થોડા વખત અગાઉ દિલ્હીનું હવે પ્રખ્યાત થઈ ગયેલું જાેવાલાયક સ્થળ પીએમ મ્યુઝિયમ જાેયું. આ જગ્યા ઇન્ડીયા ગેટની ઘણી નજીક છે. અમે ઓનલાઇન ટિકિટ બુક કરેલી પણ સ્થળ પર પણ મળે છે.
ત્યાં જતાં બે બિલ્ડિંગ છે. પહેલામાં સાદી પ્રદર્શન ગેલેરી છે. સામે અશોકચક્ર જેવા દેખાવની છતવાળાં મુખ્ય સંગ્રહાલયમાં ગ્રાઉન્ડફ્લોર પર નાની ફિલ્મ બતાવી આ મ્યુઝિયમની અલગઅલગ ગેલેરીઓમાંનાં આકર્ષણો વિશે જણાવાયંુ.
પછીની ગેલેરીમાં ઐતિહાસિક દસ્તાવેજાે જેવા ફોટાઓ, ત્યારનું લોકજીવન, દુકાળમાં ભૂખ્યા લોકો, ખાદીનો વેપાર, ખભે ગુણીઓ ઊંચકી ચડાવતા મજૂરો, આઝાદી વખતનું નહેરૂજીનું ભાષણ, ચીનનાં આક્રમણ વખતે સૈન્ય અને એવું બધું જાેવા મળે છે.
મારી દૃષ્ટિએ સાચું પ્રદર્શન નહેરૂ ગેલેરી પછી જ શરૂ થાય છે. ૧૫ વડાપ્રધાનો વિશે માહિતી અને બીજું બધુ ઘણું ખાસ્સી ૪૩ ગેલેરીઓમાં સમાવ્યું છે!
એ પછી સંવિધાનની પ્રત, સ્કેન અને એન્લાર્જ કરેલ પાનાં તમારો હાથ રાખતાં પાનું ફરતું હોય એમ ઈમેજ બદલાય. બંધારણની મૂળ હસ્તપ્રત, તેના પર કેલિગ્રાફી કરતા કલાકાર, સામે સ્ક્રીન પર ભાષા પસંદ કરો એટલે એ ભાષામાં જાેઈ શકાય.
પછીની ગેલેરીમાં અમુક અખબારોની રસપ્રદ ક્લિપ બતાવી. મને યાદ રહી ગયું ૧૯૫૭નાં છાપાંમાં આવેલું દશાંશ પદ્ધતિ અમલમાં આવી તે દિવસનું કોષ્ટક, તેમજ ક્યા રાજ્યનું જૂનું ચલણ હવે કેટલા રૂપિયા થશે, માપ અને વજનમાં જૂનું શું, અને નવું એના કેટલા બરાબર તે, વગેરે સમાચાર છપાયા હતા.
બીજે માળ નહેરુજીની અંગત વસ્તુઓ, બેઠક ખંડ, ઓફિસ ટેબલ અને તેમની વૈભવી જિંદગીની ઝલક છે. એક ટેબલ પર પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુનું જીવંત લાગે એવું પૂતળું છે. એ પછી શાસ્ત્રીજીની ગેલેરીમાં હરિત ક્રાંતિ,૧૯૬૫ વોર, ડિફેન્સ ક્ષેત્રે તેમનું પ્રદાન, ઈસરો અને પહેલાં અવકાશ ક્ષેત્રે પ્રગતિ અને અણુ ક્ષેત્રે કાર્ય વગેરે આવે છે.
વચ્ચે ચૌધરી ચરણસિંહ,વી પી સિંઘ વગેરે તેમજ મોરારજીભાઈના સમય અને પ્રદાનનું પણ વિસ્તૃત દર્શન હતું. દરેક પીએમ સામેની ચેલેન્જ અને પ્રદાન દર્શાવેલાં હતા.
એ ઉપરાંત દરેક જગ્યાએ રસપ્રદ શોર્ટ ફિલ્મો જેવી કે પહેલું મિસાઈલ, ચંદ્રયાન,પહેલું ભારતીય કોમ્પ્યુટર, રેલવે ત્યારથી આજ સુધી, દરેક પેસેન્જર વિમાનો કે લડાયક વિમાનો વગેરે જાેયાં.
એક આકર્ષણ હતું વોક વિથ ફેવરિટ પીએમ. તમારે એક સ્ક્રીન સામે ઉભા રહેવાનું. ૫..૪..૧.. ગણી સ્ટાર્ટ કહે એટલે તમારી સાઈઝના પીએમ વર્ચ્યુઅલ દેખાય ને ચાલે, તમે એની સાથે થોડાં ડગલાં ચાલો અને એ કરે એમ નમસ્તે કરો. એ વિડિયો તમને ઇમેઇલ કરી દે છે. મેં મોદીજી સાથે વોક કરી, કોઈ વયસ્ક વાજપેયી સાથે ચાલ્યા. એવા જ પેઇડ શો પીએમ સાથે સેલ્ફી, પીએમ સામે બેસી મુલાકાત, રોબોટ દ્વારા તમારું ફેવરિટ ક્વોટ લખી નીચે પ્રધાનમંત્રીની સહી વગેરે આકર્ષણો દરેકની અલગ ટિકિટો સાથે હતાં. ત્યાં ૫૦ રૂપિયા ટિકિટ એ દરેક આકર્ષણની હતી.
એક જગ્યાએ હવામાં તરતી ત્રણ સિંહની મૂર્તિ હતી. એ સોલિડ, પત્થરની લાગે પણ ૩-ડી પ્રીન્ટેડ હતી! ઉપર નીચે મેગ્નેટ હોવાથી તે હવામાં રહેતી હતી અને ઇલેક્ટ્રિક ફોર્સ તેને ગોળ ફેરવતો હતો.
દરેક પીએમને મળેલી ભેટોનું પણ સુંદર પ્રદર્શન હતું. એ ખાસ જાેવા જેવું હતું.
એક ટાઇમ મશીન શો હતો. જેમાં એક પછી એક સિદ્ધિઓ કે પડકારો અને દરેક સમયની મહત્વની વાતો બતાવાતી જાય. એ સારો શો હતો. દરેક ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ અને મહત્વના બનાવો ૧૯૪૭, ૧૯૪૮ .. એમ છેક ૨૦૨૩ સુધી હતા.
આમ આ બધું નિરાંતે જાેતા ૩ દિવસ થાય! અમે ૩.૪૦ના ગયેલા તે પોણા છ વાગે નીકળ્યા. ૬ વાગે બંધ થાય છે. સમય ૧૦થી ૬ છે. સામાન્ય ઝડપે ૩ કલાક થાય. બહાર કમ્પાઉન્ડમાં રોઝ ગાર્ડન અદભુત હતું.
પછી સવા છએ બહાર નીકળી શું કરવું? પાંચ કિમી દૂર નહેરુ પાર્ક નામે એક સુંદર બાગમાં ગયાં જ્યાં અમારી સામે જ ૨૦ ફુવારાઓ ખૂબ ઊંચા જતા હતા, પુસ્તકો આકારની બેંચો હતી ત્યાં બેઠા, બાળકો રમ્યાં અને પછી અમારી ફેવરિટ જગ્યા દિલ્હી હાટ ફરી, ત્યાં જ ડિનર કરી ઘેર.