વોશિંગ્ટન-
ડેમોક્રેટિકના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે મૂળ ભારતીય સબરીના સિંહને પોતાના પ્રેસ સેક્રેટરી બનાવ્યા છે. સબરીના આ પહેલા પણ પાર્ટીના બે રાષ્ટ્રપતિ ઉમેદવાર માટે આ જવાબદારી સાંભળી ચૂકયા છે. તેમણે ન્યૂજર્સીના સીનેટર કોરી બુકર અને ન્યૂયોર્કના પૂર્વ મેયર માઈક બ્લૂમબર્ગના કેમ્પેનિંગ દરમિયાન પ્રેસ સેક્રેટરીની ભૂમિકા નિભાવી હતી. સબરીના અમેરિકામાં ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના પ્રેસ સેક્રેટરી બનનાર પ્રથમ ભારતીય અમેરિકી છે. હેરિસના પ્રેસ સેક્રેટરી પડે પસંદગી થતા સબરીનાએ કહયું હતું કે, હું કમલા હેરિસ સાથે જાેડાઈને ખુબ જ ખુશ છું. હું કામમાં સામેલ થવા માટે અને નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને જીતવા માટે વધુ રાહ જાેઈ નથી શકતી.
સબરીના લોસ એન્જલસની રહેવાસી છે અને ડેમોક્રેટિક નેશનલ કમિટીની પ્રવક્તા પણ રહી ચૂકી છે.તે અમેરિકામાં નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન લીગ ઓફ અમેરિકાની રચના કરનાર સરદાર જે.જે.સિંહની પૌત્રી છે. વર્ષ ૧૯૪૦ માં જે.જે.સિંહે તેમના જૂથ સાથે મળીને અમેરિકામાં વંશીય ભેદભાવ સામે આંદોલન શરૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનએ ૨ જુલાઈ ૧૯૪૬ ના રોજ એક કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદા હેઠળ અમેરિકામાં દર વર્ષે ૧૦૦ ભારતીયોના સ્થળાંતરની મંજૂરી આપવામાં આવી હતી.