દિલ્હી-
હરિયાણાના જીંદ જિલ્લાના ઉંચા ખાતે, નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાના આગમન પહેલા ખેડૂતોએ બનાવેલું હેલિપેડ ખોદ્યું હતું. એટલું જ નહીં, ખેડૂતોએ દુષ્યંત ચૌટાલા ગો બેકના નારા પણ લગાવ્યા હતા. દુષ્યંત ચૌટાલાનું હેલિકોપ્ટર આજે આ હેલિપેડ પર ઉતરવાનું હતું.
ખેડુતોના વિરોધને ધ્યાનમાં રાખીને દુષ્યંત ચૌટાલાની મુલાકાત રદ કરવામાં આવી હતી. ખેડુતોનું કહેવું છે કે જ્યાં સુધી દુષ્યંત ચૌટાલા ખેડૂતોને સમર્થન નહીં આપે ત્યાં સુધી તેઓ તેમને આ ક્ષેત્રમાં પ્રવેશવા દેશે નહીં. ખેડૂતોએ કહ્યું હતું કે ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ રાજીનામું આપીને ખેડૂતોની વચ્ચે આવવું જોઈએ. તેમણે કહ્યું કે જે પણ નેતા અહીં આવશે તે જ રીતે તેનો વિરોધ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં એક દિવસ અગાઉ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના કાફલાના વિરોધમાં ખેડુતોએ કાળા ધ્વજ અને લાઠી બતાવી હતી. આ કેસમાં હરિયાણા પોલીસે 13 ખેડુતો સામે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો કેસ નોંધ્યો છે. અંબાલામાં ખેડૂતો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યાં મંગળવારે વિરોધ કરી રહેલા ખેડૂતોના જૂથે મુખ્ય પ્રધાન ખટ્ટરને કાળા ધ્વજ બતાવ્યા હતા જ્યારે તેમનો કાફલો અંબાલા શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો. ખટ્ટર આગામી નાગરિક ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાને સંબોધન કરવા શહેર આવ્યા હતા.