ભરૂચ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાતાં ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જાેવા મળતો હતો. બપોરના સમયમાં આકરા તાપના કારણે મતદાન મંદ થયું હતું. બપોર બાદ ફરી મતદારોનો ધસારો જાેવા મળ્યો હતો. લોકોએ ઉત્સાહભેર મતદાન કરતાં સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકામાં સરેરાશ ૫૧.૭૧% મતદાન નોંધાયું હતું. જિલ્લા પંચાયતમાં ૬૪.૫૫ જ્યારે ૯ તાલુકા પંચાયતમાં સરેરાશ ૯૪.૨૯ ટકા મતદાન નોંધાયું હતું.
ભરૂચ જિલ્લામાં ૪ નગરપાલિકા, નવ તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો માટે આજરોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો સવારના પહેલા ૨.૦૦ કલાકનું મતદાન માત્ર ૭.૫૯% હતું. ૧૧.૦૦ વાગ્યા સુધીમાં ૨૪.૧૫% એ પહોંચ્યું હતું. બપોરે ૩.૦૦ વાગ્યે મતદાનની ટકાવારી ૫૪% એ પહોંચી હતી. ભરૂચ જિલ્લાની ૯ તાલુકા પંચાયતમાં સવારના ૭ થી ૧૧ વાગ્યા સુધીમાં ૩૧% જેટલું મતદાન નોંધાયું હતું. જે ત્રણ વાગ્યા સુધીમાં વધીને ૫૪.૫૫% સુધી પહોંચ્યું હતું.
સાંજે પાંચ વાગ્યા સુધીમાં જીલ્લા પંચાયતની ટકાવારી ૬૪.૫૫ ટકાએ પહોંચી હતી. જ્યારે ૯ તાલુકા પંચાયતમાં સરેરાશ ૬૪.૨૯ ટકા નોંધાયું હતું. જેમાં આમોદમાં ૬૪.૫૬, જંબુસરમાં ૬૫.૧૧, ભરૂચમાં ૫૬.૬૭, વાગરામાં ૬૯.૯૧, ઝઘડીયામાં ૭૧.૫૧, વાલિયામાં ૭૨.૭૫, નેત્રંગમાં ૭૬.૧૬, અંકલેશ્વરમાં ૫૬.૯૯ અને હાંસોટમાં ૬૬.૩૭ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે નગરપાલિકામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૧.૭૧ મતદાન નોંધાયું હતું.