ઈન્ડિયા ગઠબંધનની ભાવિ રણનીતિ શું હશે?

લેખકઃ જયેશ શાહ | 

કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધનની રચના પછી ૨૦૨૪ની ચૂંટણીઓની તૈયારી સસલાની ગતિએ શરૂ કરીને ચૂંટણીઓ આવતાં તો ભાજપની આગેવાનીવાળા એનડીએને લગભગ ૩૫૦ બેઠકો પર પડકાર આપ્યો જે અવિસ્મરણીય અને ઐતિહાસિક છે. હવે આવનારા સમયમાં ઈન્ડિયા ગઠબંધન માટે શું રહેલું છે તે આજે આપણે જાેઈશું. ૨૦૨૪ની ચૂંટણીઓના પરિણામ પછી એક સદી કરતાં લાંબા સમયથી ભારતના રાજકારણમાં કાર્યરત કોંગ્રેસ પાસે ૯૯ સંસદસભ્યો છે. કોંગ્રેસના વારસદાર રાહુલ ગાંધીને ‘ભારત જાેડો યાત્રા’ અને ‘ન્યાય યાત્રા’ ધાર્યા પ્રમાણે ફળદાયી રહી નથી તેમ છતાં ગ્રામીણ અને સેમી-અર્બન એટલે કે નાના નગર વિસ્તારોમાં ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને નિર્ણાયક લીડ પ્રાપ્ત થઈ છે.

શહેરી વિસ્તારોમાં ભાજપ અને એનડીએને ૪૦.૨ ટકા મત પ્રાપ્ત થયા તો કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધનને માત્ર ૨૧.૪ ટકા મત પ્રાપ્ત થયાં હતાં. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધનને ૩૫ ટકા મત પ્રાપ્ત થયાં જે ૨૦૧૯માં માત્ર ૧૭.૧ ટકા હતા. સેમી-અર્બન એટલે કે નાના નગરોમાં કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધનને ૩૬.૬ ટકા મત પ્રાપ્ત થયા છે જે ૨૦૧૯માં માત્ર ૨૦.૨ ટકા હતાં. આ વિશ્લેષણ સૂચવે છે કે કોંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધનને ગ્રામ્ય વિસ્તારોમાં બહુ મોટો ફાયદો થયો છે. ૨૦૧૯માં ગ્રામ્ય વિસ્તારોની ૨૦૧ બેઠકો ધરાવતા ભાજપે ૨૦૧૪માં માત્ર ૧૨૪ બેઠકો પ્રાપ્ત કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ડિયા ગઠબંધનને ૭૭ બેઠકોનો ફાયદો થયો છે. તેવી જ રીતે સેમી-અર્બન એટલે કે નાના નગરોમાં પણ કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધનને ૬૧ બેઠકોનો ફાયદો થયો છે. આ વિસ્તારોમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને ૫૩ બેઠકોનું નુકશાન થયું છે.

હિન્દી હાર્ટલેન્ડના મહત્વના રાજ્યોમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએના નબળા પ્રદર્શનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘૪૦૦ પાર’ના નારાને સફળતા મળી નથી. તેને કારણે વડાપ્રધાને પ્રાદેશિક પક્ષો પર આધાર રાખવાની ફરજ પડી છે તેવા સંજાેગોમાં કોંગ્રેસ સમગ્ર ગ્રામીણ ભારતમાં નિર્ણાયક મતબેન્ક ઊભી કરી રહી છે. હવે કોંગ્રેસે શહેરો અને મેટ્રો સિટીમાં પ્રવેશ કરીને શહેરી મતદારો સાથે જાેડાણ ઊભું કરવાની અનિવાર્યતા દેખાઈ રહી છે. ૨૦૧૪ની ચૂંટણીઓમાં યુવા મતદાર થોડા અંશે કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધન સાથે જાેડાયો છે તેમ છતાં તેઓ સાથે કાયમી નાતો ઊભો કરવા માટે ગઠબંધન સંચાલિત કૌશલ્ય વિકાસના કાર્યક્રમો શરૂ કરીને યુવા વર્ગમાં ગતિશીલતાનો સંચાર કરી શકે છે.

૨૦૨૪ના પરિણામોમાં ભારતના મતદારે કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનને સકારાત્મક સંદેશો આપી દીધો છે, ત્યારે પ્રાદેશિક પક્ષોને સાથે રાખવાની કોંગ્રેસની ક્ષમતા કેટલી છે તે આવનારો સમય નક્કી કરશે. જાે કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોને પોતાની સાથે રાખવામાં સફળ નીવડશે તો આવનારો સમય કોંગ્રેસ માટે સારા સમાચાર લાવી શકે છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં અનેક પક્ષો હોવા છતાં કોંગ્રેસે તમામ સાથે અસરકારક ગઠબંધન કરીને સંયુક્ત મોરચો બનાવીને ન ધારેલી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે પશ્ચિમ બંગાળ જેવા મહત્વના રાજ્ય માટે તૃણમૂલ કોંગ્રેસ સાથે જાેડાણ કરવું કોંગ્રેસ માટે અને ઈન્ડિયા ગઠબંધન માટે અનિવાર્ય છે. તેવી જ રીતે બિહારમાં પણ જનતા દળ (યુનાઈટેડ)ને પોતાના પડખામાં કરવા માટેના પ્રયાસો કોંગ્રેસે આવનારા સમય માટે કરવા જરૂરી દેખાઈ રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ સાથે સૌહાર્દપૂર્ણ અને વ્યૂહાત્મક સંયુક્ત આયોજનથી કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધને અણધારી સફળતા પ્રાપ્ત કરીને આગામી વિધાનસભાની ચૂંટણી માટે ‘યુપીના છોકરાઓ’એ યોગીજીને પડકાર ફેંક્યો છે ત્યારે આવું જ વ્યૂહાત્મક સંયુક્ત આયોજન સતત રહે અને પ્રજાની વચ્ચે ઈન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ સતત રહે અને પ્રજાના કાર્યો તો કરે અને સાથે સાથે પ્રજાના પ્રશ્નોને પણ રચનાત્મક રીતે રજૂ કરે એવો સંદેશ ૨૦૨૪ની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ અને તેના ગઠબંધનને આપ્યો છે.

દેશના મતદારો મોંઘવારી, બેરોજગારી અને ઘટતી આવકથી ચિંતિત હતા અને તેને કારણે જ રોજગાર, મોંઘવારી અને આવકની અસમાનતાના કોંગ્રેસ અને તેના ગઠબંધનના મુદ્દાઓને મતદારે ધ્યાનમાં રાખ્યા હતાં. એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે ગ્રામ્ય વિસ્તારો માટે ઘણી યોજનાઓ મોદી સરકાર દ્વારા લાવવા છતાં ગ્રામીણ અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી નથી. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ગ્રામીણ વિસ્તારોમાં વાસ્તવિક વેતનમાં વૃદ્ધિ જાેવા મળી હતી અને એનું પરિણામ ૨૦૧૯ની ચૂંટણીઓમાં જાેવા પણ મળ્યું હતું, પરંતુ તેઓના બીજા કાર્યકાળમાં ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધિ મોટાભાગે અટકી ગઈ છે અને કેટલીક જગ્યાઓએ નજીવી રીતે ઘટી છે અને એને કારણે જ ભાજપે ગ્રામીણ વિસ્તારોમાં ૨૦૨૪માં નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

ભારતના લગભગ બે તૃતીયાંશ લોકો હજુ પણ ગ્રામીણ અથવા સેમી-અર્બન વિસ્તારોમાં રહે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના ઘરગથ્થું ખર્ચના સર્વે મુજબ ૨૦૨૨-૨૩માં તેમનો સરેરાશ માથાદીઠ માસિક ખર્ચ માત્ર રૂ. ૩,૭૭૩ હતો. સરેરાશ કુટુંબનું કદ આશરે ૪.૪ વ્યક્તિનું છે. એટલે કે માત્ર રૂ. ૧૬૦૦૦ માસિક ખર્ચ એક કુટુંબનો છે. જાે તમે મોંઘવારી અને સામાન્ય બચતને ગણતરીમાં લો તો પણ સરેરાશ ગ્રામીણ પરિવારની આવક દર મહિને રૂ. ૨૦,૦૦૦ કરતાં વધુ નથી.

દેશનો જીડીપી ગ્રોથ ભલે ૭.૫ ટકાથી ૮ ટકાની આસપાસ રહેતો હોય તેમ છતાં જાે દેશનું કૃષિ ક્ષેત્ર માત્ર ૧.૪ ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે અને તે જ ક્ષેત્ર હજી આજે પણ ૪૫. ૮ ટકાલોકોને રોજગારી આપે છે અને આવકનું મુખ્ય સ્ત્રોત છે તેવા સંજાેગોમાં કૃષિ ક્ષેત્ર અને ગ્રામ્ય વિસ્તારો માટે અસરકારક કાર્ય કરવું પડશે. માત્ર તેમને દર મહિને માથાદીઠ પાંચ કિલો ચોખા અથવા ઘઉં મફત આપવાં એ પૂરતું નથી. ૨૦૨૪ની ચૂંટણીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હજી સમય છે. ગ્રામ્ય વિસ્તારોને અને કૃષિ ક્ષેત્રનો આભડછેટ દૂર નહીં કરો તો કોઈપણ પક્ષ દેશમાં સારી રીતે શાસન કરી શકશે નહીં. નરેન્દ્ર મોદી સરકારે દસ વર્ષના શાસનકાળ દરમિયાન શૌચાલય, ઘર (પીએમ-આવાસ), પીવાનું પાણી , ગ્રામીણ રસ્તાઓ, વિજળી પુરવઠો વગેરે માટે તેની અનેક યોજનાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે તેમ છતાં ગ્રામીણ વસ્તીની આવકનું સ્તર હજી ઘણું નીચું છે. આવા સંજાેગોમાં લોકસભામાં કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધને હવે દેશના ગરીબો, યુવાનો અને ગ્રામ્ય વિસ્તારોને સ્પર્શતા પ્રશ્નો પર અર્થપૂર્ણ ચર્ચાઓ કરવી પડશે. જાે તેઓ રચનાત્મક રીતે લોકસભામાં કાર્ય નહીં કરે અને સતત હંગામો કરીને લોકસભાને ચાલવા દેશે નહીં તો જે મતદારોએ સકારાત્મક સંદેશ કોંગ્રેસ અને તેના ગઠબંધનને આપ્યો છે તે જ મતદારો તેમની ચાદર ખેંચી લેતા સંકોચ નહીં અનુભવે.

હરિયાણા, ઝારખંડ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર અને બિહાર જેવા મહત્વના રાજ્યોમાં આવનારા એક વર્ષમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને સતત સાથે રહીને સંયુક્ત રીતે વ્યૂહાત્મક આયોજનો કરવા પડશે. જાે સતત વ્યૂહાત્મક આયોજનો કરતાં રહેશે અને પ્રજાની વચ્ચે રહેશે તો જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેમાં સફળતાની શક્યતા બહુ જ ઉજ્વળ દેખાઈ રહી છે. શું કોંગ્રેસ અને તેનું ગઠબંધન આ કરી શકશે?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution