આજના સમાજ માટે વર્ણ વ્યવસ્થાનો વિકલ્પ શું?

તો આપણે પાંચેક લેખમાં જાેયું કે પ્રાચીન ભારતની વર્ણવ્યવસ્થાનું વિજ્ઞાન અને તેનો આધાર શું હતો? કેવી રીતે વર્ણ આધારિત જાતિઓ અસ્તિત્વમાં આવી, અને કેવી રીતે ભારતીય સમાજની સજ્જડ કુટુંબ પ્રથાના કારણે વર્ણ અને જાતિ જન્મ આધારિત રૂઢિમાં પરિણમિત થઈ ગયા - તે આપણે જાણ્યું. ઇતિહાસના અવલોકન પરથી નિષ્કર્ષ એ નીકળે છે કે વર્ણ વ્યવસ્થાનો ટકરાવ કુટુંબ વ્યવસ્થાથી થવો સ્વાભાવિક હતો. અને એ ટકરાવમાં વ્યક્તિનો સ્વાર્થ, કુટુંબ પ્રત્યેની તેની માયા અને નિષ્ઠા એ વ્યવસ્થા પ્રત્યેની તેની નિષ્ઠા પર ભારે પડવી પણ સ્વાભાવિક હતી. એટલે જ તો રામાયણના કાળ સુધી ઠીકઠાક ચાલેલી કર્મ અને ગુણ આધારિત વર્ણ વ્યવસ્થા મહાભારતકાળમાં તેના સાચા સ્વરૂપ માટે સતત સંઘર્ષ કરતી નજરે પડે છે. એટલે જ ગીતામાં શ્રીકૃષ્ણને યાદ કરાવવું પડે છે કે તે વ્યવસ્થા બ્રહ્મ તત્વમાંથી નૈસર્ગિક રીતે જ ગુણ અને કર્મ આધારિત બની છે. છતાંય, એ કાળથી આજ સુધી વર્ણ વ્યવસ્થા જન્મથી હટીને પોતાને ગુણ આધારિત બચાવી રાખવા સંઘર્ષ કરતી જ દેખાઈ છે.

અને ઇતિહાસનો આ અનુભવ જ આપણને કહે છે કે વર્ણ વ્યવસ્થાને ચાહે ગમે તેટલી વાર ફરીથી ગુણ અને પ્રતિભા આધારિત ગોઠવવામાં આવે, તે આપણી કુટુંબ પ્રણાલિના કારણે ફરી ફરીને જન્મ આધારિત રૂઢિનું સ્વરૂપ લઇ જ લેશે. અને એ વાત હવે આપણે સ્વીકારી લેવાની છે કે વ્યક્તિના આત્માની ઉત્ક્રાંતિના કોઇ પડાવને કારણે તેનામાં રહેલી નિશ્ચિત પ્રકૃતિ અને પ્રતિભાનો ઉપયોગ સમાજ વ્યવસ્થા માટે કરવાનો આપણા પૂર્વજાેનો એ પ્રયોગ નિષ્ફળ ગયો છે. વ્યક્તિના આત્માની ઉત્ક્રાંતિ એક બ્રહ્મ ચેતનાથી જાેડાયેલી વસ્તુ છે, તે વિકસિત થતી રહે છે, વિકસવા માંગે છે. જ્યારે સમાજ અને રાજ્ય વ્યવસ્થા સાપેક્ષમાં ઘણી જડ વસ્તુ છે, રાજ્ય અને સમાજ નિયમો વડે તેને વર્ષો સુધી એવીને એવી જાળવી રાખવા પ્રયાસ કરે છે. વર્ણ રૂપે ચેતનાથી જાેડાયેલ એક તથ્યનું સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા જેવી જડ વસ્તુ સાથે જાેડાણ એક ભૂલ હતી. જ્યારે વિનમ્રભાવે આ સ્વીકારી લઈએ ત્યારે તરત જ આપણને ભવિષ્ય માટે નવી રચના ઊભી કરવાનો સાચો માર્ગ એજ પૂર્વજાે તરફથી મળી જાય છે.

પ્રાચીન ઋષિઓએ જ્યારે મનુષ્યના આત્માના પડાવ તરીકે વર્ણ જેવી વ્યક્તિગત વસ્તુને સમાજવ્યવસ્થા માટે ઉપયોગમાં લીધી, ત્યારે બદલામાં મનુષ્યને વ્યક્તિગત જીવનમાં ચાર લક્ષ્ય આપ્યા. એ લક્ષ્ય હતા અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. અર્થ એટલે કે આર્થિક સ્થિરતા, ધર્મ એટલે કે સૃષ્ટિના સત્ય પ્રત્યે પોતાના કર્તવ્યનું ર્નિવહન, કામ એટલે મનુષ્યમાં સ્ત્રી કે પુરુષ તરીકે રહેલી મૂળભૂત ઈચ્છાની અભિવ્યક્તિ, અને મોક્ષ અર્થાત્‌ આત્મજ્ઞાન રૂપે સત્યનો સાક્ષાત્કાર કરી જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ લઇ લેવી. ચારેય વર્ણના વ્યક્તિને તેના જીવનમાં આ ચાર લક્ષ્ય માટે પુરુષાર્થ કરવા કહેવાયું. બસ, એ પુરુષાર્થની રીત અલગ અલગ વર્ણ માટે તેની પ્રકૃતિ મુજબ અલગ હતી. આપણે સમાજ વ્યવસ્થામાંથી વર્ણને પાછા ખેંચી લઇ આ ચાર પુરુષાર્થને આધાર તરીકે સ્થાપવાના છે. અને એ ફેરબદલી માટે ઉપયોગમાં લેવાની છે એજ શિક્ષણ વ્યવસ્થાને જેને સાચી વર્ણવ્યવસ્થા માટે પણ ઉપયોગમાં લેવાતી હતી. એટલે કે સમાજ અને રાષ્ટ્રના તમામ કાર્યોને અને ક્ષેત્રોને અર્થ, ધર્મ, કામ અને મોક્ષ- એમ ચાર ભાગમાં વહેંચી દેવામાં આવે.

વ્યાપાર-વાણિજ્યના તમામ ક્ષેત્રો, ખેતી, પશુપાલન, ઉદ્યોગ, મેન્યુફેકચરિંગ જેવા વૈશ્ય વર્ણના તમામ વ્યવસાયને અર્થ ધ્યેયમાં લઇ લેવાના છે. તે સમાજ અને રાષ્ટ્ર માટે આર્થિક ઉપાર્જનનું કાર્ય કરે છે. રાષ્ટ્રની રક્ષાથી લઈને રાજ્ય વ્યવસ્થા ચલાવવાના દરેક કાર્ય અને વ્યવસાયને ધર્મ ધ્યેય અંતર્ગત લઇ લેવાના છે. તમામ સરકારી નોકરીઓ- એક સફાઈ કર્મચારી અને પટાવાળાથી લઈને ક્લાર્ક અને કલેકટર સુધીની- આ ધ્યેય-ક્ષેત્ર અંતર્ગત આવશે. રાજનેતા, પોલિટિકલ પાર્ટીઓ, સામાજિક અને રાજકીય કાર્ય કરતી સંસ્થાઓ વગેરે પણ આ ધ્યેય-ક્ષેત્ર અંતર્ગત આવશે. નાટ્ય, સંગીત, ચિત્ર, સાહિત્ય લેખન, કાવ્ય લેખન, શિલ્પ, ફિલ્મ ઉદ્યોગમાં જરૂરી કલાઓ અને અન્ય તમામ કલાઓ કામ ધ્યેય અંતર્ગત લઇ લેવાની છે. જ્યારે સૃષ્ટિ, બ્રહ્માંડ અને સંસારના સત્ય ખોજવાના તમામ વૈજ્ઞાનિક અને સંશોધનાત્મક કાર્ય મોક્ષ ધ્યેયમાં આવશે. ગણિત, ભૌતિક, ખગોળ, જીવ અને રસાયણ વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને તબીબી તેમજ ચિકિત્સા વિજ્ઞાનમાં સંશોધન અર્થે ચાલતા એકમો અને સંસ્થાઓ મોક્ષ ધ્યેય અંતર્ગત આવશે. જીનેટિકલ એન્જીનીયરીંગ, ઈસરો, ડીઆરડીઓ જેવી સંસ્થાઓ સાથે પ્રાચીન ભારતના યોગ, અધ્યાત્મ અને શાસ્ત્રોના અધ્યયન તેમજ સંશોધન અર્થે નવી સંસ્થાઓ ઊભી કરવામાં આવે અને તેને પણ મોક્ષ ધ્યેય-ક્ષેત્રમાં ગણવામાં આવે. જગતના અન્ય પંથોના અભ્યાસને પણ આ ધ્યેયમાં જાેડવામાં આવે. આ રીતે સાચા આત્મજ્ઞાની યોગીઓ અને પ્રાચીન શાસ્ત્રોના જાણકારોને વૈજ્ઞાનિકો સાથે એક ધ્યેય-ક્ષેત્રમાં જાેડી સંસારના સત્ય શોધવાના કાર્યને સર્વોચ્ચ માનવામાં આવે. આ પરિવર્તનથી સાચા સનાતની યોગીઓ, જ્ઞાનીઓ અને સંતો અને ધર્મ ક્ષેત્રના નહીં, પણ મોક્ષ ક્ષેત્રના વ્યક્તિ ગણાશે. અને તે એ બે શબ્દોના સાચા અર્થ સાથે સુસંગત છે.

આમ, ચાર પુરુષાર્થના ધ્યેયમાં તમામ ક્ષેત્રોને વહેંચી દઇ શાળામાં નવમા ધોરણ સુધીમાં આ ચારેય ધ્યેયની તેના ક્ષેત્રો સહિત માહિતી આપી દેવામાં આવે. અને દસમા ધોરણમાં પ્રત્યેક વિદ્યાર્થીને તેનું ધ્યેય-ક્ષેત્ર નક્કી કરી દેવાનું રાખવામાં આવે.

દસમા ધોરણથી જે વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં જવા માંગે છે તેને અર્થ ક્ષેત્રના વ્યવસાયોનું શિક્ષણ આપી બારમા પછી અર્થ ક્ષેત્રને લગતી કોલેજાે તરફ મોકલવામાં આવે. જે સંગીત, નૃત્ય, સાહિત્ય અને અન્ય કલા ક્ષેત્રે જવા માંગે છે તેને દસમા ધોરણથી જ કામ ધ્યેય અંતર્ગત આવતા કલા જગતના વિષયો ભણાવવામાં આવે, અને બારમા પછી તે વિષયોની યુનિવર્સિટીઓમાં મોકલવામાં આવે. આવું જ ધર્મ અને મોક્ષ ધ્યેય અંતર્ગત આવતા વિષયો માટે પણ દસમા ધોરણથી જ સ્નાતક અને અનુસ્નાતક સુધીની એક અલગ જ શાખા હોય. આમ, સમાજ અને રાજ્ય વ્યવસ્થાને અર્થ, ધર્મ, કામ અને મોક્ષના પુરુષાર્થ અંતર્ગત કાર્યોમાં વહેંચી દેવામાં આવે, અને કહી દેવામાં આવે કે વર્ણ દરેક વ્યક્તિનો વ્યક્તિગત વિષય છે, જેના સાથે રાજ્ય કે સમાજને કંઈ લેવા દેવા નથી.

વર્ણ દરેક વ્યક્તિને એ સમજવા માટે છે કે તેના આત્માની યાત્રા કયા પડાવે આવી છે, અને તે આગળ કયા પડાવો અને ગુણોથી પસાર થશે. તે દરેક વ્યક્તિને સત્યના આત્મ સાક્ષાત્કાર અને મુક્તિના લક્ષ્ય સુધીના માર્ગને વ્યક્તિગત રીતે સમજવા તેમજ સંચાલિત કરવા માટે છે.

આ નવીન વ્યવસ્થા સાથે શૂદ્ર શબ્દ સમાજ અને રાજ્ય વ્યવસ્થાથી દૂર થઈ જશે. કારણકે શ્રમનું કાર્ય કરવાવાળા પણ કાં તો ધર્મ ક્ષ્રેત્રે રાજ્યવ્યવસ્થા ચલાવતા હશે, કાં તો અર્થ ક્ષેત્રે વેપાર ચલાવતા હશે. શૂદ્ર કોઇ મનુષ્યની આત્મિક સ્થિતિ હોઈ શકે છે, પણ એ તેની વ્યક્તિગત વાત છે. સમાજ કે રાજ્ય કોઈનો વર્ણ ચિન્હિત કરવા કે સમજવા જવાના નથી. સમાજ અને રાજ્ય ચાર ધ્યેય અંતર્ગત ચાલે છે. જ્યારે મનુષ્યનું વ્યક્તિગત જીવન તેના વર્ણ આધારિત સ્વભાવ અને ગુણથી સંચાલિત થાય છે, જે આત્માની યાત્રા સાથે અભિવ્યક્તિની ઉત્ક્રાંતિ સાધતું રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution