શુક્ર હંમેશાં લાભ આપે છે! બસ, રાહુથી સાચવી લેવું!

૨૭ નક્ષત્રોમાં બીજું નક્ષત્ર છે ભરણી. તેનો સ્વામી છે શુક્ર. અગિયારમા નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની અને વીસમા નક્ષત્ર પૂર્વાષાઢાનો સ્વામી પણ શુક્ર જ છે.

 શેરબજારમાં શુક્રને બહુ મહત્ત્વનો ગ્રહ ગણવામાં આવ્યો છે. અવકાશના તમામ ગ્રહોમાં જાે સૌથી વધુ ઐશ્વર્ય આપતો કોઈ એક ગ્રહ હોય તો તે શુક્ર છે. શુભ શુક્ર માનવને સમૃદ્ધ બનાવે છે. તમારો શુક્ર શુભ હોય તો તમે કશું જ કમાતા ના હો તો પણ સદાય વૈભવમાં જ મહાલતા હો તે શક્ય છે. શુક્ર તમને નિત્ય સંપત્તિની વચ્ચે જ રાખશે! એ સંપત્તિ કદાચ તમારી ના હોય તો પણ શુક્રના પ્રભાવના કારણે એનો મહત્તમ લાભ તમને મળતો હોય તે શક્ય છે! સ્વાભાવિક છે કે આવો શુક્ર શેરબજારમાં સૌથી વધારે લાભ આપે!

 જાે કે શેરબજારમાં શુક્રની સાથે સાથે બુધ પણ શુભ અને બળવાન હોવો જરૂરી છે. શુક્ર ધન આપે છે પરંતુ એ ધનને કેવી રીતે કમાવું, તેની બુદ્ધિ બુધ આપે છે. બુધ એ બુદ્ધિ, વાણી અને વેપારના કૌશલ્યનો ગ્રહ છે. જાે શુક્રની સંપત્તિને બુધની વેપારી બુદ્ધિનો લાભ મળી જાય તો માનવ શેરબજારની અંદર રમતાં રમતાં લાખો રૂપિયા પેદા કરી શકે છે! તમારી જન્મકુંડળીના પ્રથમ, પાંચમા, નવમા, દસમા કે અગિયારમા સ્થાનમાં શુભ શુક્ર હોય અને તેને બુધનું પણ બળ મળેલું હોય તો તમે ધૂળમાંથી સોનું પેદા કરવાની કાબેલિયત ધરાવતા હશો!

 જાે તમારો શુક્ર સારો હોય અને જન્મનું નક્ષત્ર પણ શુક્રનું હોય તો તમે શેરબજારમાં ખૂબ સારી કમાણી કરી શકો છો. જાે કે તમારે હંમેશાં રાહુથી સાચવવાનું રહે છે. રાહુ તમને સટ્ટા તરફ દોરી જાય તે શક્ય છે. રાહુનું નકારાત્મક બળ કામ કરતું હોય છે ત્યારે બુધની સારામાં સારી બુદ્ધિ પણ જાણે બહેર મારી જાય છે. ક્યારેક તમે બંધ આંખે શેરબજારમાં મોટા સોદા કરો છો તો ક્યારેક ખુલ્લી આંખોએ ખોટા સોદા કરો છો! આવા કોઈક સોદામાં જાે તમારી મોટી રકમ ભરાઈ પડે તો તમારા માટે તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બની જાય છે.

 માટે એક વાત સદાય ધ્યાનમાં રાખજાે. જાે તમને શુક્રના કારણે સોદાઓમાં લાભ થતો હોય તો જે કોઈ સોદા કરો તે સમજી વિચારીને કરજાે. ક્યાંય ક્યારેય બંધ આંખોનો જુગાર રમશો નહીં. ખુલ્લી આંખે કામ કરીને તમે કદાચ થોડું ઓછું કમાશો પરંતુ જીવનમાં ક્યારેય સમૃદ્ધિ ગુમાવશો નહીં. પરંતુ જાે બંધ આંખે સટ્ટો રમ્યા તો તમે સમૃદ્ધિને જ ગુમાવી દેશો... અને એ સદા યાદ રાખો કે શુક્ર તમને સમૃદ્ધિ અવશ્ય આપે છે પરંતુ જાે એ સમૃદ્ધિને તમે ગુમાવી દો છો તો શુક્ર ક્યારેય તમને એ પાછી નથી અપાવતો. બીજી તરફ રાહુ તમને કોઈ ખરાબ લત અથવા વ્યસનના રવાડે ચડાવી દે તે શક્ય છે.

 શુક્ર અથવા શુક્રનાં નક્ષત્રો માટે લાભના તથા નફાના વેપારો ક્યા કયા છે તે જાેઈએ. શુક્ર જળતત્ત્વનો ગ્રહ છે. આથી જળ તત્ત્વ સાથે જાેડાયેલા કોઈ પણ પ્રકારના વેપારમાં તમે હાથ અજમાવી શકો છો. શુક્ર કળાનો ગ્રહ છે. ખાસ કરીને અભિનય, સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં શુક્ર સૌથી વધારે લાભ કરાવે છે. ઉપરાંત સ્ત્રીઓ સાથે સંકળાયેલા વેપારો, સૌંદર્ય પ્રસાધનોના વેપારો, પરદેશ સાથે આયાત-નિકાસના વેપારો, આ બધામાં પણ શુક્ર સારો એવો લાભ કરાવી આપે છે. ફાસ્ટ ફૂડ, હોટેલ, મોટેલ, વગેરેમાં પણ શુક્રનું બળ લાભકારક રહે છે. આઈટી ફિલ્ડમાં પણ ગ્રાફિક્સ, ડિઝાઈનિંગ, એનીમેશન્સ વગેરેમાં તે વિશેષ લાભ કરાવે છે.

 શુક્ર તમને એક સાથે એક કરતાં વધારે વેપાર કરવાનું કૌશલ્ય આપે છે. તમે બે કે ત્રણ વેપાર એક સાથે એકલા હાથે કરી શકો છો.

 સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તમારો શુક્ર જાે શુભ હોય તો શુક્રવારે કરેલા સોદાઓમાં વધારે લાભ થાય છે. જાે કે મેં આવું બનતું બહુ ઓછું જાેયું છે. બીજી તરફ શુક્ર સાથે સંલગ્ન કંપનીઓના શેર્સના સોદા સોમવારે કરવામાં આવે તો તેનાથી વધારે લાભ થતો જાેવા મળે છે! એમાંય તમારો શુક્ર શુભ હોય અને ચંદ્ર પણ શુભ હોય તો શુક્રને લગતા વેપારોમાં સોમવારે કરેલા સોદાઓ વધારે લાભ આપી જતા જાેવા મળે છે.

 મુકેશ અંબાણીનો સૂર્ય બળવાન છે. બળવાન સૂર્ય સાથે શુક્રને ઓછું ફાવે છે. બીજી તરફ મુકેશ અંબાણીના શુક્ર તથા ચંદ્ર એકસમાન રીતે શુભ તથા બળવાન છે. તેમનો બુધ પણ સારો છે. બુધે તેમને એક ઉત્તમ વેપારી બનાવ્યા અને શુક્ર તેમજ ચંદ્રે તેમને સતત સમૃદ્ધિ આપી. શુક્રને કારણે તે એક સાથે ઘણા બધા વેપારો કરી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution