20, એપ્રીલ 2025
વડોદરા, ઉનાળાની શરૂઆત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની પોકાર શરુ થયો છે. અનેક વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાણી ન મળે તો લોકો તો વિરોધ પ્રદર્શન કરી શકે પરંતુ અબોલ પશુ પક્ષી પોતાની વ્યથા કોને કહે? વડોદરાની ઓળખ એવા સયાજીબાગ ઝુમા પાણીના અભાવે પ્રાણીઓ માટે બનાવાયેલા તળાવ પણ ખાલીખમ જાેવા મળી રહયા છે. બાગમાં અડધો અડધો કલાક જ પાણી આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. સયાજીબાગ ઝૂમાં પ્રતિ વર્ષ ઉનાળાના સમય દરમિયાન પશુ પક્ષીઓ માટે ઠંડક માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રાણીઓ માટે તળાવ બનાવવામાં આવ્યા છે જેમાં નિયમિત રીતે પાણી ભરવામાં વે છે તો પક્ષી ઘર પાસે પણ મંડપ લગાવી તેના ઉપર પાણીનો સતત છંટકાવ કરવામાં આવે છે. ઝૂમાં રોજેરોજ પાણીનો છંટકાવ કરવામાં આવતો હતો. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બદલાઈ છે. જાણવા મળ્યા મુજબ ઝૂમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી. છેલ્લા ચાર - પાંચ દિવસથી અડધો - અડધો કલાક જ પાણી આવતું હોવાનું જાણવા મળ્યું છે તેના કારણે ઝૂમાં પશુઓ માટે બનાવાયેલા વિવિધ તળાવો હાલમાં ખાલીખમ લાગી રહ્યા છે. તો પાણીનો છંટકાવ પણ એક એક દિવસના આંતરે કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. ઝૂના અંતરંગ વર્તુળો તરફથી માહિતી મળી છે કે, પ્રાણી સંગ્રહાલયની ટાંકી પણ ખાલીખમ જાેયા મળે છે. ત્યારે શહેરના નાગરિકો તો મોરચો માંડીને પાલિકા સામે અવાજ ઉઠાવી શકે છે પરંતુ આ પશુ - પક્ષી પાલિકા સામે કેવી રીતે અવાજ ઉઠાવે અને કેવી રીતે વિરોધ નોંધાવે? પાલિકાએ મૂંગા પશુઓ માટે તો પૂરતા પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે.
ઝૂનું આકર્ષણ, વાઘ આખો દિવસ છાંયડે બેસી રહે છે
સયાજીબાગ ઝૂમાં બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર એવો વાઘ કે જેનું નામ ધરતી છે તે આખો દિવસ છાંયડો શોધી રહ્યું છે. અગાઉ જયારે તળાવો ભરેલા હોય ત્યારે આ વાઘ તળાવમાં જ આખો દિવસ પડી રહે છે અને પોતાના શરીરને ઠંડુ રાખે છે પરંતુ તળાવ જ ખાલી રહે છે જેથી તેને હવે છાંયડો શોધવો પડી રહ્યો છે.