યુકેમાં ૩ બાળકીઓનાં મોત પછી હિંસા જારી: ૩ અધિકારી ઘાયલ 

લંડન:યુકેમાં તાજેતરમાં એક હુમલામાં ત્રણ નાની બાળકીઓને છરા મારીને હત્યા કરાયા પછી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જમણેરી વિચારધારા ધરાવતા લોકો આ મામલે એક સમુદાય સામે આંગળી ચિંધી રહ્યા છે અને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા છે. આ દરમિયાન પોલીસ પર ઈંટો અને પથ્થરો ફેંકવાની ઘટનાઓ બની રહી છે જેમાં કેટલાક પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. સાઉથપોર્ટમાં સાતથી નવ વર્ષની ત્રણ છોકરીઓને છરી મારીને તેની હત્યા કરનારો ૧૭ વર્ષીય શકમંદ પકડાઈ ગયો છે. આ યુવાન મુસ્લિમ ઈમિગ્રન્ટ હતો તેવી ખોટી માહિતી ફેલાઈ હતી જેના કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસના વાહનો પણ સળગાવ્યા હતા. ત્યાર પછી સ્પષ્ટ થયું કે શકમંદ હત્યારો મુસ્લિમ માઈગ્રન્ટ ન હતો. આવા કેસમાં શકમંદની ઓળખ જાહેર કરવામાં આવતી નથી, પરંતુ હિંસાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેનું નામ જાહેર કરવાની મંજૂરી આપી છે. જાેકે, ગેરમાહિતીના કારણે પણ કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હાલમાં કેટલાક વિસ્તારોમાં માઈગ્રન્ટ વિરોધી અને મુસ્લિમ વિરોધી દેખાવો ચાલી રહ્યા છે. આ હિંસામાં કેટલીક દુકાનો લૂંટવામાં આવી છે અને તોડફોડ કરવામાં આવી છે. પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને ઝડપી લીધા છે. ૨૯ જુલાઈએ સાઉથપોર્ટમાં એક મ્યુઝિક થિમ કાર્યક્રમ દરમિયાન નિર્દોષ બાળકીઓને સ્ટેબિંગ કરીને હત્યા કરવામાં આવી તેનાથી યુકે ખળભળી ઉઠ્‌યું છે. આ પ્રકારની હિંસા માટે માઈગ્રન્ટ જવાબદાર છે તેમ કહીને જમણેરી સંગઠનોએ સરકાર પર પ્રહાર કર્યા છે અને તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા છે. આ હિંસા એકથી વધારે નાના-મોટા શહેરોમાં ફેલાઈ હતી.

હવે પોલીસે જણાવ્યું છે કે જે ૧૭ વર્ષીય શકમંદને ત્રણ હત્યાઓના આરોપ હેઠળ પકડવામાં આવ્યો છે તેનું નામ એલેક્સ રુડાકુબાના છે અને તેના માતાપિતા બંને મૂળ રવાન્ડાના છે, તથા આખો પરિવાર ખ્રિસ્તી ધર્મ પાળે છે. જાેકે, કેટલાક લોકો આ વાત માનવા તૈયાર નથી. તેથી તેઓ હિંસા પર ઉતરી આવ્યા હતા અને કેટલાક વાહનો અને દુકાનો સળગાવી હતી. આ દરમિયાન લિવરપૂલ, બ્રિસ્ટોલ, હલ અને બેલ્ફાસ્ટમાં તોફાનો થયા છે જ્યાં મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પથ્થરમારો કરી રહ્યા છે. તેઓ ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરીને યુકેમાંથી બહાર નીકળી જવાના નારા લગાવે છે. આવા યુવાનોની વિરુદ્ધમાં પણ કેટલાક લોકો મેદાનમાં ઉતર્યા છે અને તેઓ નાઝી હોવાનો આરોપ મૂકીને તેમની સાથે અથડામણ કરે છે. પોલીસ પર સતત પથ્થરો, ઈંટો અને કાચની બાટલીઓ ફેંકવામાં આવે છે જેના કારણે કેટલાક પોલીસ કર્મચારીને ઈજા થઈ છે. લીવરપુલમાં બે પોલીસ ઓફિસરના ચહેરા પર ફ્રેક્ચર થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બીજા એક પોલીસ કર્મચારીને મોટર સાઈકલ પરથી પાડી દેવાયો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution