જીવનની એક અવસ્થા યુવાવસ્થા,જે માનવજીવનનો સુવર્ણકાળ છે.જ્યાંથી તરુણાવસ્થામાં પાંગરેલ સ્વપ્ન, સમસ્ત અસ્તિત્વમાં ઊઠતો ઉત્સાહ, નિશ્ચિત આદર્શોને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા, કોઈના સ્નેહાકર્ષણમાં ખેંચાતુ મન, ઉદ્ભવતી વિશિષ્ટ લાગણી ને મનની દરેક દિશાઓમાં , કલ્પનાઓમાં વિહરવાનો આનંદ, રોજિંદા જીવનથી થોડા આઘા રહી દિલને ગમતું એકાંત, ખબર ના પડતાં વધતું જતું વિજાતીય આકર્ષણ , કોઈને ગમતું થવા માટે ફના થવાની, કોઈ નવું સાહસ કરવાની થતી ઉત્કંઠા, થોડો થોડો સુખદ ભવિષ્ય માટે થતો વિચાર, મૈત્રી માટે પ્રોત્સાહિત થતું મન ને અજાણ્યા માર્ગે જવા માટેની થતી લાલસા, દુનિયા ખેડવાની જિજ્ઞાસા અને સહુથી વધુ તો અન્ય માટે કંઈક કરવાનો વિચાર,સ્વાભિમાન ને વિવેક,આ ત્રિવેણી સંસ્કાર એ યુવાકાળને સાર્થક કરે છે. થોડો થોડો વિદ્રોહ પણ ગમે છે ને ક્યારેક તો મનને દલીલ કરવાનો ઉમળકો પણ જાગે છે.
આવું બનવું એ સ્વભાવિક પ્રક્રિયા છે,પણ આ અવસ્થામાં લપસી જવાની, નકારાત્મક વિચાર સાથે કોઈને બતાવી દેવાની કે બદલો લેવાની એક ઝનૂની વૃત્તિનો ઉદભવ પણ આ અવસ્થામાં થાય છે.આ માર્ગે સમજના અભાવે યુવાન કોઈ સંગદોષના કારણે ક્યારેક ભટકી જાય છે ને જીવનના ઉચ્ચતમ આદર્શો, સિદ્ધાંતો, એ જીદમાં, એ અણસમજમાં ભુલાઈ જાય છે ને યુવાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે અને ક્યારેક પોતાનું તથા તેના કુટુંબનું ભવિષ્ય ધૂંધળું બનાવે છે.આવું બને છે ત્યારે યુવાન એક એવા ત્રિભેટે આવીને ઉભો રહી જાય છે કે ઉતાવળમાં ને અનિર્ણિત દશામાં એ ક્યારેક પતનના માર્ગે વળી જાય છે ક્યારેક ઉદાસી, નિરાશા ને ઝનૂનના માર્ગે અજાણતા જ પગ મૂકી દે છે..
આ કિશોર ને ધૈર્યનો ગુણ પણ સમજાવવો જાેઈએ અને તેનું મહત્વ તેમજ અગત્યના પાસાઓની ઊંડાણપૂર્વક માહિતી આપવી જાેઈએ,જે એનું ભવિષ્ય ઉજ્જવળ બની, અન્ય માટે પ્રેરણાદાયી બની રહે છે.ધૈર્ય સાથે સમતા નો ગુણ સંકળાયેલ છે, તે સિદ્ધિ હાંસલ કરાવે છે.
ધૈર્ય ની મહત્તા જીવનમાં સમજવા માટે પ્રોફેસર વોલ્ટર મિસેલ દ્વારા એક સુંદર પ્રયોગ કર્યો હતો. તેઓ એક સ્કૂલમાં ગયા ,સ્કૂલ માં ત્રીજાે પિરિયડ શરૂ થયો. શિક્ષક તરીકે તેઓ વર્ગમાં આવ્યા. આવીને તેમને સરસ કલર ની થેલી ખોલી અને એમાંથી ચોકલેટ કાઢી મોનિટર ને કહ્યું બધાને વહેંચી આપ. દરેકને એક એક ચોકલેટ આપી. ગુણવત્તા ધરાવતી ને હાથમાં લેતાં જ ખબર પડતી હતી કે પેકેજિંગ ખૂબ આકર્ષક છે. બધાને ચોકલેટ આપ્યા પછી શિક્ષકે સૂચના આપી કે, તેઓ હવે પ્રિન્સીપાલ સર મળવા જાય છે. તેઓ ૧૦ મિનિટ પછી પાછા આવશે ત્યાં સુધી કોઈએ પણ ચોકલેટ ખાવાની નથી અને અંદર અંદર વાતો કરવાની નથી. શાંતિથી બેસી રહેવું. આ આ સૂચના આપી એ શિક્ષક ક્લાસ રૂમ છોડી ગયા. વર્ગખંડમાં શાંતિ પથરાયેલી હતી.
૧૦ મિનિટ પછી શિક્ષક પાછા આવ્યા. આવીને તેમને જાેયું કે ઘણા વિધાર્થીઓ ચોકલેટ ખાઈ રહ્યા હતા. એમણે કોઈ પ્રતિભાવ ના આપ્યો. પરંતુ તપાસ કરતાં ધ્યાનમાં આવ્યું કે સાત વિદ્યાર્થીઓ એવા હતા જેઓ એ પોતાની ચોકલેટ ખાધી નહોતી પણ એમની એમ પોતાની પાસે રાખી હતી. શિક્ષકે સાત વિધાર્થીઓ ના નામ લખી લીધા અને તેઓને પણ ચોકલેટ ખાવાનું કહ્યું.આ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ.
વરસો પછી, પ્રોફેસર મિશેલે એ ડાયરી કાઢી એ સાત વિધાર્થીઓ ની તપાસ કરી. જણાવા મળ્યું કે, એ સાતેય વિધાર્થીઓ હવે પોતપોતાના જીવનમાં ઘણી સારી ઊંચાઈએ પહોંચ્યા હતા. યશસ્વી થયા હતા. પછી તેઓએ એ જ ક્લાસ ના અન્ય વિદ્યાર્થીઓ જેઓએ ઉતાવળે ચોકલેટ ખાધી હતી તેઓની તપાસ કરી. આશ્ચર્ય વચ્ચે બધાજ અસફળ નહોતા થયા, પણ સમાધાનકારી સ્થિતિમાં પણ નહોતા. કેટલાક તો સાવ કથળેલી હાલતમાં હતા.
આ સંશોધન નો સાર પ્રોફેસર મિશેલે બહુજ ટૂંકાણમાં આપતા કહ્યું કે, જે વ્યક્તિ દસ મિનિટ નું પણ ધૈર્ય રાખી શકતા નથી, એ વ્યક્તિના જીવનમાં આગળ વધવાની શકયતા નહિવત હોય છે.આ સંશોધન આખી દુનિયામાં ખૂબ પ્રસિદ્ધ થયું છે. એ સંશોધન નું નામ છે,"માર્શ મેલો થિયરી". અમેરિકા ની સ્ટેન્ડફર્ડ યુનિવર્સિટી માં અભ્યાસક્રમ ના રૂપમાં કાર્યરત છે.આ સિદ્ધાંત અનુસાર ધૈર્યનો ગુણ બધી જ યશસ્વી વ્યક્તિઓ માં જાેવા મળે છે. આ એક સદગુણ એવો છે. જે માનસ ના બધાજ સારા પાસાઓ ને નિખાર આપે છે. એ જ રીતે એ વ્યક્તિને થાકવા કે નિરાશ થવા દેતો નથી અને ચોક્કસપણે જવા ના સ્થાને પહોંચાડે જ છે.માર્શમેલો ટેસ્ટ દર્શાવે છે કે જીવનમાં સફળતા અને સુખાકારી હાંસલ કરવા માટે ધીરજ એ મૂલ્યવાન સંપત્તિ છે. ધીરજ કેળવીને, તમે તમારા ધ્યેય સિદ્ધ કરવા સુધી પહોંચવા અને પરિપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી આત્મ-નિયંત્રણ, તણાવમાં ઘટાડો, સારા સંબંધો, શિક્ષણ મેળવવામાં સાનુકૂળતા, સ્થિતિસ્થાપકતા, લાંબા ગાળાની સફળતા અને ધ્યાન કેળવી શકો છો.