વિકી કૌશલનો છત્રપતિ સંભાજી લૂક તૈયાર કરવામાં એક વર્ષ થયું

વિકી કૌશલની આવનારી ફિલ્મ ‘છાવા’ છત્રપતિ સંભાજી મહારાજની બાયોપિક છે, જેમાં વિકી કૌશલ મોટા પડદા પર સંભાજી મહારાજના પાત્રને જીવંત કરશે. આ ફિલ્મ બનાવવા માટે તેની ટીમ દ્વારા નાનામાં નાની બારીકી અને માહિતી અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર પાત્રને બને તેટલું વધુ આધારભૂત રીતે દર્શાવવામાં માને છે. તેના માટે તેમણે એક વર્ષ સુધી અભ્યાસ અને સંશોધન કર્યું છે, જેથી તે વધુ સારી રીતે ૧૭મી સદીનું મરાઠા સામ્રાજ્ય ખડું કરી શકે. કેટલાંક અહેવાલો મુજબ, આ ફિલ્મ માટેના અભ્યાસ માટે ટીમ મહારાષ્ટ્રના ઐતિહાસિક શહેરો અને ગામડાઓમાં પણ ફરી હતી. ડિરેક્ટર ઉટેકર અને ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇનર શીતલ શર્મા ઔરંગાબાદ, રત્નાગિરી, પૂણે, નાસિક, પૈઠણ જેવા શહેરોમાં રૂબરુ ગયા હતા. તેથી તેઓ આ વિસ્તારોના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સૌંદર્યને આબેહુબ ઉતારી શકે. તેમણે આ અંગે કેટલાંક અભ્યાસપત્રો અને શોધનિબંધો પણ વાંચ્યાં હતાં. તેમની સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર, “કેટલાંક ફિલ્મ મેકર્સને સફેદ અને આછા રંગોની દુનિયા બનાવવી ગમે છે, જે તેઓ જે સમયનું વિશ્વ દર્શાવવા માગે છે, તેનું પ્રતિનિધિત્વ કરી શકતાં નથી. પરંતુ લક્ષ્મણ તેની વાર્તા બને તેટલી વધુ આધારભૂત રીતે કહેવા માગે છે. જ્યારે તેમની રીસર્ચ ટીમ મરાઠા રાજ્યના ગામોમાં ફરી ત્યારે તેમને સમજણ પડી કે ભારતીય ઇતિહાસમાં આછા રંગો અસ્તિત્વમાં જ નહોતાં, તેઓ તો ઘેરા રંગોની જાહોજલાલીમાં માનતા હતા. લક્ષ્મણ અને શીતલે આ શહેરોના કિલ્લાઓ અને મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. જેનાથી તેમને એ સમયના કપડાં પહેરવાની શૈલી અને રંગો વિશે માહિતિ મળી, તેઓ કેટલાંક ઇતિહાસવિદ્દોને પણ મળ્યા.” આ ફિલ્મમાં સંભાજીની પત્ની યેસુબાઈનો રોલ કરતી રશ્મિકા મંદાના સુંદર પૈઠણી સાડીઓ પહેરે છે, જે સ્થાનિક કારીગરો પાસેથી મંગાવવામાં આવી છે. આ ટીમે સાડીઓને ૫૦૦ વર્ષ જૂની બોર્ડરથી સજાવી છે, જેથી તેના કોસ્ચ્યુમ બને તેટલાં વધારે વાસ્તવિક લાગે. સૂત્રના જણાવ્યા અનુસાર,“રશ્મિકાના લૂક માટે ટીમ નારાયણપેઠ અને પૈઠણ ગઈ હતી, ત્યાંથી તેની સાડીઓ લાવવામાં આવી છે. આમ તો એ વખતે જે કાપડ ઉપયોગમાં આવતું એ હાલ ઉપલબ્ધ પણ નથી, તેથી તેમણે મ્યુઝીયમમાં રહેલાં કપડાંની તસવીરો લઇને આબેહુબ એવા જ કપડાં તૈયાર કરાવ્યા છે. કેટલીક ૫૦૦ વર્ષ જૂની બોર્ડર ધરાવતી સાડીઓ ખરીદીને તેને રીસ્ટોર કરવામાં આવી છે. આવી જ ચંદ્રકલા ડિઝાઈનની પૈઠણી સાડીઓ રશ્મિકાએ પહેરેલી જાેવા મળશે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution