ભમરો

ફળિયામાંથી મોરનો ટહુકો કાને અથડાતો હતો.

“આ મોર? આનો ટહુકો મને પોતિકો કાં ન લાગે? રોજ આવે છે એ જ મોર છે કે પછી બીજાે કોઈ?” પોતાના ચિત્તને પૂછતી મુન્ની અકળાઈ ગઈ.

એક હાથમાં ટીપીને તૈયાર કરેલ રોટલો ને બીજા હાથમાં ફૂંકણી. ફૂંક મારીમારીને એનું મોઢું દુઃખી ગયું. એને ફૂંકણીનો ઘા કરી દેવાનું મન થયું. ખરા ટાણે જ ફસકી ગઈ. આમ તો એક ફૂંકે જ ચૂલો સળગાવી દે'તી. પણ આજે એ કટ્ટર વેરી બનીને જાણે કોઈ પાછલા જન્મનો બદલો લઈ રહી હતી.

ધૂમાડાથી રસોડું ભરાઈ ગયું જાણે વહેલી સવારની ઝાકળ પથરાઈ હોય એમ.

સવારનું ઝાકળભર્યું વાતાવરણ મુન્નીને બો'વ વ્હાલું લાગતું, લાગે જ ને! કેમ ન લાગે? હરિ એ જ સમયે એની કને આવી ગાલ પર રમતી લટને હળવેકથી કાને ચડાવતો ને.. એ શરમની મારી આંખો બંધ કરી દે'તી. એ પછી તો મુન્નીના ગાલ લાલ-ગુલાબી થઈને ટેહુક.. ટેહુક.. ગહેકતા ને એ સાથે એ હરિને વળગી પડતી. પછી એ કે'તી, “હવે મોડું નહીં કરતો નહીંતર તારી ઢેલને કોઈ ઉડાડી જશે. હવે એને પાંખું આવી ગઈ છે..”

ફળિયામાં આવેલા મોરનો ગહેંકાટ વધતો જતો હતો. એના અવાજથી મુન્નીના કાન ફાટફાટ થવા લાગ્યા. હાંફળીફાંફળી થતી એ ચૂલો પ્રગટાવવા શરીરની અંદરનો હતો એટલો બધોય પ્રાણવાયુ ખેંચી ખેંચીને ફૂંક મારવા લાગી. એ સાથે જ ચૂલો સળગ્યો. “હાશ”, માંડ માંડ સળગેલાં ચૂલાની લાલા લાલ ઝાકને જાેઈને એ હરખાઈ ગઈ અને ધબાક.. કરતો રોટલો તાવડીમાં નાંખી દીધો. ત્યાં જ ફળિયામાંથી બાપુનો સાદ આવ્યો. “મુન્ની, બે રોટલા વધારે ટીપજે.”

મુન્નીના હાથ થંભી ગયા.

ચૂલાની ઝાળ આકરી થતાં રોટલામાં મોટો ભમરો પડી ગયો..

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution