જ છે. મને કાયમ એવું લાગે છે કે ફિલ્મમાં બતાવી છે એ ત્રણમાંથી પહેલી બે સોસાયટીની સ્ત્રીઓ જ દુઃખી છે કેમ કે એ દંભમાં જીવે છે. ત્રીજી સોસાયટીની સ્ત્રી ખુલ્લા દિલે કહે છે કે એની સાથે શું શું થાય છે અને એ એનો જવાબ પણ બહુ સારી રીતે આપી દેતી હોય છે એટલે જ એ સંસ્કાર વગરની કહેવાય છે પણ અંતે એ સંબંધમાં પ્રેમ કે સાથ જળવાઈ રહે છે.


બીજી વાત જેણે મને સૌથી વધુ વિચારતી કરી દીધી એ એ છે કે અમૃતા એના પતિને થપ્પડ પછી કહે છે કે “હું તને પ્રેમ જ નથી કરતી.” તો પ્રેમ એટલે શું? એક થપ્પડ પડવાથી પ્રેમ ઉડી જાય? જાે ખરેખર પ્રેમ હોય તો એ કેવા સંજાેગોમાં પ્રેમમાં પડી એ વાતનું પણ મહત્વ છે, ન જ પડવી જાેઈએ એવા સંજાેગોમાં પણ.. છતાં જ્યારે બધુંજ સેટલ થવા જઈ રહ્યું છે અને બાળક અવતરવાનું છે ત્યારે પણ ડિવોર્સ જાેઈએ છે કેમ કે થપ્પડની ગુંજ મગજ પર ચડી ગઈ છે, દિલ પર નહીં. તો આ સંજાેગોમાં પહેલાં પ્રેમ હતો? આપણે ભારતીયો અને ગુજ્જુઓ ખાસ હેપ્પી એન્ડિંગમાં માનનારી પ્રજા છીએ. ખાધું પીધુને રાજ કર્યું એ આપણી સૌથી વધુ ગમતી લાઇન એટલે એન્ડથી લગભગ બધા નાખુશ લાગ્યા મને.


હવે મુખ્ય વાત એ કે કદાચ આજની પેઢીને આ ગમે પણ ખરું, જાે કે મને ખાતરી છે કે છેલ્લા સીનમાં દરેકે એવું વિચાર્યું હશે કે જતું કરી દેવુ જાેઈએ. આપણે ત્યાં ખાસ કરીને દીકરીને જતું કરવું અને માફ કરવું આ બે ગુણ ગળથૂથીમાં પીવરાવવામાં આવે છે. સ્ત્રી હંમેશ જતું કરે, માફ કરે(પુરુષ નથી કરતો એવું કહેવાનો આશય નથી) અને એ જ કારણથી કદાચ એના પર અત્યાચાર વધ્યા હોય.


એણે ક્યારેય એ અહેસાસ જ ન કરાવ્યો હોય કે એની સાથે જે થાય છે એ અત્યાચાર છે. સ્ત્રી હંમેશા બધાને ખુશ રાખવાની કોશિશ કરતી હોય છે પોતાના સિવાય. જાે કે આજની પેઢી એ બાબતે બહુજ ક્લિયર છે એ સારી વાત છે. ખેંચાઈ ખેંચાઈને દીકરી માટે કશું કરીએ તો એ કહી દે કે આટલું ખેંચાવાની જરૂર નહીં, કહી દેવાય કે આ નથી થાય એમ, પણ મા સાલું આવું કહેવાય એ વાતથી જ અજાણ હોય છે.(આવું હું માનું છું). આજની પેઢી ગમે તેટલી સુધરેલી હોય, વિચારશીલ અને પ્રેક્ટિકલ હોય, પગભર હોય પણ આ ફિલ્મના અંત જેવો અંત એ ન વિચારે એવું મને લાગે છે. મને એક એ વાત પણ ખૂંચી કે આવી ફિલ્મમાં પણ જ્યાં જરૂર નથી ત્યાં પણ એક નાની છોકરીના પણ અમુક અંગોને હાઇલાઇટ કર્યા છે. (આ મારું સ્ટ્રોંગ ઓબ્ઝર્વેશન છે) પુરુષ માઈન્ડ ગણી શકાય આને?


અંતે મને એકજ વાત સમજાઈ છે કે આ બધી વાતનો આધાર તમારી પ્રાયોરિટી પર છે. ગાલ પરની અમુક સંજાેગોમાં પડેલી થપ્પડની ગુંજને આગળ જતાં ગીતમાં બદલી શકો એવી ક્ષમતા દરેકમાં છે સવાલ એ છે કે તમે શેને પ્રાયોરિટી આપો છો. તમારી ભાવિ જિંદગીને?તમારા સાથે જીવાયેલા સુંદર સમયને ? તમારી સાથે જાેડાયેલા કેટલાય સંબંધોને? કે તમારા અહમને? હું નથી કહેતી કે થપ્પડ ખાઈ લેવી. અને આ થપ્પડથી વધુ ખરાબ થપ્પડ વાસ્તવિક જીવનમાં પડતી હોય છે. યોગ્ય સમયે એ થપ્પડનો યોગ્ય જવાબ પણ આપવો જાેઈએ પણ એ જવાબ એવો હોવો જાેઈએ કે જેના માટે ભવિષ્યમાં પસ્તાવું ન પડે એ પણ જાેવાનું છે કેમ કે .. ફિલ્મ જ્યાં પુરી થઈ ત્યાંથી અસલી જીવન શરૂ થતું હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution