વેલકમ પૂર્ણિમાઃ થોડી મર્યાદાઓ છતાં પણ જાેવા જેવી ફિલ્મ

એકાદ વર્ષ પહેલાં રિલીઝ થયેલ ફિલ્મ ‘વેલકમ પૂર્ણિમા’એ બોક્સઓફિસ પર બહુ મોટો પ્રતિસાદ મેળવ્યો નહોતો, પણ નવાં કથાનક અને વિષયવસ્તુને કારણે ચર્ચામાં જરૂર રહી હતી. હાલમાં આ ફિલ્મ મોબાઈલ એપ્લિકેશન ‘જાેજાે’ પર રજૂ થઈ છે. આ હોરર કોમેડી ફિલ્મ બે અંતિમો પર ચાલતી હોય તેવી લાગે છે. ફિલ્મનો પહેલો ભાગ ‘મગજની કઢી’ કરી નાંખનારો..! તો બીજાે ભાગ તમામ પ્રકારના કળારસમાં ઝબોળનારો,મઝા કરાવનારો. હા, પહેલાં ભાગમાં હિતેનકુમાર જાેવા જરૂર ગમે. બીજા ભાગમાં તેમનો રોલ ઝાઝો નથી, પણ કળાકારોનો સમૂહ તમને મોજ જરૂર કરાવે છે.

હિંમતલાલ અંધારિયા(હિતેનકુમાર) મેરેજ બ્યુરો ચલાવે છે, જેણે એક હજારથી વધુ યુગલોના લગ્ન કરાવ્યા છે. પણ ઘરમાં..? ગામમાં ઈજ્જતદાર હિંમતલાલની કિંમત ઘરમાં કોડીની પણ નથી..! હજારોના લગ્ન કરાવનારનો ત્રીસેક વર્ષનો દીકરો યુગ(હેમ સેવક) કુંવારો છે. યુગ નવલકથાકાર છે. તેના માટે પ્રેરણાની શોધમાં જૂની પુરાણી જગ્યાએ ભટકે છે. શું હિંમતલાલ દીકરા યુગ માટે યોગ્ય મેચ શોધવામાં અસફળ રહ્યા છે..? કે કારણ કંઈક બીજું છે..? બીજી તરફ કુંવારી દીકરીને પૈણ ચઢ્યું છે. દીકરી પ્રિયા(જહાન્વી ગુરનાની) લગ્ન કરવા આતુર છે. પણ, ઘરમાં મોટો ભાઈ કુંવારો હોય તો નાની બહેનના લગ્ન કેવી રીતે કરાય..? તેની બહેનપણી કથા(માનસી રચ્છ) યુગને ચાહે છે, અને તેની સાથે લગ્ન કરવા કંઈ પણ કરવા તૈયાર છે..! અંતે યુગ લગ્નની અનિચ્છા છતાં, પરિવારને ખુશ કરવા અને પિતાની વ્યવસાયી વિશ્વસનીયતાને જાળવી રાખવા પરણે. પણ કોને..?

ફિલ્મના પહેલાં ભાગમાં આવી કંટાળાજનક અને કોમેડીના નામે ફારસરૂપ લાગતી રજૂઆત દેખાય. ચાલિસ-પચાસ ટુકડા જાેડીને ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરાતો હોય તેમ લાગે. ફિલ્મમાં પાત્રોની ઓળખ અને કથામાં તેમના મહત્વની વાત શરૂઆતમાં કરાતી હોય છે, પણ ત્રીસેક મિનિટ સુધી તો એવાં ગોટાળા કે બધાં જ ગોટાળે ચઢેલાં લાગે..! અને પછીય આ ઘટનાક્રમ સુધરવાનું નામ ન લે. આ બધાં માટે જવાબદાર કોણ..? દિગ્દર્શક રિશિલ જાેશી અને લેખક વિભાગ. વાર્તા ચેતન દૈયાની છે, પણ પટકથાકાર વધુ જવાબદાર ભાસે છે. નકામી વાત અને નકામા દ્રશ્યો માટે. પહેલાં આખા ભાગમાં જાેવું ગમે તો હિંમતલાલ અંધારિયા(હિતેનકુમાર)નો અભિનય. સહજ, સરળ અને રસાળ. હીરો હેમ સેવક કદાચ નિર્માતા(ભરત સેવક)નો દીકરો કે કોઈ સંબંધી છે. પહેલાં ભાગમાં એ નબળાઈ ઉડીને આંખે વળગે છે. સપાટ ચહેરો અને બિનજરૂરી તણાવ હીરોના ચહેરા પર કેમ..?

ફિલ્મમાં કથાની કથા પણ અનોખી છે. કથા યુગને પ્રેમ કરે છે, પણ તેનો પ્રેમ હોન્ટેડ જગ્યાઓ અને હોરર શો માટે પણ એટલો જ છે. તેને તો એકવાર ભૂતને મળવું છે..! માનસી રાચ્છ આ પાત્રમાં જામે છે. જાે કે ગામડાના વાતાવરણમાં તેની મુંબઈયા અને શિષ્ટ ગુજરાતી બહુ ખૂંચે છે. અનેક જગ્યાએ વ્યાકરણ પણ ગરબડાય છે. જાે કે ફિલ્મના ઘણાં પાત્રો આવું જ ગુજરાતી બોલે છે..? કેમ..? આ ફિલ્મનો બેકડ્રોપ તો ગુજરાતનું કોઈ ગામડું છે, તો પછી ભાષા આવી કેમ..? બિંદા રાવલ, હેમ સેવક અને જ્હાનવી ગુરનાની પહેલાં ભાગમાં ભાષાની દ્ર્‌ષ્ટિએ બહુ નબળાં અને મોળા લાગે છે. ફિલ્મમાં પહેલો મોટો વળાંક અને ટિવસ્ટ મધ્યાંતર પહેલાં એટલે કે ફિલ્મ શરૂ થયાના લગભગ એક કલાક પછી. ત્યારે જ્યારે યુગ અચાનક પરણી તેની પત્નીને લઈને ઘેર આવે. મા, બાપ, બહેન અને મિત્ર ચકડોળે ચઢે..! કેમ..? કારણ કે નવવધુનો અવાજ સંભળાતો નથી..! નવવધુ દેખાતી નથી. માત્ર અનુભવાય છે. તે પણ ડરાવણી દુલ્હનની જેમ..! કેમ..?

બીજાે ભાગ મસ્ત છે. જબરદસ્ત છે. કમાલ છે. ધમાલ છે. અને બબાલ પણ છે. ભૂતપ્રેતમાં રસ ધરાવતી કથા, તેમાં આવતાં ટર્ન એન્ડ ટિ્‌વસ્ટ અને પહેલાં ભાગમાં નબળા ભાસતા કળાકારોમાં દેખાતો ૩૬૦ ડિગ્રીનો ફેરફાર. કથાનક પણ જબરો વળાંક લે. પહેલાં ભાગમાં કંટાળાજનક લાગતી ફિલ્મ અચાનક જાેરદાર લાગવા માંડે. યુગ જે અદીઠ અને અકળ આત્માને પરણીને લાવ્યો છે તેની સચ્ચાઈ ક્રમશઃ બહાર આવવા લાગે. નવા પાત્રો ઉમેરાય. નવા સ્ટોરીટ્રેક ઉમેરાય. અને ઉમેરાય તદ્દ્‌ન નવો અને સશક્ત ઘટનાક્રમ. આ બધાંનો આત્મા સાથે સામનો થાય ત્યારે ફિલ્મમાં કેવો વળાંક આવે..?

મારા મતે ફિલ્મનું સૌથી મોટું અને મજબૂત પાસું ફિલ્મનો સેટ-અપ, સંગીત અને સંકલન છે. ફિલ્માંકન બહુ સરસ છે. ફિલ્મમાં બધું ચમકદાર દેખાડવા લાઈટિંગનો બિનજરૂરી ઉપયોગ આ ફિલ્મમાં જરાય નથી કરાયો. પરિણામે ફિલ્મ વિઝ્‌યુઅલી બહુ સહજ અને જાેવી ગમે તેવી લાગે છે. ફિલ્મની વિષયવસ્તુ પ્રમાણેનું વાતાવરણ ઉભું કરવામાં નિર્દેશક સફળ રહ્યાં છે. લગભગ આખી ફિલ્મ લાઈવ લોકેશન પર શૂટ કરવામાં આવી છે. અને આ લોકેશન એટલું સહજ અને કથાનુરૂપ લાગે છે કે એ ફિલ્મની હાઈલાઈટ બને છે. જાે પટકથા, ખાસ કરીને પહેલા હાફ(ઈન્ટરવલ પહેલાં)ની સશક્ત બનાવી હોત અને દ્રશ્યોના ટુકડા જાેડી પહેલો ભાગ ન બનાવ્યો હોત તો પરિણામ જુદુ મળત.

ખૈર, બીબાઢાળ વિષય અને ઓવર એકટિંગવાળી ફિલ્મોની સિરીઝ વચ્ચે ફિલ્મ ‘વેલકમ પૂર્ણિમા’ નોંખી ભાત જરૂર ઉપસાવે છે. મહદ્દ અંશે બધાં કળાકારોનો અભિનય પણ બેલેન્સ લાગે છે. હા, હિતેનકુમાર, માનસી રચ્છ અને નાનકડા રોલમાં ચેતન દૈયા, ચેતન ધાનાની અને હીના જયકિશન પ્રભાવક લાગે છે. બિંદા રાવલ અને હેમ સેવક પાસે બહુ સારી આશા રાખી શકાઈ નથી. હેમની તો કદાચ આ પહેલી ફિલ્મ છે, પણ બિંદા રાવલ..? બધી જ ફિલ્મોમાં એકસરખો જ અભિનય..! કેમ..? ઘરમાં પણ લગ્નમાં જવા જેવી ફૂલગુલાબી ચમકતી સાડી..! શા માટે..?

ટૂંકમાં નવી ઘરેડની અને જુદા વિષયવસ્તુ સાથેની ફિલ્મ જાેવાનો સમય હોય અને શરૂઆતનો એકાદ કલાક મગજને શાંત રાખી શકતા હોવ તો ‘વેલકમ પૂર્ણિમા’ તમને ખરેખર જાેવી ગમશે. ફિલ્મની થોડી મર્યાદાઓ અવગણીને પણ આ ફિલ્મ જાેવા જેવી તો છે જ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution