નવી દિલ્હી : T20 વર્લ્ડકપ 2024માં રવિવારે વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડાને ખરાબ રીતે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યુગાન્ડાની આખી ટીમ 12 ઓવરમાં 39 રનમાં સમેટાઈ ગઈ હતી. અને વેસ્ટ ઈન્ડિઝે આ સતત બીજી જીત હાંસલ કરી છે. વેસ્ટ ઈન્ડિઝના આ સ્કોરમાં લગભગ તમામ બેટ્સમેનોએ યોગદાન આપ્યું હતું. જોન્સન ચાર્લ્સે સારી ઇનિંગ રમી અને 42 બોલમાં 44 રન બનાવ્યા. આ સિવાય નિકોલસ પુરને 17 બોલમાં 17 રન બનાવ્યા હતા. કેપ્ટન રોમેન પોવેલે 18 બોલમાં 23 રન બનાવ્યા હતા. જ્યારે શેરફાન રધરફોર્ડે 16 બોલમાં 22 રન અને આન્દ્રે રસેલે 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. યુગાન્ડા માટે બ્રાયન મસાબાએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. ટીમના એક બેટ્સમેનને બાદ કરતાં કોઈ બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યો નહોતો. જુમા મિયાગીએ સૌથી વધુ અણનમ 13 રન બનાવ્યા હતા. યુગાન્ડાને બીજા જ બોલ પર મોટો ફટકો પડ્યો જ્યારે રોજર મુસાકા LBW આઉટ થયો. તે પછી એક પછી એક બેટ્સમેન આઉટ થયા અને આખી ટીમ પત્તાની જેમ ધોવાઈ ગઈ કેરેબિયન બોલર અકીલ હુસૈને શાનદાર પ્રદર્શન કરીને ટીમને મોટી જીત અપાવી. હુસૈને 4 ઓવરમાં 2.75ની ઈકોનોમી પર 11 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેણે રોજર મુકાશ, અલ્પેશ રાજમાની, કેનેથ વૈસાવા, રિયાઝત અલી શાહ અને ડેનિશ નાકરાણીની વિકેટ લીધી હતી. આ સિવાય ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફે 3 ઓવરમાં 6 રન આપીને 2 વિકેટ લીધી હતી. અકીલ હુસૈનને તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.