લેખકઃ સિદ્ધાર્થ મણિયાર
વોટ્સએપની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટીમ દ્વારા યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લાવવા સંશોધન થઇ રહ્યા છે. વોટ્સએપના યુઝરના આંકડા જાેઈએ તો ભારતમાં તેના ૪૦૦૦ લાખ યુઝર છે. જયારે આ સંખ્યા વિશ્વમાં ૨.૭૮ બિલિયન છે. જે ૨૦૨૫ સુધીમાં ૩.૧૫ બિલિયન પહોંચે તેવી ધારણા કંપની દ્વારા રાખવામાં આવી છે. ત્યારે વોટ્સએપ દ્વારા તેના યુઝર્સ માટે બે નવા ફીચર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવનાર છે. જેમાં હાલ કંપનીની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટીમ એક એવા ફીચર પર કામ કરી રહી છે જેની મદદથી યુઝર સરળતાથી કોન્ટેક્ટ્સ સાથે વીડિયો નોટ્સ શેર કરી શકશે. જેમાં યુઝર આઉટગોઇંગ વીડિયો મેસેજ ફોરવર્ડ પણ કરી શકશે. તો બીજા એક ફીચરની વાત કરીએ તો વોટ્સએપ દ્વારા હવે, યુઝરને ઇન-એપ ડાયલર સેવા આપવામાં આવનાર છે. જેનો ઉપયોગ કરી યુઝર અન્ય યુઝરનો નંબર ફોનબુકમાં સેવ કર્યા વિના જ કૉલ કરી શકશે.
નવું વીડિયો નોટ્સ ફીચર શું છે ?
વોટ્સએપના કેટલાક બીટા યુઝર્સને એક નવી સુવિધા અપાઈ રહી છે. જેના માધ્યમથી યુઝર માટે વિડિયો મેસેજને ફોરવર્ડ કરવાનું સરળ બનશે. અગાઉ, આ ફંક્શન અપડેટમાં ન હતું, જે અલગ-અલગ ચેટમાં વિડિયો મેસેજ શેર કરવાને વધુ જટિલ બનાવતું હતું. પરંતુ નવા ફીચરથી તે વધુ સહેલું થશે. વિડિયો મેસેજ ફોરવર્ડ કરવાની ક્ષમતા વિના, યુઝર્સ મેન્યુઅલી રેકોર્ડિંગ અથવા સ્ક્રીન રેકોર્ડિંગ જેવા ફીચર કે એપ્લિકેશનનો આશરો લેવો પડતો હતો. જાેકે, આ નવું ફીચર વિડીયો મેસેજને ફોરવર્ડ કરવાની પ્રક્રિયા યુઝર માટે સરળ બનાવશે. એટલું જ નહીં આ ફીચર યુઝરની પ્રાઇવસી જાળવવામાં પણ ઉપયોગી બનશે.
વીડિયો નોટ્સ ફીચર બીટા ટેસ્ટર્સને પહેલા મળશે
વીડિયો નોટ્સ ફીચર એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે સૌથી પહેલા રજૂ કરાશે. યુઝર વિડિયો નોટ્સ રેકોર્ડ કરવામાં સક્ષમ હતા અને નોટ્સ ઉપરાંત 'ફોરવર્ડ' આઇકોન પણ તેમની માટે સક્રિય હતો. આ સુવિધા થકી યુઝર્સને ઘણો ફાયદો થશે. આ ફિચરનું સૌથી મહત્વનું પાસું એછેકે, યુઝર એક જ મેસેજને ફરીથી રેકોર્ડ કર્યા વિના તરત જ અનેક ચેટમાં ફોરવર્ડ કરી શકશે. જે યુઝર માટે સમયનો બચાવ કરશે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર માટે વધુ ઉપયોગી બનશે જેઓ પોતાના મિત્રો, કુટુંબીજનો અથવા સહકર્મીઓ સાથે વારંવાર વિડિયો મેસેજ શેર કરે છે.
યુઝર્સને મળશે ઇન-એપ ડાયલર
હાલમાં વોટ્સએપ થકી કોઈ પણ વ્યક્તિને મેસેજ કરવો હોય કે પછી ઓડિયો કે વિડીયો કોલ કરવો હોય તો ફોનબુકમાં પહેલા તે વ્યક્તિનો નંબર સેવ કરવો જરુરી છે. જે બાદ જ યુઝર વોટ્સએપની મેસેજિંગ તેમજ કોલિંગ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. પરંતુ હવે, વ્યક્તિનો નંબર ફોનબુકમાં સેવ કર્યા વિના જ તેને કોલ કરવાની સુવિધા આપવા માટે વોટ્સએપની આરએન્ડડી ટીમ મહેનત કરી રહી છે. વોટ્સએપ દ્વારા આગામી ટૂંક સમયમાં ઇન એપ ડાયલરનું ફીચર લાવવાની તૈયારી કરાઈ રહી છે. જેના થકી યુઝર મોબાઈલ ફોનના સામાન્ય ડાયલરની જેમ જ ફોનબુકમાં નંબર સેવ કર્યા વિના જ અન્ય યુઝરને કોલ તેમજ મેસેજ કરી શકશે. જાેકે, આ ફીચરની સંપૂર્ણ માહિતી હજી કંપની દ્વારા જાહેર કરાઈ નથી. પરંતુ સંભવતઃ આ ફીચર યુઝર્સને એડ્રેસ બુક એક્સેસ કરવા, ફોન નંબર સેવ કરવા અને કોલ કરવાની મંજૂરી આપશે.
ઈન એપ ડાયલરથી યુઝરને શું ફાયદો મળશે
વ્હોટ્સએપનું ઈન એપ ડાયલર ફીચર એવા યુઝર્સ માટે ફાયદાકારક રહેશે જેઓ બિઝનેસ મીટિંગ, ઈન્કવાયરી અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ટેમ્પરરી કોલ કરે છે. ઉપરાંત ઇન-એપ ડાયલરનો ઉપયોગ કરીને યુઝર્સ નવા સંપર્કને ફોનબુકમાં સેવ કર્યા વિના વોટ્સએપની કોલ સુવિધાનો ઉપયોગ કરી શકશે. જેથી યુઝર્સને ચેટ વિન્ડોમાં ગયા વિના પણ કોલ કરવાની પરવાનગી મળશે. ઇન-એપ ડાયલર યુઝર્સને ઘણા એડવાન્સ ફીચર્સનો ઉપયોગ કરવાની તક આપશે. જેના કારણે યુઝર્સ ડિફોલ્ટ ડાયલર એપ પર સ્વિચ કર્યા વગર વોટ્સએપ પરથી ઇન્ટરનેટ કોલ કરી શકશે.
યુઝરને દસ્તાવેજાે શેર કરવા ઇન્ટરનેટની જરૂર નહીં પડે
ઈન એપ ડાયલરની સુવિધાઓ શું હશે તે બાબતે હાલ વોટ્સએપ દ્વારા પૂરતી માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ જાહેર થયેલી કેટલીક માહિતી અનુસાર ઈન એપ ડાયલરના ઉપયોગ થકી યુઝરને દસ્તાવેજાે શેર કરવા માટે ઇન્ટરનેટની જરૂર નહીં પડે. વોટ્સએપનું આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. ઈન એપ ડાયલરનો ઉપયોગ કરી યુઝર પોતાની નજીકના ડિવાઇઝમાં ઈન્ટરનેટના ઉપયોગ વિના જ ડોક્યુમેન્ટ કે ફાઇલ્સ સેન્ડ કરી શકશે. ફીચર દ્વારા, યુઝર્સ એપના સેટિંગમાંથી સ્ટ્રીમલાઈનિંગ પેજ પર હોય તેવા યુઝર્સ સાથે જ ફાઈલ અથવા ડોક્યુમેન્ટ શેર કરી શકશે, તેમજ યુઝરને વેરિફિકેશન અને કનેક્ટ કરી શકશે.