મુંબઇ-
રાજ્યની લોકસંખ્યા, કોરોનાના એક્ટિવ કેસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોવિડ-૧૯ની વેક્સિન ફાળવવા માટે ધોરણ નક્કી કરવામાં આવે, એવી દરખાસ્ત મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટાપેએ કેન્દ્ર સરકારને કરી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો અનેક રાજ્યો જ્યાં લોકસંખ્યા અને કોરોનાના દર્દીઓ પ્રમાણે મહારાષ્ટ્ર કરતા નાના છે, ત્યાં વેક્સિનના વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ૩.૫ કરોડ ડોઝમાંથી કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને સાત લાખ ડોઝ આપવામાં આવ્યા હતા અને બહુ અરજી કર્યા બાદ વધારાના ૧૦ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યની લોકસંખ્યા, એક્ટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને વેક્સિનના ડોઝ ફાળવવા જાેઇએ, જ્યારે કે અનેક રાજ્યોમાં કોરોનાના દર્દી ઓછા છે તથા લોકસંખ્યા પણ ઓછી છે ત્યાં વધુ ડોઝ આપવામાં આવ્યા છે, એમ ટોપેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.
મહારાષ્ટ્રની વસતી ૧૨ કરોડ કરતા વધુ છે અને દેશના કોરોનાના કુલ કેસના ૬૦ ટકા કેસ મહારાષ્ટ્રમાં છે. કેસમાં વધારો થયો છે, કારણ કે ટેસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવી છે, એમ ટોપેએ કહ્યું હતું.
રાજ્યમાં વેક્સિનના ડોઝ આપવાની ક્ષમતા રોજના છ લાખ સુધી વધારવામાં આવી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
‘રાજ્યમાં રોજના છ લાખ લોકોને વેક્સિન આપવામાં આવે છે. અઠવાડિયામાં ૪૦ લાખ લોકોને અને મહિનામાં ૧.૬ કરોડ લોકોને વેક્સિન આપી શકાય છે. આ પ્રમાણે વેક્સિનની જરૂર છે. હાલમાં વેક્સિનના આઠ લાખ ડોઝ ઉપલબ્ધ છે અને અમને કહેવામાં આવ્યું છે કે રોજના ચાર લાખ ડોઝ અમને મળશે. વેક્સિનનો પુરવઠો રોજ પૂરો પાડવામાં આવશે તો અન્ય રાજ્યમાં કેવી રીતે સમયસર વેક્સિન પહોંચાડી શકાશે?’, એમ તેમણે કહ્યું હતું.
મુંબઈમાં ૭૦ વેક્સિન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે તથા મહારાષ્ટ્રમાં સાંગલી, સાતારા, પનવેલ જેવા શહેરોમાં પણ વેક્સિનની અછત છે. વેક્સિન સેન્ટરમાં આવનારા લોકો પાછા ઘરે જઇ રહ્યા છે. રાજ્યમાં વેસ્ટેજ વેક્સિનનું પ્રમાણ ફક્ત ત્રણ ટકા જ છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.