રિયાધ-
સઉદી અરબના મુખ્ય તેલ ઉત્પાદન કેન્દ્ર અને અરામકોના રેસિડેન્સિયલ વિસ્તાર પર યમનની હાઉથી સેનાએ ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલા સઉદી અરબના રાસ તેનુરામાં સ્થિત દેશના તેલ ઉત્પાદન કેન્દ્ર પર થતાં ઓઇલ ઉત્પાદન બંધ કરવાનો વારો આવ્યો હતો. સઉદી ઓઇલ ઉત્પાદન અને સૌથી મોટા શિપિંગ પોર્ટ રાસ તેનુરા પોર્ટ પર થયેલા હુમલાને લીધે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે.
સઉદી અરબના ઉર્જા મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી હતી કે, આ હુમલાથી મોટુ આર્થિક કે જાનમાલનું નુકસાન પહોંચ્યુ નથી. આ અંગે સઉદી અરબ રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે દુનિયાની સૌથી મોટી તેલ કંપની સઉદી અરામકોના રહેણાંક વિસ્તાર પાસે બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરાયો હતો. રક્ષાલ મંત્રાલય મુજબ રાસ તેનુરામાં સ્થિત ઓઇલ શિપિંગ પોર્ટ અને અરામકો પર હુમલાના પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ સમુદ્રમાં જ સશસ્ત્ર ડ્રોનની મદદથી તેને રોકી લેવામાં આવ્યા હતા. હુમલાની નિંદા કરતા સઉદી અરબના રક્ષા મંત્રાલયે આ હુમલા વિરુદ્ધ દુનિયાભરના દેશો અને સંગઠનોને એક થઇ ઉભા રહેવા અપીલ કરી હતી. મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે, આ હુમલો માત્ર સઉદી અરબના શાસન પર જ નહીં વિશ્વના ઉર્જા પુરવઠા પર કરાયો હતો જેની ગંભીર અસર ગ્લોબલ ઇકોનોમી પર પડશે.
આ પહેલા ૨૦૧૯માં સઉદી અરબના પૂર્વી રાજ્યોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરાયા હતા, જેનાથી પ્રભાવિત સમગ્ર સઉદી અરબ હલી ગયુ હતું. આ રાજ્યો અરામકોના તેલ ઉત્પાદન અને નિકાસ માટે જાણીતા છે. સઉદીએ આ હુમલા માટે ઇરાન પર આરોપ લગાવ્યા હતા, પરંતુ ઇરાન આરોપો ફગાવ્યા હતા.
યમનની હાઉથી સેનાના પ્રવક્તાએ રવિવારે કહ્યું હતું કે, સમૂહે એક મોટા અભિયાનમાં સઉદીના કેન્દ્ર પર ૧૪ ડ્રોન અને આઠ મિસાઇલથી હુમલો કર્યો હતો.