આયુર્વેદ માસિક સ્ત્રાવ વિશે શું કહે છે?

લેખકઃ વૈદ્ય પૂજા વિહારીયા | 


આજે ૨૮ મે - સમગ્ર વિશ્વ  (વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ) ઉજવી રહ્યું છે, ત્યારે એ જાણવું ખૂબ અગત્યનું બની રહે છે કે આયુર્વેદ માસિક સ્ત્રાવ વિશે શું કહે છે.

સમાન્ય રીતે માસિકના દિવસો ૨૮ હોય અને મોટા ભાગે ૫ દિવસ આવતું હોય છે, આથી ૨૮ - ૫ એટલે કે ૨૮ મેને મેન્સ્ટુઅલ હાઇજિન ડે તરીકે ઉજવવામાં આવે છે. માસિક ચક્રનો સામાન્ય સમયગાળો ૨૮- ૩૦ દિવસનો અને આવે ત્યારે ૫-૭ દિવસ આવે તે નોર્મલ કહેવાય.માસિક સ્ત્રાવ શરૂ થવાનો સમય ૧૧-૧૭ વર્ષ સુધી થઈ શકે. આમાં કઈ ફેરફાર હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.

આયુર્વેદમાં હજારો વર્ષો પહેલા પણ આપણા ઋષિ મુનિઓએ વૈજ્ઞાનિક રીતે માસિક સ્ત્રાવ દરમિયાન શું કરવું અને શું ના કરવું તેના વિશેની વિસ્તૃત માહિતી આપેલી છે તે આ જ રજઃ સ્વલા પરિચર્યા.

આમ તો આજકાલ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે સ્ત્રીઓને આ વિશે સમજાવવું ખુબ અઘરું છે, પરંતુ દરેકે આત્મ મંથન કરીને વિચારવું કે કોઈ પણ એવી રૂઢિ કે જૂનવાણી વિચારો જે આપણે આસપાસ સાંભળીએ છીયે અથવા અનુભવીએ છીયે તેની પાછળ ખરેખર કોઈ વૈજ્ઞાનિક તથ્ય હોય તો તેને અનુસરવામાં કોઈ વાંધો ના હોવો જાેઈએ સિવાય કે તે આપણને નુકસાન ના કરતું હોવું જાેઈએ. કારણ કે દરેક કન્યા આવતીકાલની માતા છે અને સમાજનું નિર્માણ કાર્ય તેના હાથમાં છે, જેથી જાગૃત રહેવું ખૂબ જરૂરી છે.

પહેલાના સમયમાં રજઃ સ્વલા સ્ત્રીની જે કઈ મનાઈ હતી તેનું કારણ એ છે કે તે સમયમાં સંયુક્ત કુંટુંબ પ્રથા હતી, જેથી તેને ઘરના બધા સભ્યોની રસોઈ, ઉપરાંત પતિને શારીરિક રીતે ખુશ રાખવા ફરજ ગણાતી હતી. તેથી આ બાબતોને ધર્મ સાથે જાેડીને સરળતાથી મનાવી શકાય અને સ્ત્રીને આ દિવસોમાં સંપૂર્ણ આરામ મળી રહે તે જાેવામાં આવતું હતું.

આયુર્વેદમાં રજઃ સ્વલા પરિચર્યા અંતર્ગત જે કઈ વર્ણન આપેલું છે તે ખૂબ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપેલું છે, માસિક સ્ત્રાવ શરૂ થવો એ સ્ત્રીના જીવનની સૌથી મહત્વની ઘટના છે પરંતુ મોટા ભાગની તરૂણીઓને આ વિશે ખ્યાલ જ હોતો નથી તેથી આ કોઈ અકસ્માત સ્વરૂપે સામે આવે છે અને જીવનભર તેના વિશે અજ્ઞાનતા જ રહે છે.

માસિક સ્ત્રાવ દરમિયાન શું કરવું? સૌથી પહેલા તો એ સમજવું પડે કે માસિક એ કુદરતી પ્રક્રિયા છે અને તે આવે એ ખૂબ નોર્મલ છે - કુદરતી સફાઈની પ્રક્રિયા છે.

આયુર્વેદ મુજબ આ દિવસોમાં અગ્નિ એટલે કે ખોરાક પચાવવાની આપણી ક્ષમતા ઓછી થઈ જાય છે તેથી આ દિવસોમાં ખુબ સાદું ભોજન લેવું જાેઈએ. દૂધ અને લાલ ચોખા (જેને હવિષ્ય અન્ન પણ કહે છે ) ને ઘી માં પકવીને પોતાની હથેળી માં સમાય તેટલું ખાવું જાેઈએ.

દર્ભ નામનું એક વિશેષ પ્રકારનું ઘાસ છે તેનું આસન (દર્ભાસન )બનાવીને તેના પર સૂવું જાેઈએ.દર્ભની પ્રકૃતિ એવી હોય છે કે તે ગર્ભાશયના બધાજ કચરા ને બહાર કાઢી નાખે છે એટલે પેઢું માં દુખાવો થતો નથી અને માસિક સરળતાથી આવી જાય છે. સારા વિચારો કરવા

માસિક સ્ત્રાવ દરમિયાન શું ના કરવું?

દિવાસ્વપ્ન એટલે કે દિવસે સૂવું નહીં. જેનાથી રક્ત વધુ દૂષિત થાય અને કફ બગડે છે જેથી ભૂખ સાવ ઓછી લાગે છે. જમવામાં ખૂબ સાદું ભોજન લેવું બહારનું કોઈ પણ ફૂડ ખાસ કરીને જંકફૂડ આ દિવસોમાં ના લેવું. સંભોગ ક્રિયા ના કરવી, જેનાથી વાયુ વધે છે અને ચેપ પણ લાગવાની શક્યતા રહે છે. કોઈ પણ પ્રકારનું પંચકર્મ ના કરવું. વધુ પડતું હસવું, રડવું, બોલવું, કોઈ પણ પ્રકારની કસરત કરવી, આંખમાં કાજલ લગાવવું વગેરેથી વાયુનો પ્રકોપ થાય છે, જેથી માસિક સારી રીતે આવતું નથી. નદી તળાવ કે જાહેર ખુલ્લા પાણીમાં સ્નાન ના કરવું.

આ સિવાય માસિક સ્ત્રાવ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

માસિક ધર્મ વખતે યોનિ ભાગની સ્વછતા જાળવવી, સેનેટરી પેડનો ઉપયોગ સમજણપૂર્વક કરવો, જાે પેડ ભરાયું ના હોય તો પણ દર ૪-૬ કલાકે બદલવું. તેને જ્યાં ત્યાં ના ફેકતા યોગ્ય નિકાલ કરવો, મેન્સ્ટુઅલ કપ વાપરવો હોય તો ખૂબ સ્વછતાથી અને પૂરતું જ્ઞાન મેળવીને વાપરવો, સાદું સાફ કપડું પણ ધોઈને વાપરી જ શકાય, પણ તેને યોગ્ય રીતે જંતુ મુક્ત આવશ્ય કરવું.

દરેક ટીન એજ દીકરીઓને માસિકની સંપૂર્ણ માહિતી જરૂર આપવી જેથી પહેલી વાર માસિક આવે ત્યારે તે ગભરાય નહીં અને આત્મ વિશ્વાસ જળવાઈ રહે, માનસિક સ્વાસ્થ્ય જળવાય તેની કાળજી લેવી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution