અનામતમાં ૫૦ટકાની લિમિટ દૂર કરીશું
જરૂરિયાત પ્રમાણે રિઝર્વેશન મળશેઃરાહુલ
રતલામ
આ વખતની ચૂંટણીમાં બંધારણ અને અનામતના મુદ્દા છવાયેલા છે ત્યારે રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભામાં જાહેરાત કરી છે કે અનામત માટે સુપ્રીમ કોર્ટે ૫૦ ટકાની લિમિટ નક્કી કરી છે તેને અમે દૂર કરીશું. રાહુલે કહ્યું કે સમુદાયોને જે મુજબ અનામતની જરૂરિયાત હશે તે પ્રમાણે અનામત આપીશું. મધ્ય પ્રદેશમાં રતલામ ખાતે એક ચૂંટણી સભાને સંબોધીને રાહુલ ગાંધીએ આ જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો કે આ લોકસભાની ચૂંટણી બંધારણને બચાવવા માટે લડાઈ રહી છે.
દેશમાં જાતિ આધારિત અનામત માટે સુપ્રીમ કોર્ટે ૫૦ ટકાની મર્યાદા નક્કી કરી છે અને તેનાથી વધારે અનામત આપી શકાય તેમ નથી. પરંતુ રાહુલ ગાંધીએ આ મર્યાદાને દૂર કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે દલિતો, પછાત વર્ગ અને આદિવાસી સમુદાયોના લાભ માટે અનામતનો ક્વોટા વધારવામાં આવશે. બંધારણની નકલ પોતાના હાથમાં પકડીને તેમણે કહ્યું કે આરએસએસ અને ભાજપ આ દેશના સંવિધાનને ખતમ કરવા માગે છે, તેને બદલવા માગે છે. જ્યારે કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોક તેને બચાવવા માટે પ્રયાસ કરે છે. આ બંધારણે તમને જળ, જંગલ અને જમીનનો અધિકાર આપ્યો છે. નરેન્દ્ર મોદી તેને દૂર કરવા માગે છે. તેમને સંપૂર્ણ સત્તા જાેઈએ છે.તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ જાહેરાત કરી છે કે તેઓ ચૂંટણી જીતી જશે તો દેશનું બંધારણ બદલી નાખશે. તેથી તેમણે ૪૦૦ સીટનું સ્લોગન આપ્યું છે. પરંતુ ૪૦૦ તો ભૂલી જાવ તેમને ૧૫૦ સીટ પણ નહીં મળે.