વડોદરા સહિત મધ્ય ગુજરાત વીજ કંપની હેઠળ આવતા સાત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી સ્માર્ટ મીટરના વિરોધનું વંટોળ વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. ગઈકાલે પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હોય સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હંગામી બંધ કરવામાં આવી હોવાની જાહેરાત બાદ આજે પણ શહેરના ફતેગંજ વિસ્તારમાં ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર પાછા આપવા માગ કરી હતી.
શહેરના ફતેગંજ સદર બજારમાં ધોબી શેરીના રહિશોએ આજે જુના મીટર પાછા આપવાની માગ સાથે વિરોધ કર્યો હતો. ગ્રાહકો દ્વારા જૂના મીટર પાછા આપો, ચીટર મીટર નહીં જાેઈએના નારા લગાવ્યા હતા. ગ્રાહકોએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરમાં દર બે દિવસે રૂ. ૫૦૦નું રિચાર્જ કરવું પડી રહ્યું છે. શું તે રૂપિયા સરકાર આપશે. વીજ કંપનીમાં બે-બે વાર અરજી કરી તેમ છતાં કોઈ જવાબ મળતો નથી. જેની પાસે સ્માર્ટ ફોન નથી ત્યારે સ્માર્ટ મીટરનું શું કરીશું. સ્માર્ટ સિટીના નામે છેતરતી સરકાર હવે, સ્માર્ટ મીટરના નામે છેતરી રહી છે.
આ અંગે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અમારા ઘરે બળજબરી સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. જે હટાવવા માટે અમે બે-બે વખત અરજી કરી છે તેમ છતાં કોઈ જવાબ આપવું નથી. દર બે દિવસે રિચાર્જ કરવું પડે છે. બે મહિને જેટલું બિલ આવતું હતું તેટલું રિચાર્જ તો એક સપ્તાહમાં જ થઇ જાય છે. મીટર લગાવતા વખત એવું કહે છે કે, સ્માર્ટ મીટરમાં લાઇટ નહી જાય. પરંતુ ગઈકાલે અમારા વિસ્તારમાં સાંજે વીજ પુરવઠો ખોરવાયો હતો જે રાતે ત્રણ વાગ્યે પાછો આવ્યો હતો. તો તેના માટે જવાબદાર કોણ?
અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં તો સ્માર્ટ ફોન જ નથી તો રિચાર્જ કરી રીતે કરવું અને એપ્લિકેશન ડાઉનલોડ ક્યાં કરવી તે જ પ્રશ્ન છે. પહેલા બે મહિનાનું બિલ રૂ. ૮૦૦ આવતું હતું. તે ભરવા માટે પણ ૧૦ દિવસનો સમય મળતો હતો. પરંતુ હવે, તો બે ચાર દિવસમાં જ રૂ. ૨ હજારનું રિચાર્જ પૂરું થઇ જાય છે. અમારા ઘરની આવક કરતા વધારે તો વીજળી માટે રિચાર્જ કરવું પડી રહ્યું છે.
એમજીવીસીએલ દ્વારા દરેક ગ્રાહકોને સ્માર્ટ મીટરની સમજણ આપતો ઇ-મેઇલ કરાયો
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો પહેલો તબક્કો પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે, તેના રિપોર્ટ એનાલિસિસ બાદ બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવનાર છે. તે પહેલા એમજીવીસીએલ દ્વારા તેમના ગ્રાહકો જેમને પોતાના ઇમેઇલ રજીસ્ટર કરાવ્યા છે તેમને ડિજિટલી માહિતી મોકલવાની શરૂઆત કરાઈ છે. તમામ ગ્રાહકોને ઇમેઇલ પર ૯ પેજની એક પીડીએફ મોકલવામાં આવી રહી છે. જેમાં સ્માર્ટ મીટરને લગતી જાણકારી આપવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો વડોદરા શહેર જ નહીં કંપનીના કાર્યક્ષેત્ર એવા સાત જિલ્લામાં વિરોધ શરૂ થયો હતો. માત્ર એક જ સપ્તાહમાં વિરોધનું વંટોળ એક વાવાઝોડામાં પ્રવર્તિત થઇ ગયું હતું. જેના પગલે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાને પણ કંપનીના એમડી તેમજ સીએમઓમાં ફરિયાદ કરવાની ફરજ પડી હતી. ત્યારે પહેલા તબક્કાની કામગીરી પૂર્ણ થતા એમજીવીસીએલ દ્વારા હવે, ડેટા એનાલિસિસ તેમજ પ્રશ્નોના નિરાકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેની સાથે સાથે જે ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર નથી લાગ્યા તેમને સ્માર્ટ મીટરની માહિતી આપવાની પણ શરૂઆત કરાઈ છે. મધ્ય ગુજરાત વીજ કંપની સાથે રજીસ્ટર થયેલા ગ્રાહકો જેમના ઈ-મેઈલ એડ્ર્સ કંપની પાસે છે તેમને એક ઇ-મેઇલ મોકલવામાં આવી રહ્યો છે. જેમાં યોગ્ય માહિતી નહીં મળતાં ગ્રાહકો મુંજવણમાં મુકાયા છે.
જેટકોને ફટકો ઃ અડધી રાત્રે દોઢ લાખ ઘરોમાં વીજળી ગુલ થતાં હોબાળો
મધ્ય ગુજરાત વીજ કંપની એક તરફ ગ્રાહકોને વીજ પુરવઠો પહોંચાડવામાં સક્ષમ નથી અને બીજી તરફ સ્માર્ટ મીટરના નામે ગ્રાહકો પાસેથી તગડી વસુલાત કરાઈ રહી છે. આવા આક્ષેપ ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે શનિવાર સાંજથી શહેરના અનેક વિસ્તારોમાં અંદાજે ૧.૫૦ લાખ ઘરોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. જે પુનઃ શરૂ કરતા કંપનીને કલાકોનો સમય લગતા કલાકો સુધી અસંખ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના પગલે લખો ગ્રાહકોને ગરમીમાં હેરાન પરેશાન થઇ ગયા હતા. એટલું જ નહીં ગ્રાહકોએ એમજીવીસીએલની કારેલીબાગ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. ત્યારે કચેરીમાં પણ વીજ પુરવઠો બંધ હતો. સરકારની વીજ કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા તેના સબ સ્ટેશનોથી મધ્ય ગુજરાત વીજ કંપનીના વિવિધ સબ ડિવિઝનના ફીડરમાં વીજ પુરવઠો પહોંચાડવામાં આવે છે. જે ફીડર થકી વીજ પુરવઠો વિવિધ વિસ્તારોમાં ગ્રાહકોના ઘર, ઓફિસ, દુકાન સુધી પહોંચે છે. ત્યારે શનિવારે સાંજે લગભગ સાત વાગ્યે જેટકોની ૬૬ કેવીના અન્ડરગ્રાઉન્ડ કેબલ તૂટી ગયો હતો. શહેરના ન્યુ વીઆઈપી રોડ પર ખોડિયારનગર નજીક ખોદકામ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા લાઈન તોડી નાખવામાં આવી હતી. જાેકે, લાઈન કોના દ્વારા તોડવામાં આવી તે અંગે જેટકોના અધિકારીઓને પણ હજી જાણ નથી. જેટકોના અધિકારીઓના જણાવ્યા અનુસાર લાઈન કોર્પોરેશનની કામગીરી દરમિયાન તૂટી નથી. આ જે ૬૬ કેવીની લાઈન તૂટી તે જેટકોના કારેલીબાગ સબ સ્ટેશનમાં વીજ પ્રવાહ પહોંચાડતી હતી.