વડોદરા, તા.૧૭
શહેરના સુભાન૫ુરા ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલ પંચરત્ન બિલ્ડિંગ પાસે સમી સાંજે ૭.૩૦ વાગે લઘુમતી કોમના યુવાને બે યુવાનો જુની અદાવતે ઉપર ચપ્પુથી હુમલો કરતાં બંને યુવાનો લોહીલુહાણ હાલતમાં સ્થળ ઉપર જ ફસડાઈ પડયા હતા. જેના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. બાદમાં બંને યુવાનોને લોહી નીગળતી હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પોલીસનો કાફલો પહોંચ્યો હતો.
પંચરત્ન બિલ્ડિંગન નજીક માતૃછાયા એપાર્ટમેન્ટ પાસે ઊભેલા રાહુલ બળદેવભાઈ પઢિયાર (ઉં.વ.૨૧) અને નિખિલ કુલદીપ પટેલ (ઉં.વ.ર૪) સાંજના સાડા સાત વાગ્યાના સુમારે ઊભા રહી વાતો કરતા હતા એ સમયે અચાનક ધસી આવેલા અજાઝ અલીજા નામના યુવકે બોલચાલી કરી પ્રથમ રાહુલ પઢિયાર ઉપર ગુસ્સે થઈને એને ચાકુ હુલાવી દીધું હતું.
મિત્ર રાહુલ ઉપર ચપ્પુ લઈ અચાનક તૂટી પડેલા અલજાને પડકારી નિખિલ પટેલે વચ્ચે છોડાવવાની કોશિશ કરતાં અલીજાએ નિખિલ ઉપર પણ હુમલો કરી પેટના ભાગે ચાકુ હુલાવી દીધું હતું. પરિણામે તે લોહીલુહાણ થયો હતો. આસપાસની દુકાનદારો અને રહીશોએ આ દૃશ્યો જાઈ દોડતા હુમલાખોર અલીજા ભાગી છૂટયો હતો. બાદમાં બંને યુવકોને લોહી નીગળતી હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. આ બનાવની જાણકારી મળતાં ગોરવા પોલીસ પીઆઈ સહિતની ટીમ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. બીજી તરફ બનાવના સ્થળે પણ પોલીસે પહોંચી જઈને બનાવ પાછળનું કારણ શોધવામાટે તપાસ હાથ ધરી હતી.જેમાં અગાઉ થયેલા અકસ્માતને મુદ્દે આ બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું.