કિશનવાડીમાં ગાય પકડતાં ઢોરપાર્ટી પર માથાભારે પશુપાલકોનો હિંસક હુમલો

શહેરમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરતી કોર્પોરેશનની ઢોરપાર્ટીએ ગત રાત્રે કિશનવાડી વિસ્તારમાં ત્રણ ગાયને પકડતા જ ત્યાં બે બાઈક પર ધસી આવેલા ચાર માથાભારે ભરવાડો ઢોરપાર્ટીના કર્મચારીઓને અપશબ્દો બોલીને ત્રણેય ગાયોને ચિચિયારીઓ પાડીને ભરચક રોડ પર દોડાવીને ભગાડી મુકી હતી. ત્યારબાદ ચારેય ભરવાડોએ ઢોરપાર્ટીના સુપરવાઈઝર સહિતના કર્મચારીઓને લાકડીના ફટકા મારીને લાફા ઝીંક્યા હતા તેમજ આ હુમલાનું રેકોર્ડિંગ કરતા ઢોરપાર્ટીના કર્મચારીના હાથમાંથી મોબાઈલ ઝુંટવીને જમીન પર પછાડ્યો હતો. આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પાણીગેટ પોલીસ દોડી જતા ચાર પૈકીના ત્રણ હુમલાખોરો ફરાર થયા હતા જયારે એકને પોલીસે ઝડપી પાડ્યો હતો.

મકરપુરાના હરિદર્શન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણકુમાર ગીરનાર વડોદરા મહાનગર પાલિકાની ઢોરપાર્ટીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે રાત્રે તે ઢોરપાર્ટીના અન્ય સુપરવાઈઝર વેંકેટેશ્વરરાવ પેરેગુ અને નિવૃત્ત આર્મિમેન બુધ્ધાના નાનાજી સહિતની ટીમ સાથે બે વાહનો લઈને રસ્તે રખડતા ઢોરોને પકડવાની કામગીરી માટે પોલીસ બંદોબસ્ત મેળવવા પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે ગયા હતા જયાં તેમને કન્ટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે કિશનવાડી ગધેડામાર્કેટ ચારરસ્તા પાસે રખડતી ગાયોનું ટોળું બેઠેલું છે. આ વિગતોના પગલે તે પાણીગેટ પોલીસ તેમજ ઢોરપાર્ટીના સ્ટાફ સાથે રાત્રે અગિયારવાગે ગધેડામાર્કેટ ચારરસ્તા પાસે પહોંચ્યા હતા. દરમિયાન આ વિસ્તારમાં તીલકનગર સોસાયટી પાસે ઢોરપાર્ટીએ રસ્તે રખડતી ત્રણ ગાયોને કોર્ડન કરીને પકડી હતી.

ઢોરપાર્ટી ત્રણેય ગાયને વાહનમાં મુકે તે અગાઉ જ ત્યાં બે બાઈક પર રાજુ ભોપા ભરવાડ અને પુનમ ભરવાડ (માણકી કોમ્પલેક્સ પાસે, ભરવાડવાસ) તેઓના અન્ય બે સાગરીતો સાથે હાથોમાં ડાંગ લઈને ઢોરપાર્ટી તરફ ધસી ગયા હતા. તેઓએ ઢોરપાર્ટીના કર્મચારીઓને અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો અને ચિચિયારીઓ પાડીને ઢોરપાર્ટીએ પકડેલી ત્રણેય ગાયોને જાહેરમાર્ગ પર રાદહારીઓના જીવને જાેખમ થાય તે રીતે અત્યંત ભયજનક રીતે દોડાવીને ભગાડી મુકી હતી. ગાયોને ભગાડી મુક્યા બાદ ચારેય ભરવાડોએ ઢોરપાર્ટી પર હુમલો કરવા માટે એકબીજાની ઉશ્કેરણી કરી હતી જેમાં ચારેયે કિરણકુમારના માથામાં તેમજ હાથ અને પીઠ પર લાકડાના ફટકા મારતા તે લોહીલુહાણ થયા હતા.

આ હુમલામાં અન્ય સુપરવાઈઝર વેંકેટેશ્વરરાવે દરમિયાનગીરી કરતાં હુમલાખોર ભરવાડે તેમના હાથમાં પણ લાકડીનો ફટકો માર્યો હતો જયારે નિવૃત્ત આર્મિમેન બુધ્ધાના નાનાજીને ગાલ પર લાફો ઝીંક્યો હતો. દરમિયાન આ હુમલાનો ઢોરપાર્ટીના કૈલાશભાઈ બડગુજર મોબાઈલમાં વિડીઓ ઉતારતા હોઈ ભરવાડોએ તેમના હાથમાંથી મોબાઈલ ખુંચવીને જમીન પર પછાડ્યો હતો જેમાં મોબાઈલને નુકશાન પહોંચ્યું હતું. આ હુમલાના બનાવની પાણીગેટ પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જેમાં ઢોરપાર્ટીએ રાજુ ભરવાડને ઝડપીને પોલીસને સોંપ્યો હતો જયારે તેના ત્રણ સાગરીતો બાઈક પર બેસીને ફરાર થયા હતા.

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા કિરણકુમારને પોલીસે સારવાર માટે જમનાબાઈ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જયાંથી સારવાર કરાવ્યા બાદ તેમણે ઉક્ત બનાવની પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે રાજુ ભરવાડ, પુનમ ભરવાડ અને તેઓના બે સાગરીતો સામે ગુનો નોંધી અન્ય ત્રણ હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution