પોર્ટ સ્પેન:વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેનોન ગેબ્રિયલએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ૨૦૧૨માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ગેબ્રિયલે ૫૯ ટેસ્ટ, ૨૫ વન ડે અને બે ટી-૨૦માં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું અને આ સમયગાળા દરમિયાન તેના નામે ૨૦૨ આંતરરાષ્ટ્રીય વિકેટ છે. ગેબ્રિયેલે બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું, ‘છેલ્લા ૧૨ વર્ષથી મેં મારી જાતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સમર્પિત કરી છે અને આ સમયગાળા દરમિયાન ઉચ્ચ સ્તર પર ક્રિકેટ રમવું મારા માટે શ્રેષ્ઠ બાબત હતી. મારી મનપસંદ રમતમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવાનો મને ઘણો આનંદ છે. પરંતુ જેમ કહેવામાં આવે છે કે બધું જ સમાપ્ત થઈ જાય છે, તેથી આજે હું પણ મારી કારકિર્દીમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. જેમણે આ સમયગાળા દરમિયાન મને દરેક પગલા પર સાથ આપ્યો. આ ઉપરાંત હું ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ, મારા કોચ અને તમામ સ્ટાફનો પણ આભારી છું. વર્ષોથી મને સાથ આપનાર લોકોનું યોગદાન હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. અંતે, હું મારા સહકર્મીઓનો પણ આભાર માનું છું જેઓ દરેક ક્ષણે મારી સાથે હતા અને મારી યાત્રાને યાદગાર બનાવી હતી. હું એ પણ કહેવા માંગુ છું કે આગળ જતા હું મારા દેશ (ત્રિનિદાદ અને ટોબેગો), ક્લબ અને વિશ્વભરની ફ્રેન્ચાઇઝી ટીમો માટે એ જ પ્રેમ અને સમર્પણ સાથે રમવાનું ચાલુ રાખીશ જે મને મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મળી છે.’ ગેબ્રિયલ ઘણીવાર ર્નિજીવ પીચો પર પણ ખૂબ અસરકારક હતો. તેના નામે વેસ્ટ ઈન્ડિઝ માટે ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે શ્રીલંકા સામે ઘરની ધરતી પર રમાયેલી ટેસ્ટ મેચમાં ૧૨૧ રન આપીને ૧૩ વિકેટ લીધી હતી.