વરસાદ શું શીખવે?

ઘડીભરમાં કરી નાખે જરા ભીના જરા કોરા,

તમારું સ્મિત જાણે કે અષાઢી સાંજના ફોરા.

– જુગલ દરજી

બદલાતી ઋતુ અને સાથે બદલાતું મન... પ્રકૃતિમાં તરબોળ થઈ જવાની ઋતુ એટલે ચોમાસું. વાયરલ થતા મૅસેજ કે રિલ્સની જેમ યુવાપેઢીને આકર્ષતી અને હંમેશાં વધુને વધુ નજીક લઈ આવતી જાય તેવી ઋતુ એટલે ચોમાસું.

વરસાદનો છાંટાથી શરૂ થતો સ્પર્શ લથપથ ભીંજાવાની ક્ષણ સુધી લંબાઈ જાય અને સાથે સાથે એક ભીનું સંવેદન આખા વર્ષ માટે ગિફ્ટમાં આપતું જાય.

કાળઝાળ ગરમીથી ત્રસ્ત થઈ ગયેલા તનને અને મનને ઠંડક આપતી ઋતુ ચોમાસું જાણે આપણને નવડાવીને અલગ જ દુનિયામાં લઈ જાય છે! જ્યાં બસ તરસીને વરસવાનું છે. પ્રતીક્ષાનું મીઠું ફળ એટલે વરસાદ. પ્રકૃતિનું સૌથી સુંદર અને ધ્યાનાકર્ષક તત્ત્વ એટલે જ વરસાદી વાંછટ.

બાળપણમાં અજાણતાં જ લાગણીનાં બીજ ચોમાસાથી જ બાળકના હૃદયમાં રોપાઈ જતાં હોય છે, જે આગળ જતાં બાળકને પલળતાં અને ભીંજવતાં શીખવે છે. જેટલું ઔપચારિક શિક્ષણ મહત્ત્વનું છે તેટલું જ અનૌપચારિક શિક્ષણ એટલે કે જે આપોઆપ શીખવા મળે તે પણ જરૂરી છે.

પ્રથમ વરસાદનો અનુભવ નવો અહેસાસ આપે છે અને નવો અનુભવ હંમેશાં યાદ રહી જાય છે. દરેક વ્યક્તિનો પોતપોતાનો વરસાદ હોય છે અને આ વરસાદની પોતાની એક અલગ વાર્તા જ હોય છે જે વાર્તામાં તે અને વરસાદ બંને પાત્ર હોય છે.

શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે અને નવી નોટનું જેમ પાનું ઊઘડે એમ દરેક વર્ષે બાલ્યાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી આ વરસાદ આપણને કંઈક લખાવતો જ રહે છે. સૌથી પહેલો વરસાદ નિખાલસપણું અને બિન્દાસપણું શીખવે છે. જવાબદારી વિનાના બાળપણમાં જાે સો ટકા આનંદ મેળવતા શીખી જઈએ તો બાકીનું જીવન ડિપ્રેશન વિનાનું બનાવી શકાય છે. વરસાદમાં પલળવાની ઉત્કંઠા આળસ અને થાકને દૂર ભગાવી દે છે. નાનપણમાં જાે વરસાદના છાંટાઓના અવાજને મન ભરીને માણ્યા હોય તો કોઈપણ બાબત પર ધ્યાન દેવું કે એકાગ્ર થવું સરળ બની જાય છે. શાળાએ જવામાં આળસ કરતું બાળક વરસાદમાં ભીંજાવા શાળાએ જવા તૈયાર થઈ જાય છે તે જ એ બાબતની સાબિતી આપે છે કે જાે આપણે પ્રકૃતિ પાસેથી કંઈક મેળવવું હોય તો તેનામાં ભળી જવું પડે છે.

બાળપણમાં મિત્રો સાથે ભીંજાયેલી ક્ષણ જ તરુણાવસ્થા સુધી તે મૈત્રીને દોરી જાય છે. ઉંમરનો નવો તબક્કો અને ફરીથી કંઈક નવું શીખવી જવાની વરસાદની આદત. વરસાદમાં ભીંજાવાય તો ખરું પરંતુ લપસણી જગ્યા પર ધ્યાન દેવું પણ એટલું જ જરૂરી છે તે વાત વરસાદ તરુણાવસ્થામાં શીખવીને જાય છે. યુવાવસ્થાનો વરસાદ નવી સર્જનાત્મકતા આપીને જાય છે. પ્રિયજનનો અભાવ વરસાદ દૂર કરી દે છે. પ્રિયજન પાસે નથી પરંતુ તે હોય તો શું અનુભવી શકાય તે કલ્પના વરસાદનું રોમાંચિત કરી દેનારું વાતાવરણ શીખવીને જાય છે. મોંઘીદાટ કારમાં ફરવાના આનંદ કરતાં ચાલુ વરસાદે રસ્તા પર સાથે ભીંજાવાનો આનંદ સંસ્મરણ બની રહે છે.

રિમઝિમ ગીરે સાવન સુલગ સુલગ જાયે મન

ભીગે આજ ઇસ મૌસમ મેં લગી કૈસી યે અગન.

વરસાદની ભીનાશ પ્રેમીઓને કુમળાં પડતાં શીખવાડે છે. તરબતર થઈ જવાની ક્ષણ સ્વીકૃતિને શીખવે છે. પ્રિયજનની પ્રશંસા કરવાનું મન થઈ જાય તેવું ઉદ્દિપક વાતાવરણ વરસાદ લાવે છે.

એકધારા વરસાદ પછી ખીલી ઊઠતી માટીની મહેક સ્થિરતા શીખવે છે. જવાબદારીઓમાંથી થોડોક વખત વિરામ લઈ પોતાના પ્રિયપાત્ર સાથે એક ગરમ ચા પીવી તે પણ એક લહાવો છે તે વિચારવાની ફુરસદ કદાચ અનાયાસે વરસાદના કારણે પડેલી રજા જ શીખવી શકે છે. વરસાદમાં કોરા રહેવાની મથામણ મૂકી દેવી જાેઈએ. જીવન પૂર્ણ કરવાના સંઘર્ષમાં ક્યાંક આપણે આપણાં ભીનાં સંવેદનો સાચવતાં પ્રિય પાત્રને ભૂલી તો નથી જતાં ને? વરસાદની જેમ જ આપણી હાજરી માત્રથી પ્રિયપાત્રના મુખ પર સ્મિત આવી જાય છે તે આપણા માટે તો વરસાદ જેવો જ આનંદ છે. તે વાતનો અહેસાસ આપણા પ્રિયપાત્રને પણ કરાવતાં રહેવો જાેઈએ.

તો ચાલ પહેલાં તરસીએ પોતાના વરસાદ માટે,

અને પછી ભીંજાઈએ એકબીજાના વરસાદે

ખરું ને?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution