આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ લોકસભા બેઠકો ઉપર આજે મતદાન

નવીદિલ્હી:લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ લોકસભા બેઠકો પર આવતીકાલ તા.૨૫ મેના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન થશે.છઠ્ઠા તબક્કામાં દિલ્હી અને હરિયાણાની તમામ બેઠકો સામેલ છે. જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક માટે પણ આ જ તબક્કામાં મતદાન થશે. આ બેઠક પર ત્રીજા તબક્કામાં જ મતદાન થવાનું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે તેને છઠ્ઠા તબક્કા સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું.જે પ્રખ્યાત ચહેરાઓનું ભાવિ દાવ પર છે, તેમાં હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ (કરનાલ), જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી (અનંતનાગ-રાજૌરી)નો સમાવેશ થાય છે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (સંબલપુર, ઓડિશા), કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત અને અભિનેતા રાજ બબ્બર (ગુરુગ્રામ), કેન્દ્રીય મંત્રી ક્રિશન પાલ ગુર્જર (ફરીદાબાદ), પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (સુલતાનપુર), મનોજ તિવારી અને કન્હૈયા કુમાર (ઉત્તર-પૂર્વ દિલ્હી), નવીન જિંદાલ (કુરુક્ષેત્ર) છે

આ તબક્કામાં જે ૫૮ લોકસભા બેઠકો પર મતદાન થશે.છઠ્ઠો તબક્કો શાસક પક્ષ અને વિપક્ષ બંને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહ્યો છે. જાેકે, આ વખતે બંને રાજ્યોમાં પરિસ્થિતિ થોડી બદલાઈ છે.આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૯માં બંને પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. જ્યારે હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપની સહયોગી જનનાયક જનતા પાર્ટી તેમનાથી અલગ થઈ ગઈ છે. રાજ્યની કમાન પણ હવે મનોહર લાલને બદલે નાયબ સિંહ સૈનીના હાથમાં છે. લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૫.૯૬ ટકા મતદાન થયું છે. જેમાં સૌથી ઓછું ૬૨.૨ ટકા મતદાન પાંચમા તબક્કામાં થયું હતું. જ્યારે સૌથી વધુ ૬૯.૧૬ ટકા મતદાન ચોથા તબક્કામાં થયું હતું. પહેલા તબક્કામાં ૬૬.૧૪ ટકા, બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૫.૬૮ ટકા મતદાન થયું હતું. અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન ૧ જૂને થશે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ૮૮૯ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સૌથી વધુ ૨૨૩ હરિયાણામાં છે. જ્યારે સૌથી ઓછા ૨૦ ઉમેદવારો જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પરથી મેદાનમાં છે.

ઉત્તર પ્રદેશમાં ૧૪ બેઠકો માટે કુલ ૧૬૨, બિહારમાં આઠ બેઠકો માટે ૮૬, દિલ્હીની સાત બેઠકો માટે ૧૬૨, બંગાળમાં આઠ બેઠકો માટે ૭૯, ઝારખંડમાં ચાર બેઠકો માટે ૯૩ અને ઓડિશામાં છ બેઠકો માટે ૬૪ ઉમેદવારો મેદાનમાં છે. ૫૮ બેઠકો પર કુલ ૧૯૭૮ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી માત્ર ૯૦૦ લોકોના જ નામાંકન માન્ય રહ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution