જુનાગઢ, સોરઠ પંથકમાં આજથી આડત્રીસ વર્ષ પહેલાં સાંબેલાધાર વરસાદ પડતાં ઓઝત નદી અને સાબળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેનાં કારણે ઓઝત નદી કાંઠે આવેલાં વિસ્તારમાં જાનમાલની મોટી ખુવારી થઈ હતી. કેશોદ તાલુકાનાં બામણાસા ગામે સમગ્ર સોરઠમાં સૌથી વધારે મોટી ખુવારી થઈ હતી. કેશોદ તાલુકાનાં બામણાસા ગામે પસાર થતી ઓઝત અને સાબળી નદીના પાણી ફરી વળતાં એક જ ગામના ૫૯ લોકો મોતને ભેટયા હતાં. આજે પણ એ કરુણતા યાદ કરતાં ગામવાસીઓ હિબકે ચડી જાય છે. બામણાસા ગામે વધુ પ્રમાણમાં લોકો વાડી વિસ્તારમાં રહેતાં હોય ત્રણ દિવસ અને બે રાત સુધી પૂરનું પાણી ન ઉતરતાં લોકો જીવ બચાવવા ઝાડ પર,મેડા ઉપર કે મોભિયા ઉપર જીંદગી સાથે ઝઝુમીયા હતાં. બામણાસા ગામના વાડી વિસ્તારમાંથી લોકોને હોડી મારફતે લાવવામાં આવી રહ્યા હતાં, ત્યારે અકસ્માતે હોડી ઉંધી વળી જતાં બેસેલા ઘોડાપૂરમાં તણાઈ ગયા હતા. બામણાસા ગામે પૂર ઓસરતાં ઓઝત નદીના કિનારે તણાઈને આવેલ ઘરવખરી ઉપરાંત મૃતદેહ પરનાં દરદાગીના મુળ માલીકની ખરાઈ કરી આપવામાં આવ્યાં હતાં. કેશોદના બામણાસા ગામે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરની ગૌશાળામાં રહેતી ગાયો આશ્રમમાં પાણી ફરી વળતાં ભાભરવા લાગી હતી. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ખીલેથી છોડાવવા કોણ જાય પરંતુ કોઈ ગેબી શક્તિ દ્વારા તમામ ગાયોની સાંકળ છુટી જતાં ગાયો સલામત રહી હતી અને આશ્રમમાં આવેલ સિધ્ધ મહાપુરુષ મકનદાસ બાપુનો આવેલ ધુણો પાણી ફરી વળવા છતાં પણ પ્રજ્વલિત રહ્યો હતો, એ શ્રધ્ધા અને આસ્થા નું પ્રમાણ બની ગયું હતું. બામણાસા ગામના વયોવૃદ્ધ, યુવાનો આડત્રીસ વર્ષ પહેલાં બનેલી હોનારતની ઘટનાને યાદ કરે છે તો હજુ આજે પણ એ દ્રશ્ય નજરે હોય એમ યાદ કરતાં કરતાં રોમેરોમમાં કરુણા વાણી સ્વરૂપે ટપેકે છે. સોરઠમાં ગત ૨૨મી ઓગસ્ટ ૧૯૮૩માં થયેલી જળ હોનારતમાં એક સાથે ૫૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ ગોઝારા દિવસે સમગ્ર ગામમાં સ્વયંભૂ બંધ પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવે છે.