શ્રીનગર-
આજથી બે દિવસ સુધી 20 જેટલા વિદેશી રાજદૂતો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જશે. કેન્દ્ર સરકારે બંધારણની 370મી કલમ હટાવીને એ પ્રદેશનું બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન કર્યું ત્યારબાદ વિદેશી રાજદૂતોની આ પ્રકારની આ ચોથી મુલાકાત છે ત્યારે પાકિસ્તાન દ્વારા એવો ખોટો પ્રચાર થઈ રહ્યો છે કે ભારત આવી મુલાકાતો યોજીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યું છે. જ્યારે ભારતે આ બાબતે કોઈ પ્રતિભાવ ન આપતાં જણાવ્યું છે કે, કાશ્મીર બાબતે બોલવાનો પાકિસ્તાનને કોઈ હક નથી. વર્ષ 2019ના ઓક્ટોબરમાં અને વર્ષ 2020ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે માસમાં મળીને આ પહેલા ત્રણ મુલાકાતો થઈ હતી.
નામ ન આપવાની શરતે અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદેશી રાજદૂતોની આવી મુલાકાત યોજવા પાછળનો ભારત સરકારનો હેતુ કાશ્મીરમાં માનવાધિકારનું દમન થતું હોવાના અને કાશ્મીર ખીણપ્રદેશમાં અજંપો હોવાના પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ખોટા પ્રચારને ખતમ કરવાનો છે. આ પ્રતિનિધિમંડળમાં આફ્રિકન, યુરોપિયન યુનિયન અને આફ્રિકન અને મધ્યપૂર્વના દેશો ઉપરાંત ઓઆઈસી એટલે કે ઓર્ગનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સભ્યોનો સમાવેશ થાય છે.