વોરેન બફેટે ૫.૩ અબજ ડૉલરના શેરનું દાન કરવાની જાહેરાત કરી


નવીદિલ્હી,તા.૩૦

અબજાેપતિ અમેરિકન બિઝનેસમેન ‘વોરન એડવર્ડ બફેટ’ એમની દાન ધર્મ માટે જાણીતા છે. ઈતિહાસના સૌથી સફળ મની મેનેજર ગણાયેલા બફેટ ઓમાહા, નેબ્રાસ્કા સ્થિત કંપની ‘બર્કશાયર હેથવે’ના સીઇઓ છે. પૈસાનું કઈ રીતે અને કેવા માધ્યમોમાં રોકાણ કરવું એનું અપ્રતિમ જ્ઞાન ધરાવતા બફેટની નેટવર્થ ૧૩૫ અબજ ડૉલર છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓના લિસ્ટમાં આઠમા ક્રમે બિરાજતા બફેટ અઢળક સંપત્તિના માલિક હોવા છતાં તેમની વ્યક્તિગત કરકસરવૃત્તિને કારણે પણ જાણીતા છે. વર્ષ ૨૦૦૮માં ફોર્બ્સ દ્વારા અંદાજે ૬૨ અબજ ડૉલરની કુલ સંપત્તિ સાથે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જાહેર થયા હતા. તાજેતરમાં તેમણે ૫૩૦ કરોડ ડૉલરનું દાન આપવાની જાહેરાત કરી છે.

વોરેન બફેટે ૫.૩ અબજ ડૉલરના શેરનું દાન કરવાની જાહેરાત કરી હતી. ૯૩ વર્ષીય બફેટની વસિયતમાં જણાવવામાં આવ્યું છે કે તેમના મૃત્યુ પછી તેમની બાકીની સંપત્તિના ૯૯ ટકા સંપત્તિ સખાવતી કાર્યોમાં ખર્ચવામાં આવશે. ભૂતકાળમાં પણ બફેટ વિવિધ સખાવતી સંસ્થાઓને કરોડો-અબજાેનું દાન કરતા રહ્યા છે. હાલમાં જાહેર કરેલા ૫.૩ અબજ ડૉલરનું દાન બફેટે પાંચ અલગ અલગ ટ્રસ્ટોને આપ્યું છે.

બફેટે સૌથી મોટું દાન બિલ ગેટ્‌સની સખાવતી સંસ્થાને આપ્યું છે. ‘બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ને ૪ અબજ ડૉલરના શેર મળશે. બફેટની પુત્રી સુઝાન એલિસ દ્વારા સંચાલિત એની માતાના નામની સેવાભાવી સંસ્થા ‘સુઝાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશન’ને ૪૦૦ મિલિયન ડૉલર અપાશે, જ્યારે બાકીના ૨૮૦ મિલિયન ડૉલર સુઝાન એલિસની અધ્યક્ષતા હેઠળના ‘શેરવુડ ફાઉન્ડેશન’, બફેટના પુત્ર હોવાર્ડ ગ્રેહામની સંસ્થા ‘હોવર્ડ જી. બફેટ ફાઉન્ડેશન’ અને બફેટના બીજા પુત્ર પીટર બફેટની સંસ્થા ‘નોવો ફાઉન્ડેશન’ વચ્ચે વહેંચવામાં આવશે. દાન જાહેર કરતી વખતે બફેટે સહર્ષ જણાવ્યું હતું કે, હું દેવામુક્ત છું, મારે કોઈને કશું ચૂકવાનું બાકી નથી.

પીઢ રોકાણકાર બફેટે જણાવ્યું હતું કે, તેમના મૃત્યુ પછી તેમની તમામ સંપત્તિ નવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મૂકવામાં આવશે. આ ટ્રસ્ટની દેખરેખ તેમની પુત્રી સુઝાન અને પુત્રો હોવાર્ડ અને પીટર કરશે. બફેટે કહ્યું કે તેમના ગયા પછી તેમના ત્રણ બાળકો જ નક્કી કરશે કે કયા ફાઉન્ડેશનને કેટલાનું દાન આપવું. મારા પૈસાનો ઉપયોગ એવા લોકોની મદદ કરવા માટે થવો જાેઈએ જેઓ આપણા જેટલા ભાગ્યશાળી નથી. વિશ્વમાં આઠ અબજ લોકો છે, જેમાંના ઘણા મોટા વર્ગને આર્થિક સહાયની જરૂર છે. મને વિશ્વાસ છે કે મારા બાળકો મારી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution