નડિયાદ : નડિયાદ નગરપાલિકામાં સૌથી મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે તેવાં ‘સ્પેશિયલ ૨૬’ના કૌભાંડ સંદર્ભે અધિકારીઓ અને નેતાઓની ચૂપકીદી ઘણાં બધા સંકેતો આપી રહી છે. નડિયાદ નગરપાલિકામાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષના સહયારા પ્રયત્નોથી થયેલું ‘સ્પેશિયલ ૨૬’નું કૌભાંડ દબાવવા માટે મરણિયા પ્રયાસો થઈ રહ્યાં હોવાની ચર્ચા છે. ખુદ પાલિકાના જ અધિકારીઓ અને વગ ધરાવતાં કાઉન્સિલરો સહિત સ્થાનિક નેતાઓએ આ મુદ્દો સામે આવતા તેમાં કાર્યવાહી ન થાય તે માટે પોતાના રાજકીય આકાઓના શરણે પહોંચ્યા હોવાનું કહેવાય રહ્યું છે.
સૂત્રોનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં ‘સ્પેશિયલ ૨૬’ના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અરજદાર બાબુભાઈ પટેલ અને ખેડા જિલ્લા નિવાસી અધિક કલેક્ટરના પત્રને ધ્યાને લઈ નામદાર હાઈકોર્ટથી ઉપરવટ જઈ કરાયેલી નિમણૂકો રદ્દ કરવા અને તત્કાલિન મહેકમ ઈન્ચાર્જ રોહિતભાઈ આર. પાલૈયા સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જાેગવાઈઓ મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. ૨૦૧૮માં મ્યુનિસિપલ કમિશનરે કરેલાં આ આદેશને નગરપાલિકાના અધિકારીઓ જાણે ઘોળીને પી ગયાં હોય તેમ લાગી રહ્યું છે. આ આદેશને ૨-૨ વર્ષ થઈ જવા છતાં આજ સુધી તેનું પાલન કરવામાં આવ્યું નથી, જેથી નડિયાદ નગરપાલિકામાં જાણે વહીવટી તંત્ર ઉપર રાજકીય નેતાઓ હાવિ થઈ ગયાં હોય તેમ લાગી રહ્યંુ છે. આવાં સંજાેગોમાં હવે નડિયાદ નગરપાલિકા આ મુદ્દાને દબાવવા માટે નાના કર્મચારીઓને ભીંસમાં લઈ રહી હોવાના આક્ષેપ પણ થયાં છે. ત્યારે તે કડીને પૂરી કરવા માટે છેલ્લાં કેટલાંક દિવસોમાં નડિયાદ પાલિકા દ્વારા ટેક્સ વિભાગના ૩ કર્મચારીઓ પર નડિયાદ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાવાઈ છે. બીજીતરફ આ બાબતે સવાલ એવાં પણ ઊભાં થયાં છે કે, બે મહિના પહેલાં જાતે જ ટેક્સ કૌભાંડનો ખુલાસો કર્યા બાદ આટલી ઝડપે આ કૌભાંડમાં ફરિયાદ દાખલ કરી દેવાઈ છે, તો તે જ રીતે નડિયાદ નગરપાલિકામાં ખોટી રીતે કર્મચારી બનાવી તેમને અત્યાર સુધી ખોટી રીતે ચૂકવેલાં કરોડો રૂપિયાની બાબતે પણ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ સતર્કતા દાખવી જવાબદારો સામે ફરિયાદ દાખલ કેમ નથી કરાવતાં? મ્યુનિસિપલ કમિશનરના આદેશનું પાલન હજું કેમ નથી થયું? આ સવાલો ટોક ઓફ ધી ટાઉન બન્યાં છે.
પાલિકા દ્વારા બનાવાયેલાં આરોપીઓના મુખે ‘રામ’ વસે તો અનેક ‘રાવણો’ના નામ ખુલવાની શક્યતાઓ
એકતરફ જ્યાં રાતોરાત ટેક્સ કૌભાંડનું ભૂત ધૂણાવાયંુ હતું, ત્યાં શરૂઆતથી જ નગરપાલિકા દ્વારા નાના કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ થયાં હતાં. તેમજ હાલમાં જ ત્રણ કર્મચારીઓ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે. હવે પોલીસ પોતાની તપાસમાં ત્રણેય કર્મચારીઓની પૂછપરછ કરે અને તેમાં કર્મચારીઓ વટાણાં વેરી દે તો અનેક જવાબદારોના નામ પણ ખૂલે તેવી શક્યતાઓ છે.