વિરોધ પ્રદર્શનોનું સમાજશાસ્ત્ર શું છે?

ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે દુનિયામાં કોઈ પણ મોટું પરિવર્તન સંઘર્ષ અને આંદોલન વિના થયું નથી. વિશ્વના ઈતિહાસ પર નજર કરીએ તો કોઈ પણ વંચિત વ્યક્તિને તેના મૂળભૂત માનવ અધિકારો લડ્યા વિના મળ્યા નથી. આંદોલન એ એક એવો શબ્દ છે જેણે ઇતિહાસને આકાર આપ્યો છે. આંદોલનો જ વિશ્વના દેશોને રાજાશાહીમાંથી લોકશાહી તરફ લઈ ગયા છે. આજે આપણે જે કંઈ પણ છીએ, આંદોલનોને કારણે છીએ. આંદોલનકારી હોવુ એ ખરાબ વાત નથી બલ્કી તેનો અર્થ એ છે કે તમે પરિવર્તન માટે ચાલી રહેલા મહાસંઘર્ષનો હિસ્સો છો.

વિરોધ પ્રદર્શન કે આંદોલન સામાન્ય રીતે જે તે સત્તા, જવાબદાર સંસ્થાઓ અથવા શાસકો સામે, વિરોધ કરનારની અમુકતમુક માંગ પૂરી કરવા માટે થતા હોય છે. સામાન્ય માણસનો એકલદોકલ અવાજ જવાબદાર વ્યક્તિ કે સંસ્થાને કાને પડતો નથી ત્યારે વિરોધ પ્રદર્શન અસરકારક કામ કરી જાય છે.

એક અભ્યાસમાં દર્શવાયું છે કે વિશ્વભરમાં વિરોધ પ્રદર્શન વધી રહ્યાં છે. ખાસ કરીને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ બાદ હજારો વિરોધ પ્રદર્શનો થયા છે. આ સિવાય જર્મની, બેલ્જિયમ અને ભારત જેવા દેશોમાં નવા નિયમોને લઈને ખેડૂતોનો વિરોધ નોંધનીય રહ્યો. વર્તમાનમાં વિશ્વભરમાં વિરોધ પ્રદર્શનોની સંખ્યા ત્રણ ગણી કરતા પણ વધારે થઈ ગઈ છે. આ વિરોધનું કારણ રાજકીય ર્નિણયો, અન્યાય, વેતન, અસમાનતા, જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ છે.

એક સમાજશાસ્ત્રીય વિશ્લેષણ અનુસાર, હિંસક વિરોધ કરતાં અહિંસક વિરોધની વધુ અસર હોય છે અને અન્ય પરિણામોની સાથે રાજકીય શાસન બદલવામાં વધુ અસરકારક હોય છે.

 સત્તા દ્વારા દમન સામે અહિંસક વિરોધ એક શક્તિશાળી મિશ્રણ છે. કારણ કે આવા સમીકરણ ઘણીવાર વિરોધીઓના હેતુ પ્રત્યે સહાનુભૂતિનો જુવાળ લાવે છે અને પ્રદર્શનકારોની તરફેણ કરતા સકારાત્મક મીડિયા કવરેજ તરફ દોરી જાય છે. તેનાથી વિપરીત, મીડિયા દ્વારા હિંસક વિરોધને ઘણીવાર તોફાનો અને અવ્યવસ્થા તરીકે લેબલ કરવામાં આવે છે.(મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અહિંસક આંદોલનોએ સ્વતંત્ર ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેના પરિણામરૂપે ક્રાંતિકારી પરિવર્તન હાંસલ કરવામાં શાંતિપૂર્ણ વિરોધની અસરકારકતા સાબિત થઈ.)

લેખિકા પીયર્સનના અભ્યાસ અનુસાર, ૧૯૦૦થી ૨૦૦૬ સુધીમાં રાષ્ટ્રીય નેતાઓને પદ પરથી દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે ૩૦૦ ક્રાંતિકારી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, ફિલિપાઇન્સમાં પીપલ્સ પાવર રિવોલ્યુશન જેવો અહિંસક વિરોધ ૧૯૮૬માં સરમુખત્યાર ફર્ડિનાન્ડ માર્કોસને દૂર કરવામાં સફળ રહ્યો હતો. આ અભ્યાસ મુજબ,એવી દરેક ચળવળ કે જેમાં વસતીના ઓછામાં ઓછા ૩.૫ ટકા લોકો સંગઠિત થયા હોય તેવી ચળવળ લગભગ સફળ રહી છે.

દુનિયાનાં કેટલીક મહત્વના આંદોલનોની વાત કરીએ તો, અશ્વેતોએ લાંબા સમય સુધી સંઘર્ષ કરીને અમેરિકી બંધારણમાં ‘અશ્વેતોને સમાન અધિકારો’ હાંસલ કર્યા છે. તો ભારતની આઝાદીની લડાઈ આનું સૌથી મોટું દ્રષ્ટાંત છે જે ૧૮૫૭થી શરૂ થઈને ૧૯૪૭,નેવું વર્ષ ચાલ્યું!

એવી જ રીતે, માનવ સંસ્કૃતિના ઈતિહાસની સૌથી લાંબી ચળવળ જે ૧૧૦ વર્ષ ચાલી. માત્ર સો વર્ષ પહેલાં વિશ્વના કોઈપણ ભાગમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો. લોકશાહી પ્રક્રિયામાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપનારો ન્યુઝીલેન્ડ વિશ્વનો પ્રથમ દેશ બન્યો. વળી, જ્યારે આપણે ૧૧૦ વર્ષ કહીએ છીએ, ત્યારે આપણે આ બાબતે થયેલી સક્રિય ચળવળની વાત કરીએ છીએ. અન્યથા ઈતિહાસમાં જઈએ તો ૧૭મી સદીના અંતમાં ગ્રીસમાં આ પ્રશ્ન સૌપ્રથમ ઉઠાવવામાં આવ્યો હતો કે મહિલાઓને પણ મત આપવાનો અધિકાર હોવો જાેઈએ. મહત્વની અને સમજવા જેવી વાત એ છે કે જે બાબત આજે આટલી સરળ અને સ્વાભાવિક લાગી રહી છે તેને મેળવવા માટે પુરી એક સદી કરતા વધુ લાંબી લડત આપવી પડી છે!

નેલ્સન મંડેલા અને વિન્ની મંડેલાના નામથી કોઈ અજાણ્યું નથી. દક્ષિણ આફ્રિકાનો રંગભેદ વિરોધી સંઘર્ષ અને ચળવળ એ અમેરિકાના નાગરિક અધિકાર ચળવળ બાદ ઇતિહાસમાં સૌથી મોટો રંગભેદ વિરોધી સંઘર્ષ છે.

એલજીબીટી અધિકાર આંદોલન વિશ્વના કોઈ એક દેશ કે સમાજનું નથી. અમેરિકાથી બ્રિટન, યુરોપથી એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને ભારત સુધી, આ એક લડાઈ છે જે લગભગ ત્રણ દાયકાથી ચાલી રહી છે. ભારતના બંધારણમાં પણ સમલૈંગિકતા અપરાધ હતી પણ નજીકના ભૂતકાળમાં, સમલૈંગિકતાને ગુનાના દાયરાની બહાર રાખવામાં આવી છે. એલજીબીટી અધિકારો માટેની વિશ્વવ્યાપી ચળવળ એક અલગ અભ્યાસનો વિષય છે. યુરોપની વાત કરીએ તો, બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત બાદ યુરોપના તમામ દેશો રશિયન સૈનિકોના કબજામાં હતાં. જર્મની,પોલેન્ડ,ચેકોસ્લોવાકિયા, આ બધા દેશો લાંબા સમય સુધી રશિયન શાસન હેઠળ રહ્યાં અને લાંબા સંઘર્ષ પછી સ્વતંત્રતા મેળવી. સ્પેન, ફ્રાન્સ, પોર્ટુગલ અને બ્રિટનનો વિશ્વને જીતવાનો અને પોતાની વસાહતો બનાવવાનો ઇતિહાસ છે. પરંતુ આ સિવાય યુરોપનો દરેક દેશ પાસે સ્વતંત્રતાની પોતાની એક લડાઈનો ઇતિહાસ છે. આ ઉપરાંત, કમાલ મુસ્તફા અતાતુર્ક અને તુર્કી ચળવળ, ૨૦૧૦ની ‘આરબ સ્પ્રિંગ ઓક્યુપાય મુવમેન્ટ’ અને ૨૦૨૦માં ‘બ્લેક લાઇવ્સ મેટર’ વિરોધનો મહત્વપૂર્ણ આંદોલનોમાં સમાવેશ થાય છે.

આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ દર્શાવે છે કે ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાની પરંપરાના ઐતિહાસિક મૂળ બહુ ઊંડા છે. ભારતમાં છેલ્લા વર્ષોમાં અન્ના હજારેનું આંદોલન(લોકપાલ), શાહીનબાગ(સીએએ),પાસ આંદોલન, કિસાન આંદોલન અને ભારતીય ખેલાડીઓનું આંદોલન વગેરે નોંધનીય રહ્યાં. ડિજિટલી ‘મી ટુ’ નોંધનીય રહ્યું. ૨૦૦૬થી આજ સુધીના વિરોધ પ્રદર્શનનું વિશ્લેષણ દર્શાવે છે કે ૨૦૨૦ દરમિયાન ભારતમાં થયેલુ કિસાન આંદોલન સૌથી મોટું રહ્યું, જેમાં અંદાજિત ૨૫ કરોડ લોકોએ ભાગ લીધો હતો.

ભારતીય બંધારણમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારનો સ્પષ્ટપણે મૂળભૂત અધિકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો, શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો તેમજ ભાષણ કરવાનો અધિકાર બંધારણમાં સમાવિષ્ટ છે અને તેમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર સમાવિષ્ટ માનવામાં આવે છે.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એલ. વિક્ટોરિયા ગૌરીની ખંડપીઠે પણ નજીકના ભૂતકાળમાં, એક કેસના ચુકાદામાં કહ્યું હતું કે દરેક લોકશાહી સમાજમાં, વિરોધ પ્રદર્શન દ્વારા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત પ્રદર્શન એ નાગરિકોનો સુનિશ્ચિત વિશેષાધિકાર છે.

અલબત્ત, આ અધિકારો મૂળભૂત હોવા છતાં, તે સંપૂર્ણ નથી. સરકાર બંધારણની કલમ ૧૯(૨) હેઠળ નિર્દિષ્ટ આધારો પર જાહેર હિતમાં આ અધિકારો પર નીચેના મામલે વાજબી નિયંત્રણો લાદી શકે છેઃ જેમ કે, રાજ્ય સુરક્ષા, વિદેશી સંબંધો, ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સાર્વજનિક હિત,

 અદાલતનો અનાદર, ગુના માટે ઉશ્કેરવા બદલ,બદનક્ષી, શિષ્ટાચાર અથવા નૈતિકતા...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution