‘વિશ્વાત્મા’ની એક્ટ્રેસ સોનમ ખાન કમબૅક માટે તૈયાર

સોનમ ખાન ૯૦ના દાયકાની એક સફળ અભિનેત્રી હતી, જેણે ‘ત્રિદેવ’, ‘અજુબા’ અને ‘વિશ્વાત્મા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેમણે ૧૫ વર્ષ પહેલાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું અને તે ભારત છોડીને સ્વિટ્‌ઝર્લેન્ડમાં પરિવાર સાથે ચાલી ગઈ હતી. હવે કમબેક કરવાની ઇચ્છા ધરાવતી સોનમ ખાન ઓટીટી પ્રોજેક્ટ પર કામ કરવા ઇચ્છે છે. તેણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “મને ફિલ્મો કરવામાં કોઈ રસ નથી. મારે ખરેખર હવે ઓટીટી પર કામ કરવું છે, કારણ કે એમાં કોઈ હિરો કે હિરોઇન નથી. તેમાં માત્ર સારા પાત્રો છે, જેમના વિના સ્ટોરી આગળ વધી શકતી નથી. તેમજ મને ઓટીટી પ્લેટફોર્મ્સ વધુ સમાવેશી લાગે છે, તેમાં દરેક એજના પાત્ર માટે સ્થાન છે, જેવું દર વખતે બોલિવૂડની ફિલ્મોમાં શક્ય નથી.” સોનમ કહે છે તે ફરી કેમેરા સામે કામ કરવા આતુર છે. “ઓટીટી તમને તમે જેવા છો તેવા જ બનવાની તક આપે છે. અત્યાર સુધીમાં મેં જે કંઈ કન્ટેન્ટ જાેયું છે, તેમાં મેં સ્ત્રી પાત્રોને જેવા છે તેવા જ દર્શાવાતાં જાેયાં છે. હીરામંડીમાં મનીષા કોઈરાલા કેટલી સુંદર અને મોભાદાર છે, અને તે સ્ક્રિન પર પોતાનું આધિપત્ય જમાવી દેતી હોય તેવું લાગે છે. મને આવા પાત્રો ઘણા સ્પર્શી જાય છે. તેમાં બીજા ઘણા કલાકારો છે, પણ તે છવાઈ જાય છે. માત્ર એક ઓટીટી પ્રોજેક્ટ જ તમને આટલાં ઊંડાણપૂર્વકનું કામ કરવાની જગ્યા આપી શકે છે. બધાં જ શોમાં ઘણા પાત્રો હોય છે અને દરેકને પોતાની સ્પેસ મળી જાય છે, જે તેઓ સુંદર રીતે નિભાવી જાણે છે.” સોનમ કહે છે કે વેબની દુનિયા જાેઈને જ તેને પાછા ફરવાનું મન થયું છે, “મને લાગે છે કે જાણે હું એક નવા કલાકાર તરીકે પહેલેથી નવી શરૂઆત કરી રહી છું. તેથી હું એક એવી વાર્તા માટે રાહ જાેઈ રહી છું. જે મારી સંવેદનશીલતાને સ્પર્શે. મને જે લોકોએ રોલ ઓફર કર્યા છે, તેમના પર હું કોઈ સવાલ ખડા કરી રહી નથી, પરંતુ એ મને સ્પશ્ર્યા નહીં.”

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution