દિલ્હી-
કોરોનાની પેન્ડેમિક સ્થિતિમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ચાલુ વર્ષે પરીક્ષાઓમાં ખાસ છુટછાટો આપી છે. સામાન્ય રીતે અત્યાર સુધી ગ્રેજ્યુએશન મેડિકલ રેગ્યુલેશન અંતર્ગત દરેક યુનિ.એ મેડિકલની ફાઈનલ પરીક્ષાઓમાં ફરજીયાત રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાં એક્ઝામિનર્સ બોલાવી નિમવાના હોય છે. પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય અને પારદર્શિતા રહે, એવો તેની પાછળનો હેતુ છે. અગાઉ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓમાં છુટ આપ્યા બાદ હવે લેવાનારી સ્નાતક કક્ષાની ફાઈનલ મેડિકલ પરીક્ષાઓને બાબતે પણ મેડિકલ કમિશનને છુટ આપતો સર્ક્યુલર આપ્યો છે.જે અંતર્ગત દરેક યુનિવર્સિટીઓ એ પરીક્ષામાં રાજ્ય બહારના જ એક્ઝામિનર્સ બોલાવવવા પ્રાથમિક આપવાની રહેશે.પરંતુ જો તે શક્ય ન બને તો જે તે યુનિવર્સિટી રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓમાંથી પરીક્ષકો બોલાવી શકશે અને પરીક્ષાઓ પૂર્ણ કરી શકશે.
હવે નવી જોગવાઈ મુજબ, રાજ્યની એક જ હેલ્થ કે મેડિકલ યુનિવર્સિટીના કેસમાં એક કોલેજ બીજી કોલેજમાંથી પરીક્ષકો બોલાવી શકશે. પરીક્ષકોએ ફરજીયાત પરીક્ષા સ્થળે ફિઝિકલી હાજર રહેવાનું રહેશે. આ ઉપરાંત એમબીબીએસની થીયરી પરીક્ષામાં ઉત્તરવહીઓનું મુલ્યાંકન સેન્ટ્રલ એસેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ જ કરવાનું રહેશે. મેડિકલ કમિશન દ્વારા ૨૦૧૯-૨૦માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની બેચથી લાગુ પડે તેમ આ છુટછાટો લાગુ કરી છે. યુનિવર્સિટીઓએ કેટલા એક્ઝામિનર્સની જરૃર પડશે તે પણ અગાઉથી ફિક્સ કરવાનું રહેશે. કોલેજ સંચાલકોએ આ બાબતનું સંપૂર્ણ આયોજન કરવાનુું રહેશે.