‘વીર સાવરકર’નો વિવાદઃ ઓસ્કારમાં ઓફિશિયલ એન્ટ્રીના દાવાને પડકાર

રણદીપ હુડાના ડાયરેક્શનમાં બનેલી બાયોપિક ‘સ્વાતંર્ત્ય વીર સાવરકર’ને ઓસ્કાર એવોર્ડમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરાઈ હોવાની અટકળો ચાલી છે. કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ને ભારતની ઓફિશિયલ એન્ટ્રી જાહેર કર્યા બાદ ‘સ્વાતંર્ત્ય વીર સાવરકર’નું નામ આવતાં આશ્ચર્ય ફેલાયું છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ રવિ કોટાકારાએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે, રણદીપ હુડાએ કરેલી એનાઉન્સમેન્ટ સાથે ફેડરેશનને કોઈ લેવા દેવા નથી. ફેડરેશને ઓફિશિયલ એન્ટ્રી તરીકે માત્ર ‘લાપતા લેડીઝ’ને જ પસંદ કરી છે. રણદીપ હુડાનું ડાયરેક્શન અને લીડ રોલ ધરાવતી ફિલ્મ ‘સ્વાતંર્ત્ય વીર સાવરકર’ને ઓસ્કારમાં ઓફિશિયલી સબમિટ કરવા બદલ રણદીપે ફિલ્મ ફેડરેશનનો આભાર માન્યો હતો. જેના પગલે આ ફિલ્મ ઓફિશિયલ એન્ટ્રી હોવાની છાપ ઊભી થઈ હતી. ફેડરેશન દ્વારા સોમવારે લાપતા લેડીઝને ભારતની ઓફિશિયલ એન્ટ્રી જાહેર કરી હતી. થોડા કલાકો બાદ ‘સ્વાતંર્ત્ય વીર સાવરકર’નું નામ પણ જાહેર થતાં આશ્ચર્ય ઊભું થયું છે. ફેડરેશનના પ્રમુખ રવિ કોટાકારા સાથ હિન્દુસ્તાન ટાઈમ્સે આ અંગે વાત કરી હતી. જવાબમાં કોટાકારાએ દાવાને હસવામાં કાઢી નાખ્યો હતો. રવિએ સ્પષ્ટતા કરી હતી કે, ‘વીર સાવરકર’ના મેકર્સે કંઈ ખોટું કમ્યુનિકેશન કર્યું છે. આ બાબતે મારે એક સ્ટેટમેન્ટ રિલીઝ કરવાનું છે. ભારતમાંથી ઓસ્કાર માટેની ઓફિશિયલ એન્ટ્રી એક માત્ર લાપતા લેડીઝ છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર આનંદ પંડિતે આ બાબતે જણાવ્યું હતું કે, ફિલ્મ ક્યારે સબમિટ થઈ તેની મને ખબર નથી. સોમવારે મને આ અંગે જાણ થઈ હતી. ઓસ્કારમાં જવું તે મોટી સિદ્ધિ છે અને અમે ખુશ છીએ. ઈન્સ્ટાગ્રામ પર ‘વીર સાવરકર’ને ઓફિશિયલ એન્ટ્રી ગણાવતી જે પોસ્ટ થઈ તેમાં એક્ટર અંકિતા લોખંડે, કો-પ્રોડ્યુસર સંદીપ સિંગ અને પ્રોડક્શન હાઉસનું કોલાબરેશન હતું. રણદીપ હુડાએ આવી કોઈ અપડેટ શેર કરી ન હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution