ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના નિધન બાદ શું થશે?

લેખક : જયેશ શાહ | 


ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. કટ્ટરપંથી મૌલવી તરીકે ઓળખાતા રઈસીના આકસ્મિક નિધનથી ઈરાનના રાજકારણ પર નોંધપાત્ર અસર થાય એવું દેખાતું નથી. તેની પાછળનું કારણ એ છે કે અમેરિકાની કઠપૂતળી એવા મોહમ્મદ શાહને હટાવીને સત્તા પર આવેલા સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખોમેની પાસે જ ઈરાનમાં સત્તા રહે છે. ઈરાનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ અયાતુલ્લાહ અલી ખોમેની ગણાય છે જેઓ ૧૯૮૯થી દેશના સર્વોચ્ચ નેતા છે. તેઓ જ રાજ્યના વડા અને કમાન્ડર-ઇન-ચીફ છે. તેમની પાસે ‘નેશનલ પોલીસ’ અને ‘મોરાલિટી પોલીસ’ પણ છે. અયાતુલ્લાહ ખોમેની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે જે દેશની આંતરિક સુરક્ષા સંભાળે છે. તેની જ સ્વયંસેવક પાંખ બસિજ રેઝિસ્ટન્સ ફોર્સ - ઈરાનમાં કોઈપણ પ્રકારના અસંમતિના અવાજને ડામવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

રઈસીના મૃત્યુ પછી દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખોમેનીએ જ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરની કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી છે. મોખ્બર નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણીનું આયોજન કરશે. આ ચૂંટણી ઈરાનના બંધારણ અનુસાર પચાસ દિવસની અંદર યોજાય તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ નેતા પછી બીજા ક્રમે આવે છે. સરકારના રોજિંદા સંચાલન માટે રાષ્ટ્રપતિ જવાબદાર છે અને સ્થાનિક નીતિનિર્ધારણ તથા વિદેશી બાબતો પર પણ રાષ્ટ્રપતિનો નોંધપાત્ર પ્રભાવ રહેતો હોય છે. પરંતુ સત્તા પ્રમાણમાં મર્યાદિત છે. ખાસ કરીને સુરક્ષા બાબતોમાં તેમની પાસે સંપૂર્ણ સત્તા નથી. રાષ્ટ્રપતિનું આંતરિક મંત્રાલય રાષ્ટ્રીય પોલીસ દળનું સંચાલન કરે છે. છતાં તેના કમાન્ડરની નિમણૂક સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખોમેની દ્વારા કરવામાં આવે છે તથા તે તેઓને જ જવાબદાર હોય છે.

ઈરાનમાં સત્તાના કેન્દ્ર વિશે આટલી પ્રાથમિક માહિતી પછી ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીના નિધન બાદ હવે શું થશે એ વિશે જાેઈએ. રઈસીના આકસ્મિક નિધન પછી ઈરાનના રાજકારણમાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે. અત્યાર સુધી તેમને સર્વોચ્ચ નેતા ખોમેનીના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. તેમની વિદાય બાદ ખોમેનીના પુત્ર મોજતબા અને લશ્કરી નેતાઓની ભૂમિકામાં વધારો થવાની ધારણા છે.

રઇસીના મોતથી માંડી મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશો તેમજ ભારત સહિતના અન્ય દેશોને માઠી અસર થશે. સોમવારે રઇસીના નિધનની જાહેરાત થતાં જ તેલ અને ગેસના ભાવમાં વધારો થયો હતો. ઈરાનના સ્ટોક એક્સચેન્જમાં અસાધારણ ઘટાડાને કારણે તેને બંધ કરવું પડ્યું હતું.

હેલિકોપ્ટર તૂટી પડ્યું એ ઘટના જાે ષડયંત્ર છે એવું સાબિત થશે તો સમગ્ર વિશ્વમાં એના ઉગ્ર પ્રત્યાઘાતો પડી શકે છે. જાે મોસાદ કે અમેરિકાની સંડોવણી હોવાનું બહાર આવશે તો કટ્ટરપંથી ઈરાન અમેરિકા અને ઈઝરાયેલને ક્યારેય માફ કરશે નહીં. તદુપરાંત તેના કારણે મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશોની સુરક્ષાને પણ અસર થઈ શકે છે. ઈરાન પર ઘણા વર્ષોથી આર્થિક પ્રતિબંધ હોવાથી ઈરાન હેલિકોપ્ટરથી વિમાનો અને લશ્કરી સંશાધનોના ભાગ ન મળી શકવાના કારણે અને યોગ્ય મેન્ટેનન્સના અભાવના કારણે ઈરાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટના પર આકરી પ્રતિક્રિયા આપીને અમેરિકાને જવાબદાર ગણાવી જ દીધું છે એ આવનારા વિકટ સમય તરફ અંગુલિનિર્દેશ છે એમ કહી શકાય.

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખોમેની અમેરિકા અને ઈઝરાયલ સહિત વિદેશી બાબતો પર ખૂબ જ કડક વલણ અપનાવતા આવ્યા છે. અને તેને કારણે જ તેમના નેતૃત્વમાં મધ્ય-પૂર્વમાં ઈરાનનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. અમેરિકાના પ્રતિબંધો છતાં તે આ ક્ષેત્રમાં એક મજબૂત દેશ તરીકે ઉભરી આવ્યો છે. ખોમેનીને અંગત રીતે અમેરિકા અને ઈઝરાયલ પસંદ નથી અને આ બંને દેશો સાથે ઈરાનની વધતી દુશ્મનીનું એક મોટું કારણ છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નહીં હોય.

સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખોમેનીના છુપા આશીર્વાદથી રઈસીના નેતૃત્વમાં ઈરાને છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે યુરેનિયમ એકત્ર કર્યું હતું અને આંતરરાષ્ટ્રીય દબાણ અને આર્થિક પ્રતિબંધો છતાં ઈરાન ઘાતક શસ્ત્રો તૈયાર કરી રહ્યું હતું. અણુશસ્ત્રો તૈયાર કરવાની પણ ચર્ચા પણ વૈશ્વિક કક્ષાએ ચાલી રહી હતી. એટલું જ નહીં યુક્રેન સાથેના યુદ્ધમાં ઈરાને રશિયાને મોટા પાયા પર હથિયારો સપ્લાય પણ કર્યા છે. ખાસ કરીને તેના મારખેજ ડ્રોનની મદદથી રશિયાએ યુક્રેનના કેટલાય વિસ્તારોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. રઇસીના નિધનથી હમાસનું ઈઝરાયેલ સાથેનું યુદ્ધ નબળું પડશે. રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ આંશિક અસર પડી શકે છે કારણ કે રઈસીના સમયમાં ઈરાન રશિયાનું સૌથી મોટું વ્યૂહાત્મક ભાગીદાર હતું. ઇઝરાયેલ સાથે યુદ્ધ લડી રહેલા હમાસ અને હિઝબુલ્લાહ સહિતના અન્ય કટ્ટરપંથી સંગઠનોને ઇરાનનું મજબૂત પીઠબળ હતું, તે પણ કદાચ નબળું પડી શકે છે.

હવે ભારત અને ઈરાનના સંબંધોની વાત કરીએ. ભારત અને ઈરાન મહત્વપૂર્ણ વ્યૂહાત્મક વેપાર અને ઊર્જાના ભાગીદાર છે. રઇસીનું ભારત પ્રત્યેનું વલણ તદ્દન હકારાત્મક હતું. તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા મિત્ર પણ હતા. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. રઇસી આ વર્ષે ભારત પણ આવવાના હતાં. તે પહેલા તેમણે ભારત સાથે ચાબહાર બંદર માટે હસ્તાક્ષર કરીને તેમની મિત્રતાને એક નવા સ્તર પર પહોંચાડી દીધી હતી. પાકિસ્તાનના ચીન સમર્થિત ગ્વાદર બંદરની સામે ઈરાનનું ચાબહાર બંદર વ્યુહાત્મક રીતે ભારત માટે બહુ જ મહત્વ ધરાવે છે. આવનારા દસ વર્ષ સુધી ચાબહાર બંદરનું સંચાલન ભારત કરતું રહેવાનું છે. મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશો સાથે વેપાર વધારવા માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પહેલ ગણી શકાય.નિધન પામેલા રઇસીએ ભારત સાથે ચાબહારના ડિલને પૂર્ણ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેથી ભારત પણ આ સંકટની ઘડીમાં દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઈરાનની સાથે ઉભું રહેશે.

ચાબહાર મેળવવું ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ માત્ર એશિયા અને પૂર્વ યુરોપનો માર્ગ જ નથી પરંતુ તેના દ્વારા ભારત મધ્ય-પૂર્વ અને યુરોપના માર્ગનો પણ નવો રસ્તો બનાવી શકશે. આથી જ ચાબહાર કરાર ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે જે ભારત અને ઈરાનના મજબૂત સંબંધોના કારણે જ શક્ય બની છે. હવે જાે ઈરાનમાં રાજકીય અસ્થિરતા સર્જાય તો ચાબહાર બંદરના વિકાસ પર નકારાત્મક અસરો પડી શકે છે અને તેની આડકતરી અસર ભારતને પણ થઈ શકે છે.

તેમ છતાં રઇસીના નિધન પછી પણ ઈરાન ભારતનું મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને ઊર્જા ભાગીદાર રહેશે કારણ કે બંને દેશોને એકબીજાની સખત જરૂર છે. બંનેના પોતાના પરસ્પર હિતો એકબીજા સાથે સંકળાયેલા છે. ભારતની ઉર્જા અને વ્યૂહાત્મક જરૂરિયાતોને પહોંચી વળવામાં ઈરાન ભારતની વિદેશ નીતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને ભવિષ્યમાં રહેશે જ. સાઉદી અરેબિયા અને મધ્ય-પૂર્વના અન્ય દેશોનું રાજકારણ કઈ દિશામાં વળે છે તેના પર સમગ્ર વિશ્વ ર્નિભર રહેશે. ઈરાન હવે અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં કેવી રીતે આગળ વધે છે એ જાેવું પણ રસપ્રદ રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution