ગામડું શહેર બને ત્યારે...

ગામડું આળસ મરડીને શહેર બની રહ્યું છે.. હજુ પૂરેપૂરું નથી બન્યું તો પણ ઘણું બધું બની તો ગયું જ છે..કારણ કે ગારમાટીના કે સિમેન્ટ રેતીના બનેલા એ બેઠા ઘાટના ઘર હવે નથી..

ગામડું શહેર થાય ત્યારે આકાશ તરફ વિસ્તરે..નાના નાના મકાનો,શેરીઓ,ફળીયા ગાયબ થઈ જાય,આકાશને ચુમતી ઇમારતો ઉગી નીકળે, આવી એક જ ઈમારતમાં જાણે કે અર્ધાથી વધારે જૂનું ગામ સમાઈ જાય, જાે મૂળ ગામડું નાનું હોય તો આખું ગામ મકાનમાં ઓગળી જાય..

 હા,ગામમાં બધા એકબીજાને ઓળખતા હોય,પાદરે કોઈને પૂછો કે રણછોડભાઈ ક્યાં રહે છે તો ઉત્તર ના મળે, સામો સવાલ ઝીંકાય કે કયા રણછોડભાઇ? રણછોડ મગન કે રણછોડ રમણ,રણછોડ હોટલવાળા કે રણછોડભાઈ અનાજવાળા?  એક છેડે રહેતો આદમી બીજા છેડાના અને વચલા ફળિયાઓના લગભગ તમામે તમામને, માત્ર બાપ નહીં, દાદાનું નામ,મૂળ ગામ,ધંધો ..બધી જ રીતે ઓળખતો હોય. પણ આ બહુમાળી ગામડામાં સામે બારણે કોણ રહે એની ખબર ન હોય. હા, નિવાસીઓના નામનું પાટિયું લટકતું હોય એ જાેઈ લેવાનું..

જાે જાે કોઈના બંધ બારણે ટકોરા મારવાની ભૂલ ન કરતા કારણ કે આ મૂળ ગામડું નથી જ્યાં લ્યો,પહેલા પાણી પીઓ પછી બચૂડો તમને એમના ઘેર મૂકી જશે એવું કહેવાતું. આ ગામમાં તમને ગમે તેવો જવાબ મળી શકે..નથી ખબર..નીચે ઓફિસમાં જઈને પૂછો..અમે પૂછપરછ કેન્દ્ર નથી ખોલ્યું.. વિગેરે વિગેરે અને બારણું ધડામ દઈને બંધ થઈ જાય.સાવ આવું નથી..હજુ મૂળ ગામ થોડું થોડું જીવે છે...પેલા કપાયેલા વૃક્ષના સાબૂત થડ પર ઉગી નીકળતી લીલી ડાળખી જેવું..એટલે કોઈ ભલો માણસ આવકારે તો આભાર માની લેજાે..એનામાં મૂળ ગામના એકાદ ટુકડાના દર્શન કરી લેજાે...

 હા,ગામડું આળસ મરડીને શહેર બની રહ્યું છે એ સાચું..તો પણ હજુ મૂળ ગામના ઘટાદાર વૃક્ષો પૈકી એકાદ બે કે થોડા વધારે, ટટ્ટાર ઊભા છે ખરા અને નવા, જેમની જાતિ પ્રજાતિની ખબર નથી એ ઉછરી રહ્યા છે ખરા. હજુ કેટલીક જગ્યાએ ખેતર-ખળા કે ગમાણ જેવું થોડુંક બચ્યું છે...જાે કે તેમની નજીક શહેર બનવા તરફની ગતિનો અણસાર આપતા બોર્ડ અવશ્ય લાગી ગયા છે...ધરતી પર અહીં અમે વસાવીશું સ્વર્ગ ...નવસર્જન બિલ્ડરનું નવું સાહસ...ધરતી પર ' સ્વર્ગ લોક’, આજે જ બુકિંગ કરાવો અને મેળવો પાંચ ગ્રામના ચાંદી ના સિક્કાની ચકચક્તી ભેટ... અને જૂના ગામના બે ચાર ઘરડા થતાં જતાં મોરલા હજુ બચ્યા છે ખરા..

નવા વૃક્ષો સાથે અનુકૂળતા કેળવી રહ્યા છે અને ટહુકા કરે છે ટેંહુંક ટેંહુંક...

હા, ગામડું બદલાઈ રહ્યું છે....

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution