ગર્ભાશયની દીવાલો અથવા ગર્ભાશય આખંુ તેની કુદરતી મૂળભૂત જગ્યાથી નીચે એટલે કે યોનિભાગમાં બહારની તરફ ખસે તેને ગર્ભાશયનો ભ્રંશ અથવા યુટેરાઇન પ્રોલેપ્સ કહે છે. મોટાભાગે પેલ્વિક ફ્લોર(સાથળની આસપાસ) ના સ્નાયુઓ નબળા હોવાથી આ તક્લીફ થાય છે.
કારણો
• એક કરતાં વધુ નોર્મલ ડિલિવરી થઈ હોય તેમને યોનિમાર્ગ ના સ્નાયુઓ નબળા /ઢીલા થઈ જવાના કારણે થઈ શકે.
• પહેલેથી જેને યોનિમાર્ગ ટૂંકો હોય.
• યોનિમાર્ગના સ્નાયુઓની વધુ પડતી ઢીલાશ.
• વારસાગત કારણોે.
• મેનોપોઝના કારણે.
• નોર્મલ ડિલિવરી સમયે કોઈ સાધનથી ઇજા થાય તો તેના કારણે.
• નોર્મલ ડિલિવરી સમયે વેક્યૂમ કે ફોરસેપના અયોગ્ય ઉપયોગથી.
અમુક કારણો જે વ્યક્તિ પર આધારિત છે
• વારંવાર પેશાબ રોકવો.
• જૂની ખાંસી .
• જૂની કબજિયાત.
• ગર્ભાશયની વજન વધવાથી જેમ કે તેમાં ગાંઠ થવાથી.
• કૂપોષિત સ્ત્રી.
• અસ્થમા
તબક્કા
ગર્ભાશય ખસવાને મોટે ભાગે ત્રણ ડિગ્રી(પ્રથમ , બીજી, અને ત્રીજી ડિગ્રી )માં વહેંચી શકાય છે. પ્રથમ ડિગ્રીમાં ગર્ભાશય પોતાની મૂળભૂત જગ્યા કરતાં સામાન્ય ખસે છે એટ્લે કે ગર્ભાશય યોનિમાર્ગ માં જ રહે છે. બીજી ડિગ્રીમાં ગર્ભાશયનું મુખ યોનિમાર્ગમાંથી બહાર આવે છે પણ ગર્ભાશય તો અંદર જ રહે છે જ્યારે ત્રીજી ડિગ્રીમાં સંપૂર્ણ ગર્ભાશય યોનિમાર્ગની બહાર આવે છે.
લક્ષણો
• યોનિમાર્ગમાંથી કંઈક બહાર આવતું હોય તેવું લાગવું
• ચાલવા, બેસવા, ઉઠવામાં તકલીફ લાગવી
• કમરનો દુઃખાવો
• સાથળના ભાગમાં દુખાવો
• પેશાબ વારંવાર જવાની ઈચ્છા થવી
• પેશાબ કરવા જતાં પહેલા અંદર થઈ જાય
• પેશાબ કરવામાં તકલીફ પડે
• એક વારમાં પેશાબ કર્યાનો સંતોષ ના મળે જેથી વારંવાર જવું પડે
• કબજિયાત
• સફેદ પાણી પડવું, યોનિમાર્ગ માં ખંજવાળ આવવી
• ખાંસી ખાતી વખતે કંઈક બહાર આવે તેવું લાગે
આ તકલીફથી બચી કઈ રીતે શકાય ?
• ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય કાળજી અને સંભાળ રાખવી
• ડિલિવરી સમયે ખૂબ ખેંચાખેંચ ના થાય તે ખાસ જાેવું
• ડિલિવરી સમયે ફોરસેપ અથવા વેક્યૂમનો યોગ્ય ઉપયોગ કરવો
• ડિલિવરી પછી ઓછામાં ઓછા ૬ મહિના સુધી વજન ના ઊંચકવું
• બે ગર્ભાવસ્થા વચ્ચે ઓછામાં ઓછો ૨ વર્ષનો ગાળો રાખવો
સારવાર
આમ તો તેની કોઈ સારવાર નથી પણ તેનાથી રાહત મેળવી શકાય છે. જેમકે
પોષણ યુક્ત આહાર
પેલવિક ફ્લોર એકસેરસાઈજ
પેસરી ટ્રીટમેંટ
ગર્ભાશયની કોથળી નું ઓપરેશન
આયુર્વેદમાં સારવાર શક્ય છે ખરી?
પહેલા તો આયુર્વેદમાં આનુ વર્ણન છે કે નહીં તે જાણીએ. આયુર્વેદમાં યોનિવ્યાપદ અંતર્ગત બધા જ સ્ત્રીઓના મોટાભાગના રોગોનું વર્ણન આવી જાય છે. ગર્ભાશય ભ્રંશનું મહાયોની / વિવૃતાં નામના યોનિ વ્યાપદ અંતર્ગત વર્ણન મળે છે. મહાયોની વાયુના લીધે થતો રોગ છે, શરીરમાં વિકૃત થયેલો વાયુ યોનિમુખ અને ગર્ભાશયને વિવૃત એટ્લે કે પહોળું કરી નાખે છે અને પોતાની જગ્યા કરતાં નીચે ખસેડી દે છે. આ રોગને મહાયોની અથવા ગર્ભાશય ભ્રંશ કહે છે. આ રોગમાં ગર્ભાશય પોતાના સ્થાનેથી ખસીને નીચે આવી જાય છે. આ રોગમાં જાે રોગીની શરૂઆતની સ્થિતિ હોય તો સંપૂર્ણ સારવાર શક્ય બને છે. પ્રથમ અને બીજી ડિગ્રીના ભ્રંશમાં ચોક્કસ સારવાર શક્ય છે, જાેકે સારવારની સાથે પરેજી પણ ખૂબ ફાયદો કરે છે, જેમકે વધુ પડતું તીખું ,તળેલું ,જીણા લોટની વાનગીઓ , અથાણાં,ખટાશ વગેરે બંધ રાખવા પડે છે. આયુર્વેદમાં પરેજીની સાથે દવાઓ પણ એટલી જ સારવાર કરી શકશે . અલગ અલગ ઔષધો તેમજ બસ્તી વગેરેથી સતત થતો દુઃખાવો વગેરેમાં રાહત મેળવી શકાય છે. આયુર્વેદમાં બસ્તી ચિકિત્સા સિવાય પણ ઘણી બધી સારવાર ઉપલબ્ધ છે. યોનિ પિચું , યોનિ પ્રક્ષાલન , યોનિ અવચૂરણન વગરે જેવા કર્મો ખૂબ સારો ફાયદો કરાવે છે.અમુક વિશેષ ઔષધો સાથે સિદ્ધ કરેલા તેલનું પોતું યોનિમાર્ગમાં મૂકવામાં આવે છે. આ સિવાય વિશેષ પ્રકારના ચૂર્ણને યોનિમાર્ગમાં પોટલી બનાવીને મૂકવાથી તેને ખસતો અટકાવી શકાય છે. પરંતુ નજીકના આયુર્વેદ નિષ્ણાત ને મળીને જ સારવાર લેવી.