અમદાવાદ-
આજે ગુજરાતની છ મહાનગરપાલિરાનની 575 બેઠકો માટેની ચૂંટણી યોજાઇ છે. જેના માટે 2276 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આજે મહાનગરપાલિકાના 1,14,66,973 મતદારો મતદાન કરશે. કોરોનાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા ગોઠવવાામાં આવી છે.
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન બૂથ પર મતદારો લાઈનો લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના 48 વોર્ડની 192 બેઠકમાંથી 191 સીટ માટે 771 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે.
રાજકોટમાં પણ સવારના 7 વાગ્યાથી મતદાનનો શુભારંભ થઈ ગયો છે. રાજકોટમાં સૌપ્રથમ 75 વર્ષના વૃદ્ધે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે અને લોકશાહીના મહાપર્વનો શુભારંભ કર્યો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ બારદાનવાલા સ્કૂલમાં મતદાન કર્યું છે. ભાજપના સિનિયર નેતા નીતિન ભારદ્વાજે કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યું છે.
સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યા છે. જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યાં છે. સુરત શહેરની મહાનગરપાલિકા ચૂંટણીનું મતદાન થઈ ગયું છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આજે વડોદરામાં 14.46 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 સભ્યો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ઉમેદવારો ગણતરીના કલાકોના મહતમ ઉપયોગ કરી પોતાને વધુને વધુ મત મેળવવા ચોગઠા ગોઠવાઈ રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકોની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત કુલ 211 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આજે 469 મતદાન મથક પર કુલ 5.25 લાખ મતદારો મતાધિકાર ભોગવશે.
જામનગરમાં 8 વાગ્યા સુધીમાં 3 ટકા મતદાન
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરમાં 645 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 8 વાગ્યા સુધીમાં જામનગરમાં 3 ટકા મતદાન થયું છે. જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થશે.