બુટલેગરના દીકરાના અપહરણ મામલે પોલીસની હાજરીમાં વાહનોમાં તોડફોડ

અમદાવાદ કૃષ્ણનગરમાં જાહેરમાં જ પોલીસની હાજરી હોવા છતાં વાહનોમાં તોડફોડનો કિસ્સો સામે આવ્યો છે, ઘટના એવી છે કે વાહનમાં ડીપર મારવા બાબતે ઝઘડો થયા બાદ કેટલાક લોકોએ વાહનની તોડફોડ કરી હતી, આ તોડફોડ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ત્યાંથી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડી ફરતી જાેવા મળી હતી પરંતુ પોલીસની નજર સામે જે ઘટના બની રહી હતી તેના પર પોલીસની નજર પડી નહીં અને બીજી તરફ જે અસામાજિક તત્વો દ્વારા વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા તેમણે પણ પોલીસના ડર વગર ગુનાહિત પ્રવૃત્તિને યથાવત રાખવાનું મુનાસિબ સમજ્યું હતું. શહેરના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગર કિશોરસિંહ રાઠોડનો દીકરો અજીતસિંહ ગુરુવારે રાત્રે પોતાની હોટલ બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તેની શ્યામ વિહાર સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે અચાનક એક મર્સિડીઝ કાર આવી અને ડિપર માર્યું હતું. જેથી અજીતસિંહે કાર રોકાવીને કેમ ડિપર માર્યુ તેમ કહ્યું હતું. અજીતસિંહ આટલું બોલતાની સાથે જ એક શખ્સે કારમાંથી ઉતરીને અજીતસિંહના માથામાં લાકડી ફટકારી દીધી હતી. જે બાદ કારમાં બેઠેલા અન્ય શખ્સે કોઇને ફોન કરતાં થોડીક જ મિનિટોમાં બ્લેક કલરની અન્ય એક કાર આવી. જેમાં આવેલા કુખ્યાત ધમા બારડ અને તેના બે સાગરીતોએ અજીતસિંહને ઢોર માર મારી કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. થોડેક દૂર લઇ જઇને અજીતસિંહને ફરીથી માર માર્યો હતો. આ દરમિયાન અજીતસિંહના કોઇ ઓળખીતા આવી જતાં ધમા બારડ સહિત પાંચેય જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ થતાં અજિતસિંહના પિતા કિશોરસિંહ રાઠોડે અસારવા અને શાહીબાગ વિસ્તારના કેટલાક માથાભારે તત્વોને ધમા બારડ અને એના સાગરીતોને શોધવા કામે લગાડ્યા હતા. જેમાં મોડી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડની મર્સિડીઝ ગાડી સહિત વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓમાં તોડફોડ કરી હતી. કિશોરસિંહ રાઠોડના સાગરીતો જ્યારે મર્સિડીઝ ગાડીના કાચની તોડફોડ કરી રહ્યા હતા, તે સમયે પોલીસની એક ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. ઘટનાસ્થળેથી માત્ર ૧૦૦ મીટર દૂર જ પોલીસની ગાડી હોવા છતાં પોલીસ કર્મચારીઓ મૂકપ્રેક્ષક બનીને આ ઘટનાને દૂરથી નીહાળીને રવાના થઈ ગયા હતા. આ અંગે તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અહીં પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી રાત્રિ પેટ્રોલિંગ અને પ્રજાની સુરક્ષા સામે પોલીસે જ ગંભીર સવાલો ઉભા કર્યા છે.કૃષ્ણનગરના પીઆઈએ જણાવ્યું હતું કે, અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે અને બીજી તરફ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી, તે અંગે પણ ફરિયાદ નોધવામાં આવી છે. સર્વેલન્સ સ્કવોડ દ્વારા ફરિયાદ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution