જયારે મોરબી મસાણ બન્યું

વાત આજથી ૪૫ વર્ષ પહેલા ૧૧મી ઓગસ્ટના રોજ બનેલી ઘટનાની છે. તે દિવસે મોરબી મસાણ બની ગઈ હતી. સતત સાત દિવસથી પડી રહેલો વરસાદ બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો. સતત વરસાદના કારણે ગામમાં બધુ જ બંધ હતું. કોઇની પાસે કશું કામ નહતું, જેથી ગામના યુવાનો નળિયાં બનાવવાની ફેક્ટરીમાં બેસી ગપ્પા મારી રહ્યાં હતાં. એટલામાં જ બૂમ પડી, “ભાગો, ભાગો, પાણી આવ્યું...પાણી આવ્યું.”

 અને મોરબી મસાણ બની ગયુ હતું. એ ગોઝારી ઘટનાને યાદ કરીને આજે પણ મોરબીવાસીઓના રુંવાડા ઉભા થઇ જાય છે.

મોરબી મચ્છુ દુર્ઘટના વિશે તો અનેક વાતો લખાઇ અને કહેવાઈ છે. જેમાં કેટલીક હકિકત છે તો કેટલીક વાયકાઓ છે. પરંતુ મોરબી હોનારત પર લખાયેલાં એક પુસ્તકની વાત આજે કરવાની છે. પુસ્તકનું નામ છે ‘નો વન હૅડ ઍ ટંગ ટુ સ્પીક ઃ ધ અનટૉલ્ડ સ્ટોરી ઑફ વન ઑફ હિસ્ટ્રી’ઝ ડૅડલિઍસ્ટ ફ્લડ્‌સ’. આ પુસ્તકમાં હોનારતને નજરે જાેનાર વ્યક્તિઓએ કરેલી વાતોનો ઉલ્લેખ છે. પુસ્તકના લેખક ઉત્પલ સાંડેસરા અને ટોમ વૂટન દ્વારા ઘટના સમયના કેટલાક લોકોના ઇન્ટરવ્યુ અને તે સમયે બનેલી રાજકીય ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે.

પુસ્તકમાં ડેમ પર ફરજ બજાવતા એક શ્રમિકે જણાવ્યું હતું કે, તે સમયે અમને અંદાજ આવી ગયો હતો કે, ડેમ હવે, વધારે પાણી રોકી શકે તેમ નથી. અમને અમંગળના એંધાણ તો આવી ગયા હતાં. તો એક મિકેનિક મોહને જણાવ્યું છે કે, ડેમ પાણીની જીરવી ન શકતા દિવાલોમાં તિરાડ પડી રહી હતી.

આખરે ડેમની બે બાજુ તુટી ગયો અને ધસમસતો પાણીનો પ્રવાહ મોરબી તરફ આગળ વધ્યો જેણે મોરબીને મસાણ બનાવ્યું. આ ઘટના અંગે માત્ર ભારતના જ નહીં, નામાંકિત વિદેશી અખબારોમાં પણ અનેક અહેવાલ પ્રકાશિત થયા જેમાં મોરબીની તારાજી વર્ણવાઇ હતી. જાેકે, મચ્છુ દુર્ઘટનામાં કેટલાના મોત થયા તેનો સાચો આંકડો તો આજે પણ કોઈ જાણતું નથી. અખબારો કહે છે ૨૫૦૦૦ તો સરકાર કહે છે ૧૦૦૦.

હોનારત સમયે રિર્પોટિંગ કરનાર વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલે એક વિદેશી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મોરબી મચ્છુ નદી પરનો ડેમ તૂટયો અને મોરબી પાણીમાં ગરકાવ થઇ ગયું છે તે સમાચાર મળતાની સાથે જ હું કાર લઇને મોરબી જવા નિકળ્યો પણ પાણી ભરાયાં હોવાથી કાર રસ્તા વચ્ચે છોડી ટ્રકમાં આગળ જવું પડયું હતું. જ્યારે હું મોરબી પહોંચ્યો ત્યારે મોરબી પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.

જાેકે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, કોઈ કહે છે કે, ડેમના દરવાજા નહોતા ખોલી શકાયા એટલે પૂર આવ્યું હતું. તો કોઇ કહે છે, ડેમના દરવાજાની ક્ષમતા બે લાખ ક્યુસેક પાણી છોડવાની હતી અને ચાર લાખ ક્યુસેક પાણી છોડાયું હતું એટલે હોનારત સર્જાઈ હતી. પરંતુ હોનારત પાછળનું સાચું કારણ આજે પણ જાણી શકાયું નથી.

તે સમયે ગુજરાતમાં જનતા પક્ષની સરકાર અને બાબુભાઇ જશભાઇ પટેલ મુખ્યમંત્રી તો કેશુભાઇ પટેલ કૃષિમંત્રી હતાં. કોંગ્રેસ દ્વારા બાબુભાઇ કરતાં વધારે માછલા કેશુભાઇ પર ધોવાયાં હતાં. તે સમયે પણ આક્ષેપ-પ્રતિઆક્ષેપનું જ રાજકારણ રમાયું. જનતા પક્ષ પર વિપક્ષમાંથી કોંગ્રેસના માધવસિંહ સોલંકીએ અનેક આક્ષેપ કર્યા હતાં. જેમાં કેટલાક આરોપો તો કેશુભાઇ પર વ્યક્તિગત કરાયાં હતાં. જેનું કારણ એ છે કે, ઘટના બની ત્યારે કેશુભાઇ સનાળા સુધી ગયાં અને પાણી જાેઇ રાજકોટ પરત આવી ગયા હતાં. જાેકે, કેશુભાઇએ તેનો પણ જવાબ પાછળથી આપ્યો હતો. તે પછી મુખ્યમંત્રી બાબુભાઇએ તે સમયે નિવેદન આપ્યું કે, સ્વતંત્ર તપાસ નિમવી જાેઇએ જેમાં સરકાર દોષી ઠરે તો જવાબદારી સ્વીકારવી પડશે.

જાેકે, ૧૦ સપ્ટેબરે હોનારતની તપાસ માટે પંચની રચના કરાઇ. જેમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ બી. કે. મહેતાને અધ્યક્ષ બનાવાયાં. ૧૧ નવેમ્બરે અહેવાલ સુપરત કરવાનો આદેશ અપાયો હતો. દરમિયાન ૧૭મી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળ્યંુ અને મોરબી હોનારતના મુદ્દે આ સત્ર તોફાની બન્યું. તે સમયના મોરબીના ધારાસભય ગોકળદાસ પરમારે પણ વિધાનસભામાં આપવિતી વ્યક્ત કરી અને કેશુભાઇને નિશાન બનાવ્યા હતાં.

તપાસ પંચની કામગીરી વચ્ચે ચૂંટણી આવી અને જનતા પક્ષની સરકારને મતદારોએ જાકારો આપ્યો. કોંગ્રેસની માધવસિંહ સોલંકીની સરકારે સુકાન સંભાળ્યું. તપાસ પંચને ૬ મહિનામાં અહેવાલ સુપરત કરવાનો હતો પરંતુ એક વર્ષ પછી પણ માત્ર કામગીરી જ ચાલી રહી હતી. તે સમયે પંચના સચિવ દિપાંકર બાસુને સરકારના કાયદા વિભાગ તરફથી તાકીદ કરતો સંદેશ મળ્યો કે, પંચ શક્ય હોય એટલી જલદી પોતાનો પાર્શિયલ રિપોર્ટ રજૂ કરે. તેમ છતાં દોઢ વર્ષના અંતે પણ તપાસ પંચ અંતિમ તારણ પણ પહોંચ્યું નહતું. મુખ્યમંત્રી માધવસિંહે તપાસ પંચના ઇજનેરી સલાહકાર ડૉ. વાય. કે. મૂર્તિને બોલાવ્યા અને કહ્યું કે, જાે તપાસ ચાલુ રહેશે તો અનેકને હૃદયની તકલીફ ઊભી થશે. જેથી તપાસ આટોપી લેવાનો ર્નિણય લેવાયો. એક સમયે તપાસની માંગ કરનાર વિપક્ષના માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી બન્યા બાદ તપાસ પંચ આટોપી લીધું અને હોનારતનું રહસ્ય મચ્છુના પાણીમાં ગરકાવ થઇ ગયું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution