રોબોટ્‌સને મગજ મળે તો!?

૨૦૧૫માં જાપાનમાં એક હોટેલ ખુલી હતી. હોટેલના નામનો અર્થ 'અજીબ હોટેલ' થતો હતો. આ હોટેલનું નામ હતું - હેન ના હોટેલ, જેમાં લોન્ચ સમયે ૨૪૩ રોબોટ કર્મચારીઓ હતા. આ રોબોટ્‌સ મહેમાનોને સીધા રિસેપ્શન પર મળતાં હતા! કેટલાકને ડાયનાસોરનું સ્વરૂપ પણ આપવામાં આવ્યું હતું! પણ થોડા દિવસો પછી એક સમાચાર આવ્યા હતા, લગભગ અડધા રોબોટને હોટલમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તેનો અર્થ એ હતો કે રોબોટે પણ આપણી જેમ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો! અલબત્ત, આ નોકરી ગુમાવવાનું કારણ પણ રસપ્રદ હતું! એવું કહેવાયું હતું કે કાઢી મુકવામાં આવેલા રોબોટ હોટલમાં આવતા મહેમાનોને સતત હેરાન કરી રહ્યાં હતા! એટલું જ નહીં અમુક રોબોટે તો એવી સળીઓ કરવાની શરુ કરી દીધી હતી કે બીજાના કામ વધારવા માંડ્યા હતા! આપણે રોબોટ્‌સને ફિલ્મોમાં આવું બધું કરતા જાેયા છે. ટર્મિનેટર રોબોટ પણ બંદૂક ચલાવીને દુનિયાને બચાવે છે, એવું જાેયું છે, પરંતુ વાસ્તવમાં આવાં રોબોટ્‌સ હજુ પણ કલ્પનાથી આગળ કંઈ નથી.

હવે એવી ખબર આવી છે કે, રોબોટ્‌સમાં પણ બુદ્ધિ ભરવાના પ્રયાસો ચાલી રહ્યં છે! એટલે કે રોબોટ્‌સ પણ માનવીની જેમ ત્વરિત ર્નિણય લઈ શકે એ માટે તેમને બુદ્ધિશાળી બનાવવા સાયન્ટિસ્ટ મહેનત કરી રહ્યા છે! એક પ્રયાસમાં લેબમાં બનેલા 'મગજ'ને રોબોટ સાથે જાેડવાના પ્રયોગ હાથ ધરાયો છે!

ચાલો સમજીએ કે આ આખો મામલો છે શું?

પહેલા એ સમજીએ કે લેબમાં 'મગજ' કેવી રીતે બનાવવામાં આવે છે? લેબમાં બનેલા ‘મગજ’ને મિની બ્રેઈન નામ આપવામાં આવ્યું છે. પહેલા આપણે ‘મિની બ્રેઈન’ વિશે સમજીએ. લગભગ એક દાયકા પહેલા ઓગસ્ટ ૨૦૧૩માં ધ ગાર્ડિયનમાં એક ન્યૂઝ પ્રસિદ્ધ થયાં હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ લેબમાં ટેસ્ટ ટ્યૂબની અંદર 'મગજ’ બનાવ્યું છે. અથવા કહી શકાય ટેસ્ટ ટ્યૂબમાં મગજ ગ્રો કર્યું છે. અલબત્ત, બટાકા અને શાકભાજી ઉગાડવા વિશે તો આપણે જાણીએ છીએ, પણ ‘મગજ’ને ઉગાડવું એટલે?

વાસ્તવમાં આ 'મગજ’ સ્ટેમ સેલની મદદથી ઉગાડવામાં આવ્યું હતું. સ્ટેમ સેલ કેટલાક મૂળભૂત કોષો છે, જે વિવિધ અવયવોના નિર્માણમાં મદદ કરે છે. તેનો અર્થ એ છે કે સ્ટેમ સેલમાંથી મગજના કોષો પણ બની શકે છે અને સ્નાયુઓ પણ.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ મોલેક્યુલર બાયોટેકનોલોજી, વિયેનાના વૈજ્ઞાનિકોએ પણ લેબમાં 'મગજ' બનાવવા માટે સ્ટેમ સેલની મદદ લીધી હતી. અલબત્ત, ગર્ભાશયમાં જેવી રીતે બાળકનો વિકાસ થાય છે તેવી સ્થિતિમાં મગજને લેબમાં રાખવામાં આવ્યું હતું. પોષણ વગેરે આપીને મગજના કોષો ઉગાડવામાં આવ્યા હતા. થોડા મહિના પછી એક નાનું બોલ જેવું અંગ રચાયું હતું! જેમાં શરૂઆતમાં મગજના જુદા જુદા ભાગો હતા.

અલબત્ત, આ મગજને ઉગાડતી વખતે એવા સવાલો પૂછાયા હતા કે તેનો ઉપયોગ શું? જવાબ મળ્યો હતો કે લેબમાં બનાવેલા મગજ પર ન્યૂરોને લગતી વિવિધ દવાઓનું પરીક્ષણ કરી શકાશે. તેનાથી માનસિક રોગોને સમજવામાં મદદ મળશે.

ધીરે ધીરે આ પ્રયોગ આગળ વધ્યો હતો. એ પછી મગજના વિકાસ પર સંશોધન શરૂ થયું હતું. ઓટીઝમ અને બ્રેઈન એટેક જેવા રોગોથી લઈને દવાઓના નુકસાન વગેરે બધું સમજવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

જાે કે, કુદરતે બનાવેલા મગજ ધરાવતા મનુષ્યો કાંઈ આટલેથી અટકે તેવા થોડાં છે!પછી લેબમાં બનેલા આ 'મગજ’નો નવો પ્રયોગ શરૂ થયો હતો. અને હવે પરિસ્થિતિ એ આવી છે કે હાલમાં જ ચીનમાં વૈજ્ઞાનિકોએ આવા જ એક મગજને રોબોટ સાથે જાેડવાનો પ્રયાસ કર્યો છે! આખો મામલો હવે માનવી વેર્સેસ રોબોટ્‌સનો થઈ ગયો છે!

રોબોટ્‌સમાં બ્રેઈન રોપવાની આ ઘટનાને સમજીએ. આને ન્યુરોબોટ્‌સ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર્સ આપણી સાથે દાયકાઓથી છે. બીજી તરફ, માનવીએ લેબમાં 'મગજ’ બનાવવાનું શરૂ કર્યું છે. સાથે જ આ બંનેને જાેડીને બાયો-કોમ્પ્યુટર બનાવવાની ઝુંબેશ પણ જૂની છે, જેમાં લેબમાં ઉગાડવામાં આવેલા 'મગજ’ને કોમ્પ્યુટર ચિપ સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આપણું મગજ લાખો ન્યુરોન્સ અથવા ચેતાઓનું બનેલું છે. તે આંખના પલકારામાં બધી ગણતરીઓ કરે છે, પરંતુ વૈજ્ઞાનિકો એ વાતથી ચોંકી ગયા છે કે આવું કરવા માટે તે માત્ર ૨૦ વોટ પાવર વાપરે છે. જ્યાં એક તરફ કમ્પ્યુટર દિવસ-રાત ભયંકર વીજળી વાપર્યા પછી ચાલે છે, જ્યારે આપણું મગજ ઊર્જાનો ખૂબ જ ઓછો અને સ્વચ્છ ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો કમ્પ્યુટર સાથે આવા કેટલાક પ્રયોગો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મતલબ કે, મગજની શક્તિઓને કમ્પ્યુટરમાં કેવી રીતે મૂકવી.

હાલમાં જ ચીનની તિયાનજિન યુનિવર્સિટીમાં કંઈક આવું જ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં લેબમાં બનાવેલા મિની બ્રેઈનને રોબોટમાં રોપવામાં આવ્યું હતું અને આ સાથે રોબોટને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે, આ મિની મગજ સંપૂર્ણપણે રોબોટને નિયંત્રિત કરતું નથી. તેને માનવ સહાયની જરૂર પડે છે. આમ છતાં તે પોતાની મેળે કેટલાક કામ કરી શકે છે.

સાયન્સ ફોકસ અનુસાર, મિની બ્રેઈનમાં કંઈક અંશે આપણા મગજની જેમ કામ કરવાની ક્ષમતા છે, પરંતુ તેને બહારથી કેટલાક માનવ ઈનપુટ આપવા પડે છે. જેના માટે એક ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ અંગે તિયાનજિન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રો. મિંગ ડાંગે જણાવ્યું હતું કે - તેમના મતે, આ સિસ્ટમ કમ્પ્યુટર ચિપની સાથે લેબમાં બનેલા 'મગજ’ની મદદથી રોબોટને નિયંત્રિત કરે છે. મિની મગજ ચિપ દ્વારા બહારના વાતાવરણ વિશે માહિતી મેળવે છે અને મિની બ્રેઈનમાંથી જનરેટ થતા સિગ્નલ રોબોટ સુધી પહોંચાડે છે. એટલે કે, કમ્પ્યુટર ચિપ મિની મગજ અને બાહ્ય વાતાવરણ વચ્ચેની કડીની જેમ કામ કરે છે.

આ ચાઈનીઝ રોબોટ માનવીની જેમ જાેઈ શકતો નથી. તેથી આ કામમાં મદદ કરવા માટે તેના 'મગજ’ને વિદ્યુત સંકેતો દ્વારા બાહ્ય માહિતી આપવામાં આવે છે. તો શું હવે રોબોટ પણ આપણી જેમ વિચારી શકશે? નિષ્ણાતો આ વિશે શું ચિંતા વ્યક્ત કરી રહ્યા છે? પોપ્યુલર મિકેનિક્સ અનુસાર, એલિસન મૌટ્રીએ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. મૌટ્રી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન્ડિગોમાં પ્રોફેસર છે. તેઓ લેબમાં ઉગાડવામાં આવેલા વટાણાના કદના મગજ પર સંશોધન કરી રહ્યા છે.

મૌટ્રીના જણાવ્યા મુજબ, વિજ્ઞાન ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું છે. હવે શક્ય છે કે આવા 'મિની મગજ' એક દિવસ સભાન થઈ જશે ત્યારે શું થશે, એટલું વિચારતાં જ કંપારી છૂટે છે! આમાં એક સમસ્યા એ પણ છે કે લેબમાં બનાવેલ મગજ શું અનુભવી રહ્યું છે તે કેવી રીતે જાણી શકીશું? આ અંગે અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીના સેન્ટર ફોર ન્યુરલ એન્જિનિયરિંગના પ્રોફેસર લૌરા કેબ્રેરા કહે છે - આપણે કોઈ હદ ઓળંગી રહ્યા છીએ કે કેમ? એ જાણતાં નથી. કારણ કે આપણે જાણતા નથી કે આવી કોઈ વસ્તુનું પરીક્ષણ કેવી રીતે કરવું?

આવા દિમાગ સભાન છે? શું તેઓ તેમના બહારના વાતાવરણથી વાકેફ છે? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે, જેમાં વિજ્ઞાનની સાથે ફિલોસોફી પણ સામેલ છે. જેમ કે આવા 'મિની બ્રેઈન' એક દિવસ માનવીની જેમ વિચારવા અને સમજવા માંડે તો? આ દુનિયામાં શું-શું થશે? તમે રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ્‌સ’ જાેઈ હતી ને? બસ, એવું વાસ્તવિક દુનિયામાં બને તો શું થાય? તમે આ વિશે શું વિચારો છો?

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution