ગણેશોત્સવનો છત્રપતિ શિવાજીના હિન્દવી સ્વરાજ સાથે શો સંબંધ?

એક પરમતત્વની વિશાળ કલ્પના અને અનેક દેવી-દેવતાઓની પૂજાથી ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો છે અને તેમાં ગણેશપૂજા ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પ્રાચીનકાળથી હિંદુ સમાજ કોઈપણ કાર્યની શરૂઆત ગણપતિની પૂજાથી કરે છે તેમજ કોઇપણ દેવતાની પૂજા કરતા પહેલા ગણપતિની પૂજા કરવાનો નિયમ છે. તેમના વ્યક્તિત્વની વિવિધ વિશેષતાઓને કારણે ગણપતિને ભારતીય સંસ્કૃતિમાં લોકનાયકનો દરજ્જાે મળ્યો છે. એક તરફ તેઓ રાજનીતિના નિષ્ણાત, તો બીજી તરફ તેઓ દર્શનશાસ્ત્રના મહાન વિદ્વાન છે. તેમણે જ્ઞાન-કર્મ-ભક્તિના સમન્વયકારી ધર્મને પ્રોત્સાહન આપ્યું છે.

ભગવાન ગણેશને સમર્પિત ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે. ગણેશની જન્મજયંતિનો આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ માસની ચતુર્થીના દિવસથી લઈને અનંત ચતુર્દશી સુધી એમ, ગણપતિની દસ દિવસીય સ્થાપનાની પરંપરા છે. જે ભારતના વિવિધ ભાગોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર, એમ.પી., કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ રાજ્યોમાં ભગવાન ગણેશના વિશાળ પંડાલ બનાવવામાં આવે છે. ગણેશચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરમાં કે જાહેર સ્થળોએ સ્થાપિત કરે છે. દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી(૧૬૩૦-૧૬૮૦)ના સમયથી પૂણેમાં ગણેશ ચતુર્થી એક જાહેર કાર્યક્રમ તરીકે ઉજવવાની પ્રથા હતી જે સમયાંતરે બંધ થઈ ગઈ હતી. એવું માનવામાં આવે છે કે ભારતમાં મોગલ શાસન દરમિયાન, છત્રપતિ શિવાજી અને માતા જીજાબાઈએ સનાતન સંસ્કૃતિના રક્ષણ અર્થે સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી. એ પછી, મરાઠા સામ્રાજ્યના અન્ય પેશ્વાઓએ પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું શરૂ કર્યું. પેશવાકાળ પછી, બ્રિટિશ સરકારે ભારતમાં તમામ હિંદુ તહેવારો પર પ્રતિબંધ મૂક્યો. આ પછી, ૧૮૯૨માં ભાઉ સાહેબ જાવલે દ્વારા સાર્વજનિક ઊજવણી અર્થે ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૮૯૩માં, લોકમાન્ય ટિળકે લોકોને એકસાથે લાવવા માટે વાર્ષિક ઘરેલુ ઉત્સવને એક વિશાળ, સુવ્યવસ્થિત કાર્યક્રમમાં પરિવર્તિત કર્યો. અને હવે, ભારતીય ડાયસ્પોરા સમગ્ર વિશ્વમાં હોવાથી ભારત ઉપરાંત અન્ય દેશના લોકો દ્વારા પણ આ તહેવાર સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

ખુશી કે શોક, કોઈપણ નિમિત્તની પૂજામાં જે સૌ પ્રથમ પૂજાય છે એવા પ્રથમેશ, માતાને નામે ઓળખાય છે અને એમના સ્તુતિગાનમાં માતાના નામનો ઉલ્લેખ થાય છે. ગૌરીતનય, ગૌરીસુત, ઉમાસુત... મને આ નામો વિશેષ ભાવસભર લાગે છે. માતૃશક્તિની પુજા એ આપણી પરંપરા રહી છે. વળી, આ તો ગણનાયક, ગણાધ્યક્ષ, વિવેક, જ્ઞાન, બુદ્ધિ અને પ્રજ્ઞાના દેવના માતા, માતા ગૌરી..! ગણપતિ સ્થાપન દરમ્યાન, ગણપતિની પુજા સાથે મા ગૌરીની પૂજાનું મહારાષ્ટ્રમાં તેમજ કર્ણાટકમાં વિશેષ મહત્વ છે.

સામુહિક સ્તરે ગૌરીપૂજાનો ઉલ્લેખ અગ્નિપુરાણમાં જાેવા મળે છે. દંતકથા અનુસાર રાક્ષસી તત્વોથી ત્રસ્ત સ્ત્રીઓએ મા ગૌરીનું ધ્યાન ધરીને સહાય માંગી અને મા ગૌરીએ ભાદરવાના શુક્લ પક્ષની આઠમના દિવસે રાક્ષસી તત્વોનો વધ કરીને લોકોને આતંકથી મુક્ત કર્યા. એ નિમિતે સ્ત્રીઓ મહાગૌરી અને મહાલક્ષ્મીનું પૂજન કરે છે. બીજી એક માન્યતા પ્રમાણે ગણેશોત્સવ દરમિયાન પૃથ્વીલોકમાં ઘરે ઘરે બિરાજમાન પુત્ર ગણપતિ કુશળ તો છે ને, એ જાેવા મા ગૌરી પધારે છે એમ માની ગણપતિની સાથોસાથ તેમનું પૂજન કરવામાં આવે છે. અન્ય માન્યતા અનુસાર, ગ્રામ્ય જીવનની પરંપરામાં ચોમાસા દરમિયાન વરસાદની મહેર કરીને ખેતરોને લીલાંછમ સમૃદ્ધ કરી દેનારી દેવીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા, ગૌરી કે જેની ધાન્ય લક્ષ્મી સ્વરૂપે આ દિવસોમાં પૂજા કરવામાં આવે છે.

ગણપતિ સ્થાપનના ત્રીજા દિવસે એટલે કે ભાદરવા સુદ છઠ્ઠના દિવસે ગૌરી- મહાલક્ષ્મીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે અને બીજા દિવસે તેમનો શૃંગાર તેમજ ભાતભાતના અનેક પ્રકારના નૈવેદ્ય ધરવામાં આવે છે, ગૌરી સમક્ષ ભાવગીતો સ્તુતિ ગાઈને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસોમાં ‛હલદી કંકુ’ની પ્રથા કરવામાં આવે છે. તેમજ ત્રીજા દિવસે તેમની વિદાય અથવા વિસર્જન કરવામાં આવે છે.

ગૌરી પૂજાના આ ત્રણેય દિવસ, માતા, પ્રકૃતિ અને નારીત્વની પૂજાના અનેરા દિવસો છે. ગૌરી પધાર્યા હોય એ ઘરોમાં દિવસભર ગૌરીના ભોગ માટેના વિવિધ વ્યંજનો આસપાસની સ્ત્રીઓ સાથે મળીને ગીત ગાતા ગાતા આનંદ અને ભક્તિપૂર્વક બનાવે છે. ગૌરીની પ્રતિમાને રંગબેરંગી શાળું(સાડી) તેમજ વિવિધ અલંકાર, આભૂષણો તેમજ શૃંગારથી શણગારવામાં આવે છે. ગૌરાઈ એટલે કે પાર્વતી અને તેના બાળક શ્રી ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજે પણ સાંજ પડ્યે નૈવેદ્ય તેમજ ગૌરી શૃંગારના દર્શન કરવા સગાસંબંધી તેમજ પાસપડોશની સ્ત્રીઓ એકબીજાને ઘરે શણગાર સજીને જાય છે,ગીતો ગાય છે હળીમળીને આનંદ કરે છે ત્યારે ભકિતપુર્ણ વાતાવરણની સાથે સાથે સમૃદ્ધ સામાજિક જીવનની ઝાંખી થાય છે.

જ્યેષ્ઠા ગૌરીનો તહેવાર મહિલાઓ માટે ખૂબ જ મહત્વનો છે! ગ્રામ્યસંસ્કૃતિમાં, આ ગૌરી પર્વ નિમિત્તે દિકરીઓ પોતાના બાળકો સાથે પિયરમાં આવે છે. આમ, ગૌરી ઉત્સવ એક સુખદ મેળાપ લાવે છે.

શહેરોની સરખામણીએ ગ્રામજનો વધુ સારી રીતે શ્રદ્ધાપૂર્વક તહેવારોની પરંપરાને અનુસરીને જાળવી રાખે છે. આ તહેવારો અને પરંપરાઓ સંસ્કૃતિને ધબકતી રાખતું તત્વ છે.

અલબત્ત, જે તે સમયે પ્રસ્તુત હોય એવા રીતિરીવાજાે, વર્ષોથી ચાલી આવતી આપણી ભવ્ય પરંપરાઓ હવે આજના યુગમાં, એ ખલેલજનક તો નથી બની રહીને એ જાેવાની જવાબદારી આપણાં સૌની છે અને જાે એ ધ્યાન રાખવામાં આવશે તો જ જે- તે પરંપરા અંગેનો આદર ટકી રહેશે. અહીં એક શ્લોક ટાંકુ,

વાંઙ્મયસ્ત્વં ચિન્મયઃ | ત્વમાનંદમયસ્ત્વં બ્રહ્મમયઃ | ત્વં સચ્ચિદાનંદાઽદ્વિતીયોઽસિ | ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ | ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોસિ || ૪ ||(ગણપતિ અથર્વશિર્ષ)

તમે વેદોનું વાંગ્મય, વાણી, તમે શુદ્ધ ચેતના છો, તમે આનંદનું મૂર્ત સ્વરૂપ છો, તમે સંપૂર્ણ વાસ્તવિકતાના મૂર્ત સ્વરૂપ છો. તમે સત્‌, ચિત્‌, આનંદ અને અદ્વૈતનું સ્વરૂપ છો. તમે પ્રગટ બ્રહ્મ છો. તમે જ્ઞાનનો સાર અને પરમ વિજ્ઞાનનું મૂર્ત સ્વરૂપ છો.

જ્ઞાનનો અર્થ ઘણો વ્યાપક છે. અહીં જ્ઞાનને આપણે આત્મ-જ્ઞાન તરીકે સમજીએ તો, આત્મ જ્ઞાન એટલે સેલ્ફ કોન્સિયસનેસ, કે જે મનુષ્ય તરીકેની પોતાની નૈતિક, વ્યક્તિગત, સામાજિક જવાબદારીની સમજ, આધ્યાત્મિક ઉત્થાન તરફ જાતને પ્રેરિત કરવાની સમજ છે. અને વિજ્ઞાન એટલે વિશેષ વૈજ્ઞાનિક જ્ઞાન જે પ્રકૃતિની રચનામાં, તેની વ્યવસ્થા અને નિયમનમાં, તેના દરેક તત્વનું મહત્વ અને અસરને સમજે! જે ગ્લોબલ વોર્મિંગના આજના યુગની તાતી જરૂરિયાત છે.

પ્રગતિ અને વિકાસ, જીવન પદ્ધતિમાં અવિરત પરિવર્તનના આ તબક્કે બદલાતા સમય સાથે આપણે પણ બદલાવું પડશે, દોડ અને સ્પર્ધાની આ દુનિયામાં તહેવારોનું મહત્વ બની રહે એ જરૂરી છે. પરંતુ સાથોસાથ તહેવારોની ઉજવણી કરતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવું જાેઈએ કે જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ન થાય.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution