વડોદરા,તા.૧૮,
વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર ડિસેમ્બર ૨૦૧૮થી પૂર્વ અને દક્ષિણ વિસ્તારના અંદાજે સાત લાખ નાગરિકોને માટે સર્જાયેલી પાણીની સમસ્યાને ઉકેલવામાં ધરાર નિષ્ફળ નીવડ્યું છે. જેને લઈને આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઇ રહયા છે. આ વિસ્તારમાં મોટાભાગની બેઠકો પર વિપક્ષનું વર્ચસ્વ હોવાથી શાસક પક્ષ દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોવાના આક્ષેપો પણ સ્થાનિક રહીશો દ્વારા કરાઈ રહ્યા છે. ત્યારે હજુ પણ આ વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણી ઉપરાંત પીળું,કાળું,ચીકણું,દુર્ગંધ મારતું દુષિત પાણી આવતું હોવાની અવારનવાર ફરિયાદો વિવિધ વિસ્તારોમાંથી આવે છે. ત્યારે જે તે વિસ્તારની પાણીની સમસ્યા ઉકેલીને પાલિકા તંત્ર સંતોષ માનીને બેસી રહે છે. પરંતુ આ સમસ્યાના કાયમી ઉકેલ લાવવાને માટે કોઈ ઠોસ કામગીરી કરવામાં આવતી નથી. જેને લઈને પ્રજા શાસકોથી ત્રસ્ત બની પોતાનો આક્રોશ અવારનવાર વિવિધ રીતે ઠાલવી રહી છે. કેટલીકવાર તો પ્રજાને પાણીની તાકી પર ચઢીને પણ વિરોધ વ્યક્ત કરવો પડ્યો છે. આવાજ એક વિરોદ પ્રદર્શનમાં શહેરના પૂર્વ વિસ્તાર ડભોઇ રિંગરોડ પર આવેલ રાજનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાવા પામી છે. પીવાનું પાણી ન મળે તો પછીથી વાપરવાના પાણીની વાતતો દૂરની રહી એમ જણાવીને આ સોસાયટીના રહીશોએ પીવાના પાણીની સમસ્યાના મામલે પાલિકાના શાસકો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ પોતાના વિસ્તારમાં ખાલી માટલાઓ સાથે પ્રદર્શન કરીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરીને માટલા ફોડીને તંત્ર અને શાસકોનો હુરિયો બોલાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પીવાના પાણીને માટે રજૂઆત કરવા છતાં એની કોઈ વ્યવસ્થા ન કરાતા આખરે વિરોધ પ્રદર્શન કરવા મજબુર બન્યા હતા. હજુ એક બે દિવસમાં પ્રશ્નનો ઉકેલ આવશે નહિ તો ઉગ્ર આંદોલન કરાશે એવી ચીમકી ઉચ્ચારી હતી.