આણંદ : શું તમને તાવ, ખાંસી, નબળાઈ જેવાં કોરોનાના લક્ષણો જણાય છે? તો હવે આપે જરાય મૂંઝાવાની જરૂર નથી, કારણ કે રાજ્ય સરકારે દરેક નાગરિકના આરોગ્યની ચિંતા કરીને વિનામૂલ્યે કોરોનાના એન્ટિજન ટેસ્ટ કરાવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં તમારે માત્ર ૧૦૭૭ નંબર ડાયલ કરવાનો રહેશે. એ પછી સરકારી તબીબો તમારાં ઘરે આવીને કોરોના અંગેનો એન્ટિજન ટેસ્ટ વિનામૂલ્યે કરી જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં નાગરિકો ઘર આંગણે વિનામૂલ્યે કોરોના એન્ટિજન ટેસ્ટ કરાવવા માગતાં હોય તો ૧૦૭૭ નંબર ઉપર ડાયલ કરવાનો રહેશે, જેથી સરળતાથી આપનો ટેસ્ટ થઈ શકશે. કોરોના વાઇરસથી આપણે ગભરાવાનું નથી, પરંતુ તેની સામે જીત મેળવવા માટે પોતાના આરોગ્ય અંગે કાળજી રાખીને કોવિડ-૧૯ની ગાઇડલાઇનને પણ અનુસરવાનું છે. લક્ષણો જણાઈ તો કોરોનાનો ટેસ્ટ પણ કરાવવો જરૂરી છે. જેથી ૧૦૭૭ પર કોલ કરીને કોઈપણ વ્યક્તિ પોતાનો અને પરિવારના સભ્યોનો એન્ટિજન ટેસ્ટ વિનામૂલ્યે કરાવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૮ શહેરી આરોગ્ય કેન્દ્ર, ૧૪ સામાન્ય આરોગ્ય કેન્દ્રો, આણંદ જિલ્લા હોસ્પિટલ, પેટલાદ એસએસ હોસ્પિટલ, તમામ ધન્વંતરી રથ અને તમામ ખાનગી હોસ્પિટલો ખાતે વિનામૂલ્યે કોવિડ એન્ટિજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.
દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરતાં ટેસ્ટ ઇઝ બેસ્ટનું સૂત્ર આપ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. લોકોમાં ટેસ્ટિંગ પ્રત્યેનો ડર દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે સૌને પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અને સંક્રમિત વ્યકિતઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે, તેવી અપીલ પણ રૂપાણીએ કરી છે.