‘આપણા દેશની મોટાભાગની સમસ્યાઓના મૂળમાં બે કારણો છે; એક તો વસતીવધારો અને બીજું ભ્રષ્ટાચાર. આવું આપણે કાયમ સાંભળતાં હોઈએ છીએ. તકલીફ એ છે કે આપણે કાયમ સાંભળતાં જ હોઈએ છીએ કે ફક્ત લોકોના સૂરમાં સૂર પૂરાવતા હોઈએ છીએ. એવા ઘણા બહાદુરો છે જે તકલીફો વેઠીને પણ ભ્રષ્ટાચાર સામે લડવા નીકળી પડતા હોય છે.
ઘણીવાર કોઈ એક નેતા સામે આવે છે અને ભ્રષ્ટાચાર સામેની તેની લડતમાં હજારો લોકો તેની સાથે જાેડાઈ જાય છે. આવા સમયે એ નેતા જ એ લડતનો ચહેરો હોય છે, પેલા હજારો લોકો નહીં. પરંતુ વિચારો એ હજારો લોકોમાંથી બે-પાંચ લોકોએ પોતાના વ્યક્તિગત જીવનમાં ભ્રષ્ટાચાર સામે લડવાનું આવે તો?
ગયા અઠવાડિયે રિલીઝ થયેલી કમલ હસનની ફિલ્મ હિન્દુસ્તાની-૨ આમ ભલે બોક્સ ઓફિસ પર ખાસ કશું ઉકાળી શકી ન હોય પરંતુ આ ફિલ્મમાં એક સંદેશ રહેલો છે જેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. ફિલ્મના કથાનક પ્રમાણે ૧૦૬ વર્ષના સેનાપતિ જે ભ્રષ્ટાચારીઓ સામે લડે છે તેઓ પોતાને ભારત પરત લઇ આવનારા યુવાનોને કહે છે કે તેઓ પણ પોતાના ઘરમાં અને ઘરની આસપાસ થતાં ભ્રષ્ટાચારને ઉઘાડો કરે કારણ કે આ બદીને નષ્ટ કરવાનું કામ તેમનું એકલાનું નથી.
પેલા યુવાનો પણ સેનાપતિની વાત માનીને પોતાના જ ઘરના સભ્યોના કે પછી સગાંઓના ભ્રષ્ટાચારને દુનિયા સામે લાવવાનું શરુ કરી દે છે. પરંતુ તકલીફ અહીં જ પડે છે. ભ્રષ્ટાચાર એક એવો અજગર છે જે જાે કોઈને ખાઈ ન જાય તો તેના ભરડામાં આવેલા વ્યક્તિનો શ્વાસ રોકી દઈને તેને પણ મરણ શરણ કરતો હોય છે.
એ ન્યાયે પેલા યુવાનોમાંથી અમુકે પોતાના કાર્યને લીધે ખુદના જ કુટુંબીઓનો ભોગ પેલા ભ્રષ્ટાચારના અજગર સમક્ષ ધરાવવો પડે છે. બસ! આટલું થાય છે અને એમની આ બદી સામેની લડત ઢીલી પડી જાય છે. ઉપરાંત આપણો સમાજ પણ ભ્રષ્ટાચાર વિશે મોટી મોટી વાતો ભલે કરતો હોય પરંતુ જ્યારે પોતાના જ કોઈ વ્યક્તિની વાત આવે છે ત્યારે તેની સામે લડનારને સામાજિક બહિષ્કાર દ્વારા એટલો નબળો બનાવી દેતો હોય છે કે તે પોતાની હિંમત ગુમાવી બેસે છે.
ભ્રષ્ટાચાર સામે મોટી લડત ઉપાડનારા પેલા યુવાનો સામાજિક બોયકોટની અગ્નિ સહન નથી કરી શકતાં અને પોતાની જાતને પોતાના માતા-પિતાના ગુનેગાર માનવા લાગે છે અને સેનાપતિને એકલા છોડીને જતા રહે છે. આ સંદેશ આ ફિલ્મમાં એકદમ સ્પષ્ટરૂપે દેખાડવામાં આવ્યો છે.
ફલાણાએ આરટીઆઈ કરી, પેલાએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરીને એક સરકારી અધિકારીને પકડાવી દીધો, પેલાએ સ્ટિંગ ઓપરેશન કરીને નેતાને ખુલ્લો પાડ્યો, આવું બધું આપણને જાેવું ગમે છે અને શેર કરવું પણ ગમે છે. પરંતુ શું આપણે આ પ્રકારે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનારાને પડનારી તકલીફો જેમાં તેમના જીવ પર રહેલું જાેખમ પણ સામેલ છે તેમાં તેમની મદદ કરવા માટે તૈયાર છીએ ખરાં?
તો જવાબ છે ના. કારણ કે જીવ બધાને વ્હાલો હોય છે. દેશમાંથી કરપ્શન જતું રહે અને બધાને બધી સુવિધા ઓછા પૈસે અને સરળતાથી મળી રહે એ દિવાસ્વપ્ન આપણે બધાએ જાેવું છે પણ એ સ્વપ્ન સાકાર કરવા માટેની હિંમત આપણામાં નથી.
તો બીજી તરફ ભ્રષ્ટાચાર આચરનાર વ્યક્તિઓને એવું લાગે છે કે આ બધું તેઓ પોતાના સંતાનોનું ભવિષ્ય સુધરે, તેમને સારામાં સારું શિક્ષણ મળે, તેમની દરેક માંગણી પૂરી થાય એટલા માટે કરે છે જે બિલકુલ ગુનો નથી. આથી જ્યારે સંતાનને તેમની સચ્ચાઈની ખબર પડે છે અને એ પૂછે છે કે આવું તમને કરવાનું મેં કહ્યું હતું? ત્યારે તેમને પશ્ચાતાપ નહીં ,પરંતુ ગુસ્સો આવે છે કે તેમનું સંતાન તેમની લાગણી સમજી ન શક્યું?
ભ્રષ્ટાચાર દૂર થવો જ જાેઈએ આ બાબતે લેશમાત્ર શંકા ન હોવી જાેઈએ. ભ્રષ્ટાચાર દૂર થાય તે માટે લડવું પણ જાેઈએ અને જે લડતું હોય તેને સાથ પણ આપવો જાેઈએ. પરંતુ આ લડત લડતાં પહેલાં અને લડનારાને સાથ આપવાનો ર્નિણય લીધા પહેલાં એક વાર વિચારી લેજાે કે ક્યાંક આપણે ભવિષ્યમાં કોઈ એક ઘટનાને લીધે નબળા તો નહીં પડી જઈએ ને? શું આપણામાં આપણી લડાઈને લીધે સામાજિક બહિષ્કાર સહન કરવાની શક્તિ છે ખરી?
જાે આપણે ભ્રષ્ટાચાર કે અન્ય સામાજિક બદીઓ સામે લડવા માટે શારીરિક, માનસિક, આર્થિક અને ભાવનાત્મક રીતે મજબૂત છીએ એ પાકે પાયે નક્કી થાય એ પછી જ એ લડતમાં ઉતરવું યોગ્ય રહેશે. કોઇપણ કારણોસર અધવચ્ચેથી એ લડત છોડી દઈશું તો તે લડત માટે કે તેને લડનારાઓ માટે એ સહુથી મોટો અન્યાય હશે.