વડોદરા,તા.૧,
વડોદરા મહાનગર પાલિકાના શાસકો દ્વારા ચૂંટણી પહેલા કરોડોના વિકાસ કાર્યોનો સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાલિકા હસ્તકના રૂપિયા ૩૪૪.૪૫ કરોડના કાર્યોનું ઈ-લોકાર્પણ, ઈ-શુભારંભ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા ૭૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્માર્ટ સીટીના વિવાદાસ્પદ જનમહલ ખાતે સીટી બસ સ્ટેન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આવાસોના કામનું ખાતમુહૂર્ત તેમજ શહેરની ૧૨૦૦૦ એલઇડી લાઈટ બદલવાનું કામ પ્રમુખ કામોમાં સમાવિષ્ઠ કરાયું છે. જેની સામે વિપક્ષે આંગળી ચીંધીને એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ સાથે અન્ય વિકાસના કામો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો બનાવવા સહિતના અંદાજે રૂ.૩૪૪.૪૫ કરોડના ખર્ચે વિવિધ કામોના ઇ-ખાતમુહૂર્ત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ રૂપિયા ૧૬૬.૭૫ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અટલાદરા-કલાલી વિસ્તારના ભાગમાં ઇડબલ્યુએસ પ્રકારના ૩૫ ચો.મી કાર્પેટ એરીયા ધરાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહ બનાવવામાં આવનાર ૧૯૦૦ આવાસો તેમજ ૮૧ દુકાનોનું ખાતમુહૂર્ત, કુલ રૂપિયા ૭૧.૨૮ કરોડના ખર્ચે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પીપીપીના ધોરણે ડિઝાઇન, બિલ્ટ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર ડીબીફોટ સહિત બનાવવામાં આવેલ સ્માર્ટ સીટી સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટ હબનું લોકાર્પણ, કુલ રૂપિયા ૩૮.૦૦ કરોડના ખર્ચે વડોદરા શહેરની મુખ્ય રસ્તા પરની હયાત ૧૨૦૦૦ નંગ સોડીયમ ફીટીંગ્સના બદલે નવીન સ્માર્ટ એલઇડી સ્ટ્રીટ લાઇટ ફીટીંગ લગાવવાના કામનો શુભારંભ,.રૂપિયા ૨૯.૨૭ કરોડના ખર્ચે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત વાસણા રોડ, મનીષા સર્કલથી રાણેશ્વર મહાદેવ થઇ વાસણા સ્મશાન સુધી અને હરણી રોડ, મોતીભાઇ પટેલ ત્રણ રસ્તા (હરણી તળાવ)થી ગદા સર્કલ થઇ ગોલ્ડન ચોકડી સુધી નવીન બનાવવામાં આવનાર રોડની કામગીરીનો શુભારંભ.તથા રૂપિયા ૨૭.૩૮ કરોડના ખર્ચે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગોરવા રોડ, ગેંડા સર્કલથી રીલાયન્સ પેટ્રોલ પંપ સુધી નવીન બનાવવામાં આવનાર રોડની કામગીરીનો શુભારંભ.અને રૂપિયા ૬.૮૭ કરોડના ખર્ચે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના રી-ડેવલપમેન્ટ અંતર્ગત નવીન તૈયાર થયેલ “મોટ એન્ક્લોઝર” તથા “ઝૂ વેટરનરી હોસ્પિટલ”નો શુભારંભ.ઉપરાંત રૂપિયા ૪.૯૦ કરોડના ખર્ચે વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો પૈકી માંડવીગેટ, ગેડીગેટ, લહેરીપુરાગેટ,ચાંપાનેરગેટ અને પાણીગેટ ઉપર ડાયનેમિક કલરીંગ ફસાડ લાઇટીંગનો શુભારંભ મળીને કુલ રૂ. ૩૪૪.૪૫ કરોડના વિવિધ વિકાસના કામોના ઇ-ખાતમુહૂર્ત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાયુ હતું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ પદે ગાંધીનગર ખાતેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે નર્મદા,શહેરી ગૃહ નિર્માણ વિભાગના (રાજ્યકક્ષા)ના મંત્રી યોગેશ પટેલ તથા મુખ્ય અતિથિ પદે વડોદરાના સંસદસભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, અતિથિ વિશેષ પદે અકોટાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, ડભોઇના ધારાસભ્ય અને વડોદરા મહાનગર પાલિકાના સભાસદ શૈલેષ મહેતા, પાલિકાના મેયર ડૉ.જિગીષાબેન શેઠ, ડે.મેયર ડૉ.જીવરાજ ચૌહાણ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષ પટેલ, દંડક અલ્પેશ લિમ્બાચિયા, શાસકપક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા, ડૉ.વિજય શાહ,પૂર્વ મેયર સુનિલ સોલંકી પાલિકાના કમિશનર સ્વરૂપ પી., ડે.મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલ , ડે.મ્યુનિસિપલ કમિશનર ઘવલ પંડ્યા સહિત અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.