વડોદરા, તા.૧૧
વડોદરાના વેમાલીમાં પાણીની નવી લાઇનના પ્રારંભ સમયે મેયર,સાંસદ સ્થાનિક કોર્પોરેટરોને લોકોએ પાણીની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. અને કહ્યુ હતુ કે, આ પાણી વેમાલી ગામના ૯ ફળીયાને મળશે પરંતુ અન્ય સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ વગેરેને હજી પાણી મળતુ નથી. એક સ્થાનિક યુવાને પાલિકાના પાણી પુરવઠા અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને પાણી વેરો ભરવા છતા પાણી મળતુ નથી તેવી રજૂઆત કરી હતી.
વેમાલી પાણીની લાઈનના પ્રારંભ પ્રસંગે પાણી પુરવઠા અધિકારી સમક્ષ કેટલાક રહિશોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, શાંતિથી શેની વાત થાય, લોકોને પાણીની તકલીફ કેટલી છે, તએક વખત આવો તો ખરા તમે, એક દિવસ અહીં આવીને રોકાવ. આ લોકો બોલતા નથી એટલે તમે અહીં આવ્યા છો ક્યારે? કોઈ દિવસ અહીં પૂછવા આવ્યા છા ? અમને તકલીફ પડે છે તો અમારે શું કરવાનું? બોલો પાણી ક્યારે આવશે એ કહો |
સ્થાનિક કોર્પોરેટરો સમક્ષ પણ સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, રોડ, રસ્તા અને પાણી તો બેઝિક જરૂરિયાત છે. એના માટે મંજૂરી થોડી લેવાની હોય. પાણી તો મળવું જ જાેઈએ. આ ઉપરાંત સાંસદ અને મેયરને પણ ઉગ્ર રજૂઆતો કરી હતી.
વેમાલી ગામનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયા બાદ રહીશો પ્રાથમિક સુવિધા આપવા અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ તાજેતરમાં જ બાઈક રેલી યોજી વિરોધ કર્યો હતો. વેમાલીમાં પાણી, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાની કામગીરી અધૂરી છે. વેરો ભર્યા બાદ પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતા વેમાલી વિસ્તારના લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
વેમાલીમાં ૯ લાખ લિટર પાણીનું વિતરણ કરાશે
વેમાલીના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. આજે જ્યારે મેયર નિલેષ રાઠોડ, સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાનિક કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સહિત અધિકારીઓ આજે વેમાલી પહોંચ્યા હતા અને ૯ લાખ લિટર પાણી વિતરણની કામગીરી શરૂ કરાઈ હતી.મેયરે કહ્યુ હતુ કે,વેમાલી ગામમાં દર ત્રણ દિવસે પાણી વિતરણ થતુ હતુ હેવે ૯ લાખ લિટર પાણીનુ વિતરણ વેમાલી ગામમાં નિયમિત કરવામાં આવશે, ઉપરાંત નેટવર્કની કામગીરી પૂર્ણ થતા બાકી રહેલી ૪૦ ટકા સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં મંજૂરી મેળવી કનેક્શન લીઘા હશે તેમને પણ પાણી મળી શકશે.