21, ડિસેમ્બર 2024
સુરેશ મિશ્રા |
ઉતરાયણ આડે હજુ લગભગ પોણો મહિનો છે, છતાં પતંગની દોરીથી ગળું કપાઈ જતા વડોદરા શહેરમાં એક યુવાને જીવ ગુમાવ્યો. લગભગ ત્રણ યુવાનો અત્યાર સુધી ધારદાર દોરાથી ઘાયલ થયા છે.આખા રાજ્યમાં બે કે ત્રણ મૃત્યુ યમરાજના આ પ્રકારના દોરી સંચારથી નોંધાઈ ચૂક્યા છે.
આ વર્ષે આ પ્રકારની ઘાતક અને ગંભીર દુર્ઘટનાઓ પ્રમાણમાં ઘણી વહેલી શરૂ થઈ ગઈ છે. પતંગના દોરાથી ગળું કપાઈ જવાની,ચહેરા અને શરીરના અન્ય અંગો પર જખમ કે ગંભીર ઇજા થવાની ઘટનાઓ મોટેભાગે ઉતરાયણના દશેક દિવસ પહેલાથી શરૂ થઈ જાય તે તહેવાર પૂરો થયાના દશેક દિવસ સુધી ચાલુ રહે. તે દરમિયાન બજારમાં ખાસ કરીને બે પૈંડાવાળા વાહનના આગળના ભાગે દોરા સામે રક્ષણ આપતા ગાર્ડ લગાવવાનો ધંધો હવે તો પતંગો જેટલો જ ચાલે છે.
ચાઇનીઝ દોરાના ચલણ પછી દોરાથી થતી ઇજાઓની ઘાતકતા અને ગંભીરતા ઘણી વધી ગઈ છે. અગાઉ પણ દેશી દોરાથી ઈજાઓ થતી જ હતી.પરંતુ એનું સ્વરૂપ ઉઝરડા પડવા જેવું વધુ રહેતું. ઉત્તરાયણમાં જીવલેણ અકસ્માતો મોટેભાગે પડવા આખડવાથી વધારે થતાં. ચિનાઈ દોરાનું ચલણ વધ્યું તે પછી મોટેભાગે ગળું કપાઈ જવાથી મરણની ઘટનાઓ વધી છે.
ચિનાઈ દોરા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.પરંતુ આપણે ત્યાં આ તહેવાર સાથે પતંગ કાપવાનું ઝનૂન અને ઘેલછા એટલા વધી ગયા છે કે લોકો જાણતા હોવા છતાં આવા દોરા ઉપયોગમાં લે છે. દેશી દોરા કોઈના શરીરે વીંટળાય તો મોટેભાગે તૂટી જાય. પરંતુ આ દોરા સહેલાઇથી તૂટતાં નથી.એટલે શરીરના અંગો કાપવાની સાથે વાહન ચાલક જમીન પર પટકાય છે.પરિણામે જાેખમ બેવડાઈ જાય છે.
પોલીસ આ દૂષણને,ચાઇનીઝ દોરાના વેચાણને ડામવાના પ્રયત્નો કરે છે પરંતુ ચોરીછુપીથી એનો ધંધો ચાલતો રહે છે.એટલે આ દોરાના બહિષ્કારની સામાજિક જાગૃતિ વગર તેનો ઉપયોગ અટકાવી ના શકાય. જાે આવા દોરા કોઈ વેચતું હોય તો આસપાસના લોકો પોલીસને ફરિયાદ કરે એવી જાગૃતિ સમાજમાં વ્યાપક બનવી જાેઈએ.મારો એકપણ પતંગ કપાવો જ ના જાેઈએ એવું ઝનૂન આખરે બીજા માટે જીવલેણ બને છે.પોલીસ તંત્ર કરતા સમાજની જાગૃતિ જ દુષણ સમાન દોરા અને તેનાથી થતી ઈજાઓ,મૃત્યુ અટકાવી શકે. જાગૃતિ એટલી હોવી જાેઈએ કે આસપાસમાં કોઈ આવા જીવલેણ દોરા વેચી જ ના શકે.
પતંગ અને દોરા વિક્રેતાઓના મંડળો છે.આ મંડળોએ સદસ્ય વેપારીઓ આવા ઘાતક દોરાનો વેપલો ના કરે તે માટે પ્રતિબંધક નિયમો અમલમાં મૂકવા જાેઈએ અને પોતાના સદસ્યોને ચેતવવા અને વારવા જાેઈએ.
હવે આ સમસ્યા કાનૂન વિષયકથી વધીને સામાજિક બેદરકારીની ભાવનાને લીધે ઉદભવતી સમસ્યા બની ગઈ છે ત્યારે સામાજિક ચેતના જ તેને અટકાવી શકે.
આ વર્ષે અત્યાર સુધી શહેરમાં એક મોત અને ગંભીર ઈજાના બેથી ત્રણ કેસો બની ગયા છે.ત્યારે સહુથી વધુ સાવધાની દ્વીચક્રી વાહન ચાલકો પછી એમાં સાયકલ ચલાવનારા પણ આવી જાય, એમણે રાખવાની છે.ખાસ તો હવે પછી એકાદ મહિના સુધી શહેરી વિસ્તારમાં દ્વીચક્રી વાહન ચાલકો ખૂબ જ સંયત એટલે કે પ્રમાણમાં ધીમી ગતિએ વાહન ચલાવે એ હિતાવહ ગણાય.
તેની સાથે પગપાળા ઘરની આસપાસના વિસ્તારોમાં ફરનારા,મોર્નિંગ કે ઇવનિંગ વોક લેનારા,ખાસ કરીને ગળાની આસપાસ ખેસ કે મફલર,આખો ચહેરો ઢંકાય એવી કાન ટોપી પહેરવાનું રાખે,બહાર રમતા નાના બાળકોની સાથે વડીલો રહે તો આ વેદના આપતી ઘટનાઓ ઘટાડી શકાય.
ઉત્સવનો આનંદ નિર્દોષ રહેવો જાેઈએ. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પતંગ મોજ માટે ઉડાડવામાં આવે છે. આપણે પેચ કાપવાના ઝનૂનથી પતંગ ઉડાડીએ છે.એટલે આપણી પતંગબાજી જીવલેણ બને છે.
ઉતરાયણ પર્વ ગુજરાત સરકાર પતંગ ઉત્સવ ઉજવે છે. એમાં દેશ વિદેશના પતંગબાજાે ભાત ભાતની કિંમતી અને મજબૂત,જાેઈ કે ભાળી ના હોય એવી એસેસરીઝ અને વિરાટ પતંગો લઈને આવે છે. દોરી નહીં દોરડા અને કેબલથી આ પતંગો ઉડે છે, છતાં કોઈ અકસ્માત નથી થતો.મોટેભાગે વિદેશોમાં દરિયા કાંઠે કે મોટા સરોવરના કાંઠે,વિશાળ ખુલ્લા મેદાનમાં અને નિજાનંદ માટે પતંગ ઉડાડવામાં આવે છે. આ પતંગ શોખીનો પોતાના પતંગ જાતે જ બનાવે છે. આપણે પતંગ ખરીદીએ છે, દોરા ખરીદીએ છે અને નાણાં ખર્ચીને કોઈના માટે આપદા સર્જીએ છે.એટલે અભિગમ બદલીને આ તહેવારને વધુ સલામત અને સ્વસ્થ બનાવવાની જરૂર છે.વગુજરાતના ખંભાતમાં દરિયા કાંઠે પતંગ ઉડાડવાનો રીવાજ છે.
અને ઉતરાયણ ધાર્મિક વિધિવિધાન પ્રમાણે સનાતનનો ઉત્સવ છે.ભીષ્મ પિતામહના દેહ ત્યાગ જેવી ઘણી કથાઓ તેની સાથે જાેડાયેલી છે.
જાે કે આ પર્વે પતંગ ઉડાડવાનો કોઈ ધાર્મિક અનુરોધ હોવાનું જાણમાં નથી.એનો મતલબ એ થયો કે આ પરંપરા આનંદ માટે પાછળથી જાેડવામાં આવી છે. અને ઉતરાયણમાં પતંગ મોટે ભાગે ગુજરાત સિવાય ક્યાંય ઉડાડવાની પ્રથા નથી. હા,ગુજરાતી જ્યાં જાય ત્યાં આ પ્રથા શરૂ થાય એવી સંભાવના ખરી.અને એક અન્ય ખાસિયત એ પણ ખરી કે મોટેભાગે તો ધર્મ કોમના ભેદ વગર લગભગ બધા જ પતંગ ઉડાડવા નો શોખ ધરાવે છે.ત્યારે દોરીથી થતાં અકસ્માતો નિવારવા પેચ કાપવાના ઝનુન પર સંયમ રાખી બધા ઓછા કાતિલ દોરા વાપરે એ યોગ્ય ગણાય.
આપણી પતંગ કે દોરી કોઈના મોતનું,ગંભીર ઇજાનું કારણ બને તો એનો પહેલો વસવસો તો પતંગ ઉડાડનાર તરીકે પોતાને જ થવો જાેઈએ.
એટલે જવાબદાર પતંગબાજ બનીએ અને આ તહેવારમાં મોટર બાઈક કે સાયકલ ચાલક કે રાહદારી તરીકે આપણે જ આપણી સલામતીનું ધ્યાન રાખીએ,ચિનાઈ દોરીનો અને વેપારીઓનો બહિષ્કાર કરીએ,બલ્કે આ પ્રકારના જીવલેણ વ્યાપારની પોલીસને જાણ કરીએ તો જ આ તહેવાર સલામત બનશે...